બૈરુત, તા.પ : દક્ષિણ લેબનોનની શેરીઓમાં ઈઝરાયલે છેડેલાં આમને સામને યુદ્ધમાં ટૂંકા ગાળામાં હિઝબુલ્લાહના 400 જેટલા આતંકી ઠાર મરાયાનો દાવો આઈડીએ (ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ) એ કર્યો છે. લેબનોનમાં ઈઝરાયલનો કહેર ચાલુ છે અને ર0 લાખ જેટલાં ભયભીત લોકોએ સીરિયા તરફ હિજરત કરી છે. લેબનોનમાં ઈઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં ર000 લોકોનાં મૃત્યુ થયાં છે. અમેરિકાએ ઈરાનનાં પરમાણુ મથકો તથા તેલ ભંડારોની નિશાન ન બનાવવા ઈઝરાયોને સમજાવ્યું છે છતાં ઈઝરાયલ હુમલો કરી શકે તેવો ભય છે.

હિઝબુલ્લાહ માટે હથિયાર લઈ જઈ રહ્યાની આશંકાએ ચેતવણી સાથે ઈઝરાયલે ઈરાનના એક વિમાનને પરત ધકેલ્યું હતું. ઈઝરાયલ લેબનોન બાદ હવે ઈરાનમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં હોવાના અહેવાલ છે. આઇડીએફના ઉત્તર લેબનોનમાં હવાઈ હુમલા સતત ચાલુ છે. ઈરાને ગાઝા અને લેબનોનમાં ઈઝરાયલના ગુનાઓ રોકવા વૈશ્વિક અપીલ કરી છે. 400 જેટલા આતંકી લેબનોનમાં ચાલી રહેલા સંઘષમાં મર્યા છે જેમાં મોટાભાગના હિઝબુલ્લાહના ઓપરેટરો છે. ઈરાના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખોમેનીએ ઈઝરાયલી શાસનને પિશાચ અને વરુ જેવા તથા અમેરિકાને ગાંડા શ્વાનની ઉપમા આપી હતી. ઈરાને ઈઝરાયલ પર મિસાઇલનો વરસાદ વરસાવ્યા બાદ ઈઝરાયલ જવાબી કાર્યવાહી કરી શકે છે.
માનવામાં આવે છે કે 7 ઓક્ટોબર સુધીમાં ઈરાન પર ઈઝરાયલ ભીષણ હવાઈ હુમલો કરી શકે છે. આઇડીએફના દાવા અનુસાર, છેલ્લા 4 દિવસમાં હિઝબુલ્લાહના ર000થી વધુ સૈન્ય ઠેકાણા નિશાન બનાવીને રપ0 જેટલા આતંકીઓનો ખાત્મો કર્યો છે. મૃતકોમાં પાંચ બટાલિયન કમાન્ડર, 10 કંપની કમાન્ડર અને 6 પ્લાટૂન કમાન્ડર સામેલ છે. ટાઇમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર ઈરાન પર ઈઝરાયલનો હુમલો ઘણો મોટો હશે. ઈઝરાયલનું સૈન્ય હુમલાની તૈયારી કરી રહયું છે.

