બૈરૂત, તા. 15 : હિઝબુલ્લાહે સૈન્ય મથકો પર નિશાન સાધતાં કરેલા હુમલા બાદ આક્રમક ઇઝરાયલના ઉત્તર લેબેનોન પર હવાઇ હુમલામાં કમસેકમ 21 લોકોનાં મોત થઈ ગયાં હતાં. ત્રિપોલીના એક ઇસાઇ વિસ્તાર એતોઉમાં હુમલો કરાયો હતો. સામાન્ય રીતે ઇઝરાયલ ઇસાઇ વિસ્તારો પર નિશાન સાધતું નથી.
અહેવાલ અનુસાર, એતોઉમાં એક ઇમારતમાં દક્ષિણ લેબેનોનથી પલાયન કરીને આવેલા લોકો રહેતા હતા. ત્રિપોલી લેબેનોનનો સૌથી સુરક્ષિત વિસ્તાર ગણાય છે. આ હુમલાના થોડાક કલાકો પહેલાં વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, જ્યાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં છે, તેવાં બૈરૂત સહિત લેબેનોનનાં દરેક સ્થળ પર હુમલા કરાશે. બીજી તરફ ગાઝામાં પણ મંગળવારે ઇઝરાયલે હુમલો જારી રાખતાં દક્ષિણી ગાઝામાં સલાહ અલ-દીન મસ્જિદ પર બોમ્બ મારો કર્યો હતો, જેમાં 29 લોકોનાં મોત થઇ ગયાં હતા. ઇઝરાયલની સેનાએ કહ્યું હતું કે, અમે માત્ર નાગરિકોની વચ્ચે છુપાયેલા આતંકીઓ પર નિશાન સાધીએ છીએ.

