નવી દિલ્હી, તા. 21 : કવાડ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે ભારતને નારાજ કરે તેવા પગલાંમાં વ્હાઇટ હાઉસના અધિકારીઓ શનિવારે `ભારતવિરોધી’ ખાલિસ્તાની નેતાઓને મળ્યા હતા. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ખાલિસ્તાનને સમર્થન બદલ અમેરિકાને ફટકાર લગાવી હતી.
અમેરિકાએ ખાલિસ્તાનીઓને પોતાની ધરતી પર કોઇ પણ આંતરરાષ્ટ્રીય આક્રમણથી સુરક્ષાનું વચન આપ્યું હતું. કેનેડા અને અમેરિકા ખાલિસ્તાની આતંકીઓને આશ્રય આપે છે. આ અંગે અમેરિકાએ સત્તાવાર કોઇ ટિપ્પણી કરી નથી, પરંતુ કેનેડાએઁ તેને પોતાની `અભિવ્યક્તિની આઝાદી’ લેખાવી છે. જયશંકરે જણાવ્યું હતું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન ભારત પણ કરે છે, પરંતુ તેનો અર્થ ભાગલાવાદના સમર્થનની સ્વતંત્રતા નથી.

તેનો મતલબ વિદેશી રાજદ્વારીઓને ધમકાવવા કે હિંસાની વકીલાત કરતા તત્ત્વોને આશ્રય આપવાની આઝાદી નથી, તેવું ભારતના વિદેશપ્રધાને કહ્યું હતું. આવું પહેલીવાર બન્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે શીખ ભાગલાવાદી ખાલિસ્તાની નેતાઓ સાથે બેઠક કરી છે. એ બેઠકની પહેલ વ્હાઇટ હાઉસ દ્વારા જ કરાઇ હતી.

