કહેવાય છે કે, કૂતરાની પૂંછડી ગમે એટલી સીધી કરો વાંકી તે વાંકી જ રહે.આપણી આસપાસ કેટલાય તેવા લોકો હોય જ છે કે, જેઓ સન્માન કે સારાઈને લાયક નથી હોતા.પરંતુ સામે છેડે સારા લોકો સારાઈ છોડી શકતા નથી.કંઈક આ જ બાબત હાલમાં જ મોદીજીના શપથ સમારોહમાં સામેલ થવા આવેલ પડોસી દેશ માલદિવનાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને લાગુ પડે છે.અને નવા કાર્યકાળમાં ભારત અને માલદીવ સાથેના સંબંધો સુધરવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે પીએમ મોદી સાથે પણ વાતચીત કરી હતી અને સોમવારે કેન્દ્રીય મંત્રી એસ જયશંકરે મુઈઝુ સાથે મુલાકાત કરી હતી. જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારતમાં હતા અને ગાઢ અને ઐતિહાસિક સંબંધોને વધારવાની વાત કરી રહ્યા હતા, તે જ સમયે તેમના દેશમાં સંસદીય સમિતિએ ત્રણ કરારોની સમીક્ષાની જાહેરાત કરી હતી. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત તરફી નેતા ઈબ્રાહિમ સોલિહે ભારત સાથે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે આ સમીક્ષા પાછળ એવું કહેવામાં આવી રહ્યું છે કે આમાં માલદીવની સંપ્રભુતાનું કથિત રીતે ઉલ્લંઘન થયું છે. એટલું જ નહીં, મોદીના શપથ ગ્રહણ સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ પણ ત્યાં બંધ કરી દેવામાં આવ્યું હતું.

માલદીવના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, સાંસદ અહેમદ અઝાને જણાવ્યું હતું કે સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સેવા સમિતિએ સોલિહના વહીવટીતંત્ર દ્વારા માલદીવની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાને નબળી પાડતી કાર્યવાહીની તપાસ કરવા સંસદીય તપાસ કરવાનો નિર્ણય લીધો છે. અઝાને સંસદીય તપાસ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે અગાઉની સરકારના પગલાંથી દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વને અસર થઈ હતી. મુઇઝુની સરકારે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે તે માલદીવના જળસીમામાં સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ માટે ભારતીય નૌકાદળ સાથેના કરારને રિન્યૂ કરવા જઈ રહી નથી.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ ભારતમાં હોવા છતાં પણ માલદીવની સરકારની ભારત સામેની નફરત ઓછી થતી જણાતી નથી. મુઈઝુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ભારત આવ્યો હતો. શપથ ગ્રહણ સમારોહમાં આવતા પહેલા મુઈઝુએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવી તે તેમના માટે સન્માનની વાત હશે. મોદી સરકારના નવા કાર્યકાળ દરમિયાન ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો સુધરવાની આશા છે. એક તરફ સંબંધો સુધારવાની વાતો ચાલી રહી હતી તો બીજી તરફ માલદીવના સરકારી બ્રોડકાસ્ટર પબ્લિક સર્વિસ મીડિયાએ છેલ્લી ઘડીએ મોદીના શપથ ગ્રહણ સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ રદ્દ કરી દીધું હતું.
ગયા વર્ષે 17 નવેમ્બરે માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઈઝુની આ પ્રથમ ભારત મુલાકાત હતી. મુઇઝુનું વલણ ચીન તરફી છે. માલદીવના રાષ્ટ્રપતિ પદની જવાબદારી સંભાળ્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. શપથ લીધાના થોડા કલાકો બાદ જ તેમણે પોતાના દેશમાંથી ભારતીય સૈન્ય જવાનોને પાછા ખેંચવાની માંગ કરી હતી. આ મહિનાની શરૂઆતમાં, ભારતીય સૈન્ય કર્મચારીઓને નાગરિકો દ્વારા બદલવામાં આવ્યા હતા. ભારત અને માલદીવ વચ્ચેના તાજેતરના તણાવપૂર્ણ સંબંધોને ધ્યાનમાં રાખીને મુઇઝુને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા અને પછી દિલ્હીની મુલાકાત લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ એવું લાગે છે કે વણસેલા સંબંધો ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે સાજા થશે નહીં.

