ચીન-પાકિસ્તાન સરહદ કરારથી ભારતની સુરક્ષા સામે નવા સવાલ, CPEC અને શક્સગામ પર નજર
Pakistan China Joint Border Commission: ભારતના કડક વિરોધ છતાં ચીન અને પાકિસ્તાને તેમની કથિત સરહદ પર ‘જોઇન્ટ બોર્ડર કમિશન’ને સત્તાવાર રીતે કાર્યરત કરી દીધું છે. ઇસ્લામાબાદમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય વિદેશ મંત્રાલયની મંત્રણા દરમિયાન બંને દેશોએ 2013ના લાંબા સમયથી પડતર સરહદ વ્યવસ્થાપન કરારને અમલમાં મૂકવાની જાહેરાત કરી. આ પગલાનો સીધો હેતુ ભારતના કબજા હેઠળ ન હોવા છતાં ભારત જે વિસ્તારોને પોતાનો ભૂભાગ માને છે, ખાસ કરીને શક્સગામ વેલી (Shaksgam Valley), PoK અને ખૂંજરાબ પાસની આસપાસ લશ્કરી તથા માળખાકીય પકડને મજબૂત કરવાનો હોવાનું જણાવાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠકમાં એકબીજાની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવવા પર ભાર મૂકાયા બાદ બુધવારે બેઇજિંગે ઇસ્લામાબાદ સાથે મળીને સરહદ આયોગને ‘કાર્યરત’ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ પગલાથી નવી દિલ્હીના એ દાવાને પરોક્ષ રીતે પડકારવામાં આવ્યો છે કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન ભાગ છે અને ચીનની પાકિસ્તાન સાથે કોઈ સંયુક્ત સરહદ નથી.
ઇસ્લામાબાદે જણાવ્યું કે ચીન-પાકિસ્તાન સંયુક્ત સરહદ આયોગની પ્રથમ બેઠકથી બંને દેશો વચ્ચે ‘સરહદ વ્યવસ્થાપન, સંયુક્ત સરહદ સર્વેક્ષણ, વેપારના પ્રવાહ અને લોકો વચ્ચેના પરસ્પર સંપર્ક’ના ક્ષેત્રોમાં ‘વધુ સારા સહકાર’નો પાયો નાખવામાં આવ્યો છે. આ બેઠકની સહ-અધ્યક્ષતા ચીનના વિદેશ મંત્રાલયના બોર્ડર એન્ડ ઓશન અફેર્સ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ લી યા અને પાકિસ્તાનના વિદેશ કાર્યાલયમાં ચીન બાબતોના ડિરેક્ટર જનરલ બિલાલ મહમૂદ ચૌધરીએ કરી હતી.
In a significant milestone for Pakistan- China relations, the two sides today operationalized the Pakistan-China Boundary Joint Commission, setting the stage for enhanced cooperation in border management, joint border surveys, trade flows and people to people connectivity.
The… pic.twitter.com/q5uNn8qpN0
— Ministry of Foreign Affairs – Pakistan (@ForeignOfficePk) September 16, 2026
ચીન-પાકિસ્તાન બોર્ડર કરાર પર ભારતે શું કહ્યું?
ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે ચીન અને પાકિસ્તાન વચ્ચે કોઈ માન્ય સરહદ જ નથી. ભારતીય વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે ચીન-પાકિસ્તાનના આ નવા આયોગને સંપૂર્ણપણે નકારી કાઢતાં કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોમાં ચીન અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ પ્રકારની માન્ય સરહદ નથી. વિદેશ મંત્રાલયે આ ‘જોઇન્ટ કમિશન’ને સંપૂર્ણપણે ગેરકાયદેસર અને આધારવિહોણું ગણાવ્યું છે.
1963ના વિવાદિત કરાર અને શક્સગામ પર નજર
આ વિવાદ 2 March 1963ના રોજ તે સમયના પાકિસ્તાની વિદેશ મંત્રી ઝુલ્ફિકાર અલી ભુટ્ટો અને ચીનના વિદેશ મંત્રી ચેન યી વચ્ચે થયેલા તે કરાર સાથે જોડાયેલો છે, જેને ભારત ગેરકાયદેસર માને છે. આ કરાર હેઠળ પાકિસ્તાને ભારતના 5,180 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવેલા શક્સગામ વિસ્તારને ચીનને સોંપ્યો હતો.
2013નો કરાર અમલમાં
હવે 2013ની ‘બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ’ની આર્ટિકલ 45નો ઉપયોગ કરીને બંને દેશો સરહદના થાંભલાઓની જાળવણી, સર્વેક્ષણ અને CPEC કનેક્ટિવિટીના નામે નવું માળખું ઊભું કરી રહ્યા છે. આ આયોગની શરૂઆત 2013માં ઇસ્લામાબાદમાં તે સમયના ચીનના વડાપ્રધાન લી કેકિયાંગની મુલાકાત દરમિયાન થયેલા ‘સરહદ વ્યવસ્થાપન પ્રણાલી કરાર’થી થઈ હતી.
સામરિક ખતરો
ભારતને આશંકા છે કે આ આયોગની આડમાં ચીન શક્સગામ વેલી અને સિયાચિન ગ્લેશિયર નજીક મોટું લશ્કરી માળખું ઊભું કરી શકે છે. નવી દિલ્હીનું કહેવું છે કે શક્સગામ વેલી ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ છે, પરંતુ હાલમાં તેના પર પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો છે.
ભારતની સુરક્ષા પર શું અસર થઈ શકે?
સિયાચિન અને લદ્દાખ
શક્સગામ વેલીમાં ચીનની પકડ મજબૂત થવાથી ભારતીય સેનાના ઉત્તરીય મોરચે ટૂ-ફ્રન્ટ વોરનું દબાણ વધી શકે છે.
CPEC કનેક્ટિવિટી
ખૂંજરાબ પાસ મારફતે ચીન પોતાના કોમર્શિયલ અને મિલિટરી કાફલાઓની અવરજવરને વધુ ઝડપી અને સુરક્ષિત બનાવવા માગે છે.
સંપ્રભુતા પર અસર
PoK અંગે ભારતના સંપ્રભુતાના દાવાને નબળો પાડવા માટે ચીન-પાકિસ્તાન સંસ્થાકીય માળખું ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો ભારતનો આક્ષેપ છે.
ભારત હંમેશાથી ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)નો વિરોધ કરતું આવ્યું છે. નવી દિલ્હીનો આક્ષેપ રહ્યો છે કે તે ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે. 3,000 કિલોમીટર લાંબો CPEC, શી જિનપિંગની ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’નો મુખ્ય ભાગ છે. તે ચીનના શિનજિયાંગ સ્વાયત્ત પ્રદેશને દક્ષિણ પાકિસ્તાનના ગ્વાદર બંદર શહેર સાથે જોડે છે. તે એવા વિસ્તારોમાંથી પસાર થાય છે, જેના પર ભારત પોતાનો દાવો કરે છે પરંતુ પાકિસ્તાને જે વિસ્તારો પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે.

