Iran Denies Seeking Ceasefire: ઈરાને જણાવ્યું છે કે તે અમેરિકા-ઈઝરાયેલ સામેની આ લડાઈ ચાલુ રાખશે. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે તેમના તરફથી ન તો યુદ્ધવિરામ કે ન તો વાતચીતની માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે યુદ્ધ અમેરિકાએ શરૂ કર્યું છે અને ઈરાન માત્ર પોતાનો બચાવ કરી રહ્યું છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર સ્વીકાર્યું છે કે ઈરાને તેમની અપેક્ષા કરતા વધુ મજબૂતીથી લડાઈ લડી છે. ટ્રમ્પે કહ્યું કે કોઈને આશા નહોતી કે ઈરાન ખાડી દેશો પર હુમલો કરશે. ઈરાને જે તાકાત બતાવી, અમે તે બધું જોઈને હેરાન રહી ગયા છીએ.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સીઝફાયરના સવાલ પર કહ્યું કે આ માત્ર અમને જ કેમ પૂછવામાં આવી રહ્યું છે. ઈરાનને બદલે અમેરિકા પાસે યુદ્ધવિરામની માંગ કેમ કરવામાં આવતી નથી? ઈરાનનું વલણ આ યુદ્ધમાં બિલકુલ સ્પષ્ટ રહ્યું છે. અમે એક લાદવામાં આવેલું યુદ્ધ લડી રહ્યા છીએ પરંતુ હવે દુશ્મનને એવો કડક પાઠ ભણાવવા માંગીએ છીએ કે તે ફરી ક્યારેય ઈરાન પર હુમલો કરવાનું વિચારે પણ નહીં.
ઈરાન નમશે નહીં: અરાઘચી
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ તે અહેવાલોને નકારી કાઢ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે તેહરાને જંગ ખતમ કરવાની માંગ કરી છે. અરાઘચીએ કહ્યું છે કે ઈરાન ન તો યુદ્ધવિરામ ઈચ્છે છે અને ન તો અમેરિકા સાથે વાતચીત કરી રહ્યું છે. તેહરાન પોતાનો બચાવ કરવા માટે લડાઈ લડતું રહેશે.
અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ઈરાન ત્યાં સુધી પોતાનું અભિયાન ચાલુ રાખશે જ્યાં સુધી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ સ્વીકારી ન લે કે આ સંઘર્ષમાં કોઈની જીત નથી અને આ યુદ્ધ ગેરકાયદેસર છે. તેમણે કહ્યું કે વાતચીતની વચ્ચે તેહરાન પર હુમલા કરવામાં આવ્યા, આવી સ્થિતિમાં અમને અમેરિકનો સાથે વાત કરવાનું કોઈ કારણ જણાતું નથી.
હોર્મુઝ પર નિર્ણય ઈરાની સેના લેશે
હોર્મુઝ જલડમરુમધ્યના અત્યંત મહત્વના દરિયાઈ માર્ગ વિશે વાત કરતા ઈરાની વિદેશ મંત્રીએ કહ્યું કે તેહરાને આ જળમાર્ગ બંધ કર્યો નથી. સરકારે હાલમાં આના સંચાલન અંગેના નિર્ણયો સેના પર છોડી દીધા છે. ઈરાનની સેનાએ અનેક દેશોના જહાજોને ત્યાંથી પસાર થવાની મંજૂરી આપી છે અને આગળ પણ આ બાબતે સેના જ નિર્ણય લેશે.
અમેરિકા અને ઈઝરાયેલ સાથેના સંઘર્ષના મૂળ એવા ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર પણ અરાઘચીએ વાત કરી હતી. તેમણે કહ્યું કે ઈરાને ક્યારેય પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ કર્યો નથી. ગત મહિને થયેલી વાતચીત દરમિયાન તેહરાન પોતાના સમૃદ્ધ યુરેનિયમના ભંડારના કેટલાક હિસ્સાને ઘટાડવા માટે પણ સંમત થયું હતું.
ઈરાને પરમાણુ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો નથી
અબ્બાસ અરાઘચીએ કહ્યું કે વાતચીત દરમિયાન અમે પરમાણુ કાર્યક્રમો પર ઘણી બાબતો માનવાનું વચન આપ્યું હતું પરંતુ હવે તેનો કોઈ અર્થ નથી. પરમાણુ સુવિધાઓ પર ઈઝરાયેલ-અમેરિકા ગઠબંધનના હુમલા બાદ આ તમામ સામગ્રી કાટમાળ નીચે દબાયેલી પડી છે. ઈરાનની હાલમાં ક્ષતિગ્રસ્ત સ્થળોએથી સમૃદ્ધ યુરેનિયમ કાઢવાની કોઈ યોજના નથી.

