Mediterranean Quad India: નવો વૈશ્વિક મોરચો: ‘ઇસ્લામિક નાટો’ના જવાબમાં ભારત રચી શકે છે મેડિટેરેનિયન ક્વાડ, ગ્રીસ અને ઇઝરાયલ સાથે મજબૂત બનશે સૈન્ય તાકાત

Arati Parmar
3 Min Read

Mediterranean Quad India: ગ્રીસ, સાયપ્રસ અને ઇઝરાયલે તાજેતરમાં ત્રિપક્ષીય સૈન્ય સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ જૂથમાં ભારત પણ સામેલ થાય તેવી ચર્ચાઓ જોર પકડી રહી છે. ઇઝરાયલ, ગ્રીસ અને સાયપ્રસે ભારતને વિધિવત રીતે ‘3+1’ મંચમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. ભારતના આ ત્રણેય દેશો સાથે ખૂબ જ સારા સંબંધો છે. બીજી તરફ, તુર્કી અને પાકિસ્તાનના જોડાણનો સામનો કરવા માટે પણ ભારતને આ જૂથ એક ઉત્તમ વિકલ્પ આપી શકે છે. ભારત જો આમાં જોડાય છે, તો ‘ભૂમધ્ય સમુદ્રી ક્વાડ’ (MedQUAD) નો રસ્તો ખુલી જશે.

રિટાયર્ડ ઇન્ડિયન એર માર્શલ અનિલ ચોપરાએ વર્તમાન ગ્રીસ-સાયપ્રસ-ઇઝરાયલ ત્રિપક્ષીય ફ્રેમવર્કને ભારતમાં સામેલ કરીને ‘મેડિટેરેનિયન ક્વાડ’માં બદલવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી ભૌગોલિક રાજકીય વર્તુળોમાં ચર્ચા છેડાઈ છે. ચોપરાનું સૂચન છે કે આમાં માત્ર ભારત જ નહીં પરંતુ સંયુક્ત આરબ અમીરાત (UAE) ને પણ સામેલ કરી શકાય છે. જોકે, ભારતે સત્તાવાર રીતે હજુ સુધી આવો કોઈ સંકેત આપ્યો નથી.

- Advertisement -

ઇસ્લામિક નાટોનો કરશે સામનો

પાકિસ્તાને ગત વર્ષે સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર કર્યો છે, જેમાં તુર્કી પણ જોડાય તેવી શક્યતા છે. સાઉદી અરેબિયા અને પાકિસ્તાન આ માટે તુર્કી સાથે વાતચીત કરી રહ્યા છે. આ એક ‘નાટો સ્ટાઈલ’ નો કરાર છે, જેમાં એક દેશ પરના હુમલાને જૂથના અન્ય સભ્યો પરનો હુમલો માનવામાં આવશે. આ કારણે તેને ‘ઇસ્લામિક નાટો’ કહેવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ઇસ્લામિક નાટોનો આ પ્રયાસ ભારતની ચિંતા વધારી રહ્યો છે.

સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન સાથે મળીને એક મોટી સૈન્ય અને આર્થિક તાકાત બની જાય છે. તેના જવાબમાં ભારત ઇઝરાયલ જેવી મજબૂત સૈન્ય શક્તિ ધરાવતા જૂથમાં સામેલ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. બીજી તરફ, યુએઈ (UAE) ના સાઉદી અરેબિયા સાથેના સંબંધો હાલમાં નિમ્ન સ્તરે હોવાથી તે ભારત અને ઇઝરાયલ સાથે આવે તેવી ચર્ચા પણ જોર પકડી રહી છે.

- Advertisement -

કેવી રીતે બદલાઈ રહ્યા છે સમીકરણો

સાઉદી-પાકિસ્તાન-તુર્કીનું જોડાણ ભારત માટે ગંભીર વ્યૂહાત્મક ચિંતાઓ પેદા કરે છે. સાઉદીની વધતી શક્તિ યુએઈ માટે પણ ચિંતાનો વિષય છે. ભારતના ઇઝરાયલ, ગ્રીસ અને સાયપ્રસ સાથે ગાઢ સંબંધો છે, જ્યારે યુએઈના ઇઝરાયલ અને ભારત બંને સાથે સારા સંબંધો છે. આ સમીકરણો એવા છે કે યુએઈ અને ભારત આ જૂથમાં જોડાઈ શકે છે. ભવિષ્યમાં યુએઈ, ભારત, ઇઝરાયલ, ગ્રીસ અને સાયપ્રસ એકસાથે ‘મેડિટેરેનિયન ક્વાડ’ તરીકે જોવા મળે તેવી પ્રબળ શક્યતા છે.

Share This Article