Pakistan Taliban War: ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે પાકિસ્તાને ફરી એકવાર અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત અનેક શહેરો પર એરસ્ટ્રાઈક કરી છે. જેના જવાબમાં તાલિબાને પણ પાકિસ્તાનના અનેક શહેરોમાં એક પછી એક ઘાતક ડ્રોન હુમલા કર્યા છે. પાકિસ્તાનનો દાવો છે કે તેણે આ હુમલાઓમાં ઉગ્રવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ હુમલાઓનો હેતુ અફઘાન તાલિબાન અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાથે જોડાયેલા મહત્વના ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો.
અફઘાન તાલિબાને પાકિસ્તાની સેના પર સામાન્ય નાગરિકોને મારવાનો આરોપ લગાવ્યો છે અને ચેતવણી આપી હતી કે આ હુમલાઓનો જવાબ ચોક્કસ આપવામાં આવશે. જે બાદ હવે મળી રહેલા તાજા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે તાલિબાને પાકિસ્તાનના અનેક શહેરોમાં ડ્રોન હુમલા કર્યા છે. તાલિબાનના અધિકારીઓએ ઇસ્લામાબાદ, કરાચી અને ક્વેટા પર હુમલાની ધમકી આપી હતી અને હવે હુમલા કરવામાં પણ આવ્યા છે.
તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે ઘમાસણ
કાબુલ અને કંદહાર સહિત અનેક પ્રાંતોમાં પાકિસ્તાન વાયુસેનાએ અફઘાન તાલિબાનના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. તો બીજી તરફ પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ બલ્ખ પ્રાંતના તાલિબાન ગવર્નરના પ્રવક્તા હાજી ઝાહિદે પાકિસ્તાન વિરુદ્ધ ધમકી જારી કરી છે જેમાં તેમણે ઇસ્લામાબાદ, કરાચી અને ક્વેટાને સંભવિત લક્ષ્યો તરીકે નામિત કર્યા છે. હાજી ઝાહિદ, બલ્ખના તાલિબાન ગવર્નર હાજી યુસુફ વફાના પ્રવક્તા તરીકે કામ કરે છે. હાજી યુસુફ વફાને આ આંદોલનના સર્વોચ્ચ નેતા મુલ્લા હૈબતુલ્લા અખુંદઝાદાના નજીકના માનવામાં આવે છે અને ઉત્તરી અફઘાનિસ્તાનમાં તેમને એક પ્રભાવશાળી હસ્તી તરીકે જોવામાં આવે છે.
સ્થાનિક અહેવાલો અને ગુપ્તચર સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે પાકિસ્તાન વાયુસેના (PAF) ના લડાયક વિમાનોએ કંદહાર હવાઈ મથક, પક્તિયા પ્રાંતમાં લશ્કરી મથકો અને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સ્થિત અનેક સ્થળો પર સંકલિત (Coordinated) હુમલા કર્યા છે. જે ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા તેમાં કંદહાર શહેરમાં સ્થિત તાલિબાનના ‘અલ-બદ્ર કોર’ નું મુખ્યાલય પણ સામેલ હતું. માનવામાં આવે છે કે હુમલા સમયે ત્યાં તાલિબાનના વરિષ્ઠ કમાન્ડરો હાજર હતા.
શું તાલિબાને કાબુલ એરપોર્ટ ખાલી કર્યું?
આ દરમિયાન તુર્કીની આમાઝ ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે પાકિસ્તાની હવાઈ હુમલાના ડરથી તાલિબાને કાબુલ મિલિટ્રી એરપોર્ટ ખાલી કરી દીધું છે. આ દાવાની અમે પુષ્ટિ કરી શકતા નથી. તુર્કીની મીડિયા પાકિસ્તાનના પ્રોપેગન્ડાને ફેલાવવામાં માહિર રહી છે. તુર્કીની મીડિયામાં ભારતીય સૈન્ય અધિકારીઓના ડીપ ફેક વીડિયો પણ બતાવવામાં આવી રહ્યા છે અને તેમને સોશિયલ મીડિયા પર ભારતની છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી વાયરલ કરવામાં આવે છે.
આમાઝ ન્યૂઝે કાબુલના સૂત્રોને ટાંકીને કેટલીક તસવીરો શેર કરી છે અને તેના આધારે દાવો કર્યો છે કે પાકિસ્તાની હવાઈ હુમલાની આશંકાને પગલે તાલિબાને કાબુલ એરપોર્ટના મિલિટ્રી હિસ્સાને ખાલી કરી દીધો છે. આ સૂત્રોના જણાવ્યા અનુસાર તાલિબાન દળોએ સાવચેતીના પગલા રૂપે મિલિટ્રી એરપોર્ટ પરથી તમામ વાહનો અને વિમાનો હટાવી લીધા છે. બીજી તરફ પાકિસ્તાની હુમલાની આશંકા વચ્ચે તાલિબાનના અનેક અધિકારીઓ હેલિકોપ્ટર દ્વારા બામયાન, ઘોર અને દાયકુંડી પ્રાંતોમાં જતા રહ્યા છે.

