ઢાકા, તા. 8 : નોબેલ વિજેતા અર્થશાત્રી પ્રો. મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળ ગુરુવારની રાત્રે વચગાળાની સરકારના શપથગ્રહણ સાથે ભારતના પાડોશી બાંગલાદેશમાં મેરેથોન હસીના યુગનો વિધિવત અંત આવી ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધામણી આપી હતી. દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો, રાજકીય ઘમસાણથી અશાંતિ-અજંપાની સ્થિતિ વચ્ચે આજે પેરિસથી ઢાકા પહોંચી આવેલા ગ્રામીણ બેન્કના સંસ્થાપક અને પ્રખ્યાત સામાજિક ચળવળકાર મુહમ્મદે વચગાળાની સરકારનું સુકાન સંભાળી લીધું હતું.

વડાપ્રધાન પદેથી શેખ હસીનાએ રાજીનામું આપ્યાના ત્રણ દિવસ બાદ આજે રચાયેલી વચગાળાની સરકારમાં મોહમ્મદ નાહિદ ઈસ્લામ અને આસિફ સાજિબ ભુઈયાને સ્થાન મળ્યું છે. આ બન્ને એ છાત્ર નેતા છે જે બાંગલાદેશમાં અનામત વિરોધી આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા. શપથ લેવા પહેલાં પેરિસથી પહોંચેલા મુહમ્મદ યુનૂસે કહ્યુ હતું કે, બાંગલાદેશને બીજી આઝાદી મળી છે. આપણે એવી સરકાર આપવી પડશે, જેમાં નાગરિકોના અધિકારોની સુરક્ષા થાય.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુહમ્મદ યુનૂસને વધામણી આપતાં એક્સ પર લખ્યું હતું કે, ભારત હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરતાં બાંગલાદેશમાં ફરી શાંતિની સ્થાપનાની આશા રાખીએ છીએ. રાષ્ટ્રપતિ મોહમ્મદ સહાબુદ્દીને શપથ લેવડાવ્યા હતા. યુનૂસ સાથે અન્ય 16 સભ્યે શપથ લીધા હતા. સમારોહમાં 400 જેટલા લોકો જોડાયા હતા.

