PM Modi Gifts to World Leaders: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિલિપાઇન્સની રાજધાની મનીલાની બે દિવસની મુલાકાત પૂર્ણ કરીને બુધવારે સવારે દિલ્હી પરત ફર્યા હતા. મનીલા પ્રવાસ દરમિયાન PM મોદીએ વિશ્વના નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનનાં વડાપ્રધાન સાને તાકાઇચી, ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર સહિત અનેક નેતાઓ સામેલ હતા. આ દરમિયાન તેમણે વિશ્વના નેતાઓને પરંપરાગત ભારતીય કલાકૃતિઓ અને હસ્તકળાની ભેટ આપી હતી. આ ભેટોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે રાજસ્થાની પેઇન્ટિંગ, જાપાનનાં PM સાને તાકાઇચી માટે બનારસી રેશમી સ્ટોલ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ માટે ચોલકાળની કાંસાની પ્રતિમાનો સમાવેશ થાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પને ગોલ્ડન પિછવાઈ પેઇન્ટિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનીલામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાજસ્થાનના નાથદ્વારાનું ગોલ્ડન પિછવાઈ પેઇન્ટિંગ ભેટ આપ્યું હતું. આ એક પરંપરાગત કાપડ પરની ચિત્રકળા છે, જેની શરૂઆત નાથદ્વારાથી થઈ હતી. આ કળા તેની ઝીણવટભરી કારીગરી, ચમકદાર રંગો અને વિસ્તૃત રચના માટે જાણીતી છે. તેને ઝીણવટપૂર્વક તૈયાર કરેલા કાપડ પર ખનિજ રંગો અને સોનાની બારીક સજાવટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેની કિનારીઓને કમળ, ગાય અને વૃક્ષોનાં ચિત્રોથી શણગારવામાં આવે છે.
જાપાનનાં PMને બનારસી સિલ્ક સ્ટોલ
PM મોદીએ જાપાનનાં વડાપ્રધાન સાને તાકાઇચીને ‘રોયલ બનારસી કતાન સિલ્ક સ્ટોલ’ ભેટ આપ્યો હતો. તેને ‘સાધેલી’ બૉક્સમાં મૂકીને સોંપવામાં આવ્યો હતો. આ સ્ટોલ કતાન સિલ્કમાંથી વણવામાં આવ્યો છે, જે બનારસની સદીઓ જૂની કાપડકળા દર્શાવે છે. તેમાં ઝીણવટભરી આકૃતિઓની ડિઝાઇન બનાવવામાં આવી છે. તેનો રોયલ બ્લુ રંગ ગરિમા, બુદ્ધિમત્તા અને સદ્ભાવનાનું પ્રતીક છે.
અલ્બનીઝને જયપુર બ્લુ પૉટરી
ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાનને રાજસ્થાનની પરંપરાગત જયપુર બ્લુ પૉટરી ભેટ આપવામાં આવી હતી. આ તેની ચમકદાર સફેદ સપાટી અને ચમકદાર કોબાલ્ટ-વાદળી ડિઝાઇન માટે જાણીતી છે. આ કલાકૃતિ પર હાથથી બનાવેલી ઝીણવટભરી ફૂલોના નમૂનાઓ, પક્ષીઓ, ભૌમિતિક આકારો અને સુશોભિત કિનારીઓ બનાવવામાં આવી છે.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને નટરાજની મૂર્તિ
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને ચોલકાળની પરંપરાગત કાંસાની નટરાજની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી. ચોલકાળની કાંસાની મૂર્તિઓ પ્રાચીન ભારતીય ધાતુકળા અને કલાત્મકતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ મૂર્તિકળા દક્ષિણ ભારતમાં ચોલ વંશના શાસન દરમિયાન વિકસી હતી. ચોલ રાજાઓએ 9મીથી 13મી સદી દરમિયાન શાસન કર્યું હતું. આ મૂર્તિઓ તમિલનાડુના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, ધાતુકળાની કુશળતા અને ભારતની કલાત્મક પરંપરાનાં કાયમી પ્રતીકો છે.
માર્કોસ જુનિયરને કાશ્મીરનો રેશમી ગાલીચો
ફિલિપાઇન્સની મુલાકાત દરમિયાન PM મોદીએ ત્યાંના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરને પરંપરાગત કાશ્મીરી રેશમી ગાલીચો ભેટ આપ્યો હતો. હાથથી વણાયેલા આ ગાલીચાને તેની શાનદાર ચમક, મુલાયમ વણાટ અને ઝીણવટભરી ડિઝાઇન માટે પસંદ કરવામાં આવે છે. તેને ઉત્તમ રેશમમાંથી તૈયાર કરવામાં આવે છે, જેમાં હજારો ગાંઠો બાંધવામાં આવે છે. કેટલાક ગાલીચા તૈયાર કરવામાં મહિનાઓ અથવા કેટલાંક વર્ષોનો સમય લાગી શકે છે. તેની ડિઝાઇનમાં ફૂલોના નમૂનાઓ, ચિનારનાં પાંદડાં અને ભૌમિતિક આકારોનો સમાવેશ થાય છે.

