ન્યૂયોર્ક, તા. 27 : ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું. આ દરમિયાન કહ્યું હતું કે, ઇઝરાયલ શાંતિ ઇચ્છે છે, પણ બર્બર હત્યારાઓ સામે પોતાનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. અમે અસ્તિત્વ ટકાવવા યુદ્ધનો મોરચો ખોલ્યો છે. લેબેનિઝ સશત્ર જૂથ વિરુદ્ધ અમારું અભિયાન ચાલુ રહેશે. નેતન્યાહુની જાહેરાતની થોડી જ મિનિટો પછી ઇઝરાયલી સેનાએ ફરીથી મિસાઇલ દાગીને દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના વડામથક સહિતના સ્થાનો પર હુમલો કર્યો હતો. ઇઝરાયલી સૈન્ય આઇડીએફના હુમલાથી લેબેનિઝ રાજધાની બૈરુત વિસ્ફોટથી ધ્રૂજી ઊઠી હતી.
હિઝબુલ્લાહ આતંકવાદીઓના ગઢમાં ધુમાડાનાં વિશાળ વાદળો છવાયાં હતાં. ઇઝરાયલી સેનાના પ્રવકતા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, હડતાલ શહેરના દક્ષિણ ઉપનગરોમાં હિઝબુલ્લાહના કેન્દ્રીય મુખ્યાલયને નિશાન બનાવી હુમલા કરાયા હતા. નસરુલ્લા આ હેડક્વાર્ટરમાં છુપાયો હોવાની આશંકા હતી. આજના હુમલામાં હિઝબુલ્લાહના કાર્યકારી પરિષદનો પ્રમુખ હાશેમ સફીદ્દીન માર્યો ગયો હતો. નેતન્યાહુએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને જણાવ્યું હતું કે, તેઓ આ અઠવાડિયાની શરૂઆતમાં આ જ મંચ પર કરવામાં આવેલા ખોટા દાવાઓને રદિયો આપવા હું અહીં આવ્યો છું.

નેતન્યાહુએ 7 ઓક્ટોબર 2023ના ઇઝરાયલની ધરતી પર હમાસના હુમલાનો બદલો લેવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. હમાસના હુમલાના જવાબમાં શરૂ કરાયેલી ઇઝરાયલ સૈન્ય કાર્યવાહીએ ગાઝાપટ્ટીમાં તબાહી મચાવી છે. દરમ્યાન, ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે જારી લોહિયાળ સંઘર્ષમાં લોહીલુહાણ લેબેનોનમાં 1500થી વધુ લોકો જીવ ખોઇ ચૂક્યા છે, ત્યારે વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ વધુ આક્રમક બન્યા છે. નેતન્યાહુએ કહ્યું હતું કે, અમારો દેશ શબ્દોથી નહીં પરંતુ કાર્યવાહીથી જવાબ આપશે. આમ, હવે યુદ્ધ વધુ ભીષણ બનવાનો ભય વધ્યો છે. ઇઝરાયલના હુમલાઓથી હચમચી ઊઠેલા લેબેનોનમાં લગભગ સવા લાખ લોકો બેઘર બની ગયા છે.
ઇઝરાયલની સેનાએ હિઝબુલ્લાહના ડ્રોન યુનિટના વડા મોહમ્મદ હુશેન સરૂરને ઢેર કરી નાખ્યો હોવાના પણ વાવાડ મળ્યા છે. સરૂરનાં મોત બાદ હિઝબુલ્લાહની ગતિવિધિઓ પર અસર પડી શકે છે. જો કે, યુદ્ધની જલ્દી સમાપ્ત થવાની શક્યતા ઓછી દેખાય છે. લેબેનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાક દરમ્યાન લગાતાર જારી ઇઝરાયલી હુમલામાં 92 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. હવે જો આ લોહિયાળ સંઘર્ષની સ્થિતિ જલ્દી કાબૂમાં નહીં આવે તો આ યુદ્ધ માત્ર બે દેશ નહીં પરંતુ સમગ્ર મધ્ય-પૂર્વ માટે ઘાતક સાબિત થઇ શકે છે.

