Japan MMX Mars Mission: જાપાને મંગળના ચંદ્ર પર મોકલ્યું સ્પેસશિપ, અમેરિકા અને ચીન પણ નથી પહોંચ્યાં ત્યાંથી લાવશે નમૂનાઓ

Arati Parmar
3 Min Read

Japan MMX Mars Mission: જાપાને અંતરિક્ષ ક્ષેત્રે એક મોટું પગલું ભરતાં અત્યંત મહત્ત્વાકાંક્ષી સ્પેસ મિશન લૉન્ચ કર્યું છે. જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA)એ મંગળ ગ્રહના રહસ્યમય ચંદ્ર પરથી નમૂનાઓ મેળવવાના અભૂતપૂર્વ અભિયાન હેઠળ મંગળવારે એક સ્પેસશિપ રવાના કર્યું. માર્સિયન મૂન્સ એક્સપ્લોરેશન (MMX) નામના આ સ્પેસશિપને જાપાનના મુખ્ય H3 રૉકેટ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું. પાંચ વર્ષના આ મિશન માટે દુનિયાની પાંચ અંતરિક્ષ એજન્સીઓ એકસાથે આવી છે, જેનું નેતૃત્વ JAXA કરી રહી છે.

‘ફોબોસ’ પરથી નમૂનાઓ લઈને આવશે મિશન

આ મિશનનો ઉદ્દેશ મંગળના ચંદ્ર ફોબોસ પરથી નમૂનાઓ એકત્રિત કરવાનો છે. ફોબોસ મંગળના બે નાના ચંદ્રોમાંનો એક છે અને ગ્રહની નજીક છે. આ અંતરિક્ષયાન આવતા વર્ષે ઑગસ્ટમાં મંગળની કક્ષામાં પહોંચશે. તે ફોબોસ પર એક રોબોટિક પ્રોબ અને એક રોવર ઉતારશે. JAXAએ જણાવ્યું કે આ મિશન 10 ગ્રામ માટી અને ખડકોના નમૂનાઓ એકત્રિત કરશે. તે 2031માં પાછું ફરશે.

- Advertisement -

મંગળના ચંદ્ર પરનું પ્રથમ મિશન

અમેરિકન અંતરિક્ષ એજન્સી NASAએ મંગળ ગ્રહ પર અત્યાર સુધીમાં 9 અંતરિક્ષયાન સફળતાપૂર્વક ઉતાર્યાં છે. ચીને પણ 2021માં મંગળ પર પોતાનું યાન ઉતાર્યું છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ મિશન ફોબોસ અથવા તેના સાથી ચંદ્ર ડીમોસ સુધી પહોંચી શક્યું નથી. મંગળ ગ્રહ અથવા તેના ચંદ્રોમાંથી આજ સુધી નમૂનાઓ પાછા લાવવામાં પણ કોઈ સફળ થયું નથી. ફોબોસ મંગળ ગ્રહની સપાટીથી 6,000 કિમીના અંતરે છે. 22.5 કિમી વ્યાસ ધરાવતો આ ખાડાઓથી ભરેલો ચંદ્ર દિવસમાં ત્રણ વખત મંગળની પરિક્રમા કરે છે.

માર્સિયન મૂન એક્સપ્લોરેશન સ્પેસશિપને મંગળવારે સવારે 4:41 વાગ્યે જાપાનના તાનેગાશિમા સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવ્યું. તેનું લાઇવસ્ટ્રીમ જોવા માટે હજારો લોકો વહેલી સવારે જાગી ગયા હતા. પૃથ્વી પરથી રવાના થયાના એક કલાક બાદ અંતરિક્ષયાન રૉકેટના ઉપરના ભાગથી અલગ થયું. ત્યારબાદ JAXAના વૈજ્ઞાનિકોએ લૉન્ચને સફળ જાહેર કર્યું.

- Advertisement -

મુખ્ય લેન્ડર પહેલાં નાનું રોવર ઉતરશે

આ મિશનનો ખર્ચ 578 મિલિયન ડૉલર છે. તેમાં 5 ટન વજન ધરાવતું એક અંતરિક્ષયાન સામેલ છે. આગામી ઉનાળામાં મંગળની નજીક પહોંચ્યા બાદ તે એક નાનું ફ્રેન્ચ-જર્મન રોવર છોડશે. જો બધું આયોજન અનુસાર થયું, તો ચાર પૈડાં ધરાવતું આ રોવર ફોબોસની સપાટી પર કેટલીક મિનિટો સુધી ઉછળતું રહેશે અને ત્યારબાદ અટકી જશે. આ રોવર 100 દિવસ સુધી સપાટીનું સર્વેક્ષણ કરશે, જેથી ચાર પગ ધરાવતા સ્થિર લેન્ડર એટલે કે મુખ્ય યાનના આગમન પહેલાં સુરક્ષિત ઉતરાણ અને નમૂનાઓ એકત્રિત કરવા માટેનું સ્થળ શોધી શકાય. મુખ્ય યાન જ ત્યાંથી નમૂનાઓ એકત્રિત કરશે.

જીવનમાં માત્ર એક જ વાર મળતી તક

આ મિશન સાથે જોડાયેલી જર્મન સ્પેસ એજન્સીના રોવર વિભાગના વડા માર્કસ ગ્રેબેનસ્ટીને જણાવ્યું, “આ જીવનમાં માત્ર એક જ વાર મળતી તક છે. અમે મંગળ પ્રણાલીમાંથી નમૂનાઓ પાછા લાવનારા પ્રથમ મિશનનો ભાગ છીએ.”

- Advertisement -

આ લેન્ડર ફોબોસ પર માત્ર બે કલાક વિતાવશે. આ દરમિયાન તે ડ્રિલિંગ કરશે અને વેક્યૂમની મદદથી નમૂનાઓ એકત્રિત કરશે. ત્યારબાદ તે ફરી અંતરિક્ષમાં રવાના થઈ જશે. મિશન સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે તે નવેમ્બર 2030માં મંગળની કક્ષા છોડી દેશે. તે પહેલાં આ સ્પેસશિપ મંગળના બીજા ચંદ્ર ડીમોસ પાસેથી પસાર થઈને તેનું પણ અવલોકન કરશે.

Share This Article