Khaleda Zia Biography Politics: બાંગ્લાદેશના ઈતિહાસના એક યુગનો અંત, પ્રથમ મહિલા પીએમ ખાલિદા ઝિયાનું ૮૦ વર્ષની વયે અવસાન, જાણો સંઘર્ષમય રાજકીય સફર!

Arati Parmar
5 Min Read

Khaleda Zia Biography Politics: બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું મંગળવાર, ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ૮૦ વર્ષની વયે નિધન થયું છે. ખાલિદા ઝિયાની પાર્ટી BNP એ સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં જણાવ્યું કે તેમનું નિધન સવારે ૬ વાગ્યે થયું હતું. ખાલિદા ઝિયા લાંબા સમયથી બીમાર હતા. તાજેતરમાં જ તેમના પુત્ર તારિક રહેમાન ૧૭ વર્ષના દેશનિકાલ બાદ લંડનથી ઢાકા પરત ફર્યા હતા.

ખાલિદા ઝિયાનું રાજકારણ

ખાલિદા ઝિયા વર્ષ ૧૯૯૧માં પ્રથમ વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા. આ સાથે જ તેમણે બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું. ત્યારબાદ વર્ષ ૨૦૦૧ થી ૨૦૦૬ સુધી તેઓ બીજી વખત પણ બાંગ્લાદેશના વડાપ્રધાન રહ્યા. ખાલિદા ઝિયાના પતિ ઝિયા ઉર રહેમાન વર્ષ ૧૯૭૭ થી ૧૯૮૧ સુધી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હતા. તેમણે જ ૧૯૭૮માં BNP પાર્ટીની શરૂઆત કરી હતી. લશ્કરી શાસકમાંથી રાજકારણી બનેલા ઝિયા ઉર રહેમાનની ૩૦ મે ૧૯૮૧ના રોજ લશ્કરી બળવામાં હત્યા કરવામાં આવી હતી. પતિના મૃત્યુ પછી જ ખાલિદા ઝિયાની રાજકીય ઇનિંગ શરૂ થઈ હતી.

- Advertisement -

૩ જાન્યુઆરી ૧૯૮૨ના રોજ પ્રથમ વખત ખાલિદા ઝિયાએ BNP ના સભ્ય તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. પાછળથી તેઓ BNP ના અધ્યક્ષ બન્યા અને મૃત્યુ સુધી તેઓ આ પદ પર રહ્યા. બાંગ્લાદેશમાં લશ્કરી શાસન સામે ખાલિદા ઝિયા એક અગ્રણી અવાજ બનીને ઉભર્યા. લોકોને લશ્કરી શાસન વિરુદ્ધ એક કરવા માટે ખાલિદા ઝિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

વર્ષ ૧૯૮૬માં તત્કાલીન લશ્કરી જનરલ ઇરશાદે રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવાની જાહેરાત કરી. જેના માટે ખાલિદા ઝિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધન અને શેખ હસીનાના ગઠબંધને પ્રચાર શરૂ કર્યો. જોકે બાદમાં બંને ગઠબંધને ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી. આનાથી ખાલિદા ઝિયાની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ. જોકે શેખ હસીનાના નેતૃત્વમાં પાછળથી ચૂંટણીમાં ભાગ લીધો, પરંતુ શેખ હસીનાને નજરકેદ કરીને એચ.એમ. ઇરશાદે ચૂંટણીમાં ગેરરીતિ કરી હતી. આખરે ડિસેમ્બર ૧૯૯૦માં ઇરશાદના શાસનના અંત પછી કેરટેકર સરકાર હેઠળ ચૂંટણીઓ થઈ. આ ચૂંટણીમાં BNP ની સરકાર બની. ખાલિદા ઝિયાએ બંધારણીય સુધારો કરીને દેશમાં સંસદીય વ્યવસ્થા લાગુ કરી અને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.

- Advertisement -

શેખ હસીના સાથે રહી લાંબી પ્રતિસ્પર્ધા

ખાલિદા ઝિયાની અવામી લીગ પાર્ટીના વડા શેખ હસીના સાથે લાંબી પ્રતિસ્પર્ધા રહી. આ બંને મહિલાઓએ જ બાંગ્લાદેશના રાજકારણ પર દાયકાઓ સુધી વર્ચસ્વ જાળવી રાખ્યું. બાંગ્લાદેશના રાજકારણને દિશા આપવામાં આ બંને નેતાઓની મોટી ભૂમિકા રહી. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી શેખ હસીનાનું બાંગ્લાદેશના રાજકારણમાં એકહથ્થુ શાસન રહ્યું અને તેનું કારણ ખાલિદા ઝિયાનું સ્વાસ્થ્ય હતું. ખાલિદા ઝિયા લાંબા સમયથી બીમાર હતા અને સારવાર માટે તેઓ લાંબા સમય સુધી વિદેશમાં પણ રહ્યા હતા.

શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ ખાલિદા ઝિયા તાજેતરમાં ઢાકા પરત ફર્યા હતા, પરંતુ તેમની તબિયત તેમને સાથ આપી રહી ન હતી અને તેઓ જાહેર જીવનથી દૂર જ રહ્યા. ખાલિદા ઝિયા લિવર સિરોસિસ, આર્થરાઈટિસ, ડાયાબિટીસ અને હૃદય સંબંધી ઘણી સમસ્યાઓથી પીડાતા હતા. વર્ષ ૨૦૧૮માં ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના આરોપમાં જેલ પણ થઈ હતી. જોકે ખાલિદા ઝિયા અને તેમની પાર્ટીએ તેને શેખ હસીનાનું રાજકીય રીતે પ્રેરિત પગલું ગણાવ્યું હતું.

- Advertisement -

વચગાળાની સરકાર સત્તામાં આવ્યા બાદ વિદેશ જવાની છૂટ મળી

અવામી લીગની સરકારે વર્ષ ૨૦૨૦માં મેડિકલ આધારે ખાલિદા ઝિયાની સજાને સ્થગિત કરી અને તેમને ઘરમાં નજરકેદ રાખવાનો આદેશ આપ્યો. જોકે વિદેશ પ્રવાસ કરવા અને રાજકારણમાં સક્રિયપણે ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. શેખ હસીના સત્તામાંથી બહાર થયા પછી જ ખાલિદા ઝિયાને આ પ્રતિબંધોમાં રાહત મળી. આ વર્ષે જાન્યુઆરીમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારે ખાલિદા ઝિયાને સારવાર માટે વિદેશ જવાની મંજૂરી આપી. વચગાળાની સરકાર સત્તામાં આવ્યા બાદ ખાલિદા ઝિયા પરના તમામ આરોપો પણ ધીમે ધીમે ખતમ થઈ ગયા અને તેમને ભ્રષ્ટાચારના કેસોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.

ખાલિદા ઝિયાનું અંગત જીવન

ખાલિદા ઝિયાનો જન્મ ૧૫ ઓગસ્ટ ૧૯૪૬ના રોજ અવિભાજિત ભારતના દિનાજપુર જિલ્લામાં થયો હતો. તેમની માતાનું નામ તૈયબા અને પિતાનું નામ ઈસ્કાંદર મજુમદાર હતું. ખાલિદાનો પરિવાર જલપાઈગુડીમાં ચાનો વેપાર કરતો હતો અને ત્યાંથી સ્થળાંતર કરીને દિનાજપુર પહોંચ્યો હતો. વર્ષ ૧૯૬૦માં ખાલિદા ઝિયાના લગ્ન આર્મી કેપ્ટન ઝિયા ઉર રહેમાન સાથે થયા, જેઓ બાદમાં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બન્યા. વર્ષ ૧૯૮૩માં જ્યારે ખાલિદા BNP ચીફ બન્યા ત્યારે તેમની પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ ખાલિદાની કાબિલિયત પર શંકા વ્યક્ત કરીને પાર્ટી છોડી દીધી હતી. જોકે ખાલિદાએ બાદમાં પાર્ટીને ફરીથી એકજૂથ કરીને મજબૂત બનાવી. ખાલિદા ઝિયાની સરકારમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો બહુ સારા ન રહ્યા અને ખાલિદા ઝિયાએ જ ચીન અને ઇસ્લામિક દેશો સાથે બાંગ્લાદેશના સંબંધો મજબૂત બનાવ્યા. જોકે તેઓ બે વાર ભારતની મુલાકાતે આવ્યા હતા.

ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન જે હવે BNP ના કાર્યકારી અધ્યક્ષ છે, તેઓ ગયા અઠવાડિયે જ બાંગ્લાદેશ પરત ફર્યા છે. ખાલિદા ઝિયાના બીજા પુત્રનું વર્ષ ૨૦૧૫માં હાર્ટ એટેકથી નિધન થયું હતું.

Share This Article