નવી દિલ્હી, તા. 13 : ઈઝરાયલ-લેબેનોન સરહદે બગડતી સુરક્ષા વ્યવસ્થા ઉપર ચિંતા વ્યક્ત કર્યાના એક દિવસ બાદ ભારત લેબેનોનમાં સંયુક્ત રાષ્ટ્રમાં સેનાનું યોગદાન આપનારા દેશોમાં સામેલ થયું છે. સાથે જ ઈઝરાયલી સેનાની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. લેબેનોનમાં ઈઝરાયલે કરેલા હુમલામાં બે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિક ઘાયલ થયા હતા.
ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશને કહ્યું હતું કે એક પ્રમુખ સૈન્ય યોગદાનકર્તા દેશના રૂપમાં ભારત 34 યુએન આઈએફઆઈએલ સૈન્ય યોગદાનકર્તા દેશો દ્વારા જારી સંયુક્ત નિવેદન સાથે સમર્થનમાં છે. શાંતિ સૈનિકોની સુરક્ષા સર્વોપરિ છે અને તેની સુરક્ષા વર્તમાન યુએનએસસી પ્રસ્તાવો અનુસાર સુનિશ્ચિત થવી જોઈએ. ઈઝરાયલી સેનાના કહેવા પ્રમાણે દક્ષિણ લેબેનોનના નકૌરામાં એક ઈઝરાયલી હુમલામાં શ્રીલંકાના બે યુએન શાંતિ સૈનિક ઘાયલ થયા હતા. અગાઉ, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં બગડતી સુરક્ષાની સ્થિતિથી ભારત ચિંતિત છે. લેબેનોનમાં યૂનોના શાંતિ સૈનિકો પર હુમલાની ટીકા કરતાં ભારતે કહ્યું હતું કે, આવાં કૃત્યો તાત્કાલિક બંધ થવાં જોઇએ.

