બૈરુત, તા. 29 : ખતરનાક આતંકી જૂથ હિઝબુલ્લાહની કરોડરજ્જુના મણકા વિખેરી નાખે, તેવા ઘાતક હુમલામાં આતંકવાદી સંગઠનના વડા સૈયદ હસન નસરુલ્લાહને ઢેર કર્યાના બીજા જ દિવસે ઇઝરાયલની સેનાએ રવિવારે વધુ બે કમાંડરને ફૂંકી માર્યા હતા.હવાઇ હુમલામાં હિઝબુલ્લાહનો કમાંડર નબીલ કૌક તેમજ હસન ખલિફા માર્યા ગયા હતા. આ બન્ને આવનારા દિવસોમાં ઇઝરાયલ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યા હતા. તેવી ઘોષણા ઇઝરાયલની સેનાએ આજે `એક્સ’ પર કરી હતી.ખાસ જાણવા જેવી વાત એ છે કે, નબીલ નસરુલ્લાહનો સંભવિત ઉત્તરાધિકારી હતો. આમ, હિઝબુલ્લાહને સળંગ બીજા દિવસે મોટો ઝટકો માર્યો હતો.નબીલ કૌક હિઝબુલ્લાહની કેન્દ્રીય પરિષદનો ઉપપ્રમુખ હતો.

સૈન્ય ગુપ્તચર તંત્રની સટિક બાતમી બાદ કાર્યવાહી કરાઇ હતી.ઇઝરાયલની સેનાએ કહ્યું હતું કે, આ વર્ષમાં અમે નસરુલ્લાહ સહિત હિઝબુલ્લાહના નવમાંથી આઠ સૌથી વરિષ્ઠ સૈન્ય કમાંડરોને ઢેર કર્યા છે.દરમ્યાન લેબેનોન દ્વારા રવિવારે દેશમાં પાંચ દિવસના શોકની ઘોષણા કરાઇ હતી. તમામ ધંધા, વ્યવસાય, સરકારી કાર્યાલયો પાંચ દિવસ સુધી બંધ રહેશે.હિઝબુલ્લાહે હજૂ નબીલના મોત અંગે પ્રતિક્રિયા તરત આપી નહોતી. પરંતુ તેના પ્રશંસકો સોશિયલ મીડિયા પર શોક સંદેશો પાઠવી રહ્યા છે.
નસરુલ્લાના ખાત્માના એક દિવસ બાદ નબીલનું મોત થયાનો દાવો કરાયો છે. જે સંગઠનની કેન્દ્રિય પરિષદમાં ઉપપ્રમુખ પદે કાર્યરત હતો. આઈડીએફએ સોશ્યલ મીડિયા પોસ્ટથી જણાવ્યું કે સચોટ હુમલામાં હિઝબુલ્લાનો કમાન્ડર નબીલ ફારુક મર્યો છે. તે હિઝબુલ્લાહનો વરિષ્ઠ કમાન્ડર હતો અને સીધી રીતે ઈઝરાયલ અને તેના નાગરિકો પર આતંકી હુમલામાં સામેલ હતો. હસન ખલીલ હિઝબુલ્લાહના ગુપ્તચર વિભાગના એક યૂનિટનું નેતૃત્વ કરતો હતો.આઈડીએફ અનુસાર, નબીલ 1980ના દાયકામાં હિઝબુલ્લાહ સાથે જોડાયો હતો અને પોતાના ક્ષેત્રમાં નિપૂણ હતો. તેણે ડે.કમાન્ડર, કમાન્ડર તરીકે કામ કર્યુ હતુ.
ઈઝરાયલે એલાન કર્યુ છે કે હિઝબુલ્લાહ વિરુદ્ધ તેની લડાઈ ચાલુ રહેશે. ઈઝરાયલના નાગરિકોને ધમકી આપનાર કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. લેબનોનમાં હિઝબુલ્લાહ પર ભીષણ હવાઈ હુમલા અને આતંકી સંગઠનના ટોચના નેતૃત્વનો સફાયો કરનાર ઈઝરાયલ પર આતંકી સંગઠન હૂતિ ભડકી ઉઠયું છે અને તેલ અવીવ પાસે બેન ગૂરિયન એરપોર્ટ પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યાનો દાવો કર્યો છે. હૂતિએ શનિવારે નસરુલ્લાહના મોતનો બદલો લેવાની ચેતવણી આપી હતી.

