Rehman Gul BLA: પાકિસ્તાનની સેનાના ભૂતપૂર્વ કેપ્ટન રહેમાન ગુલ બન્યા BLAના નવા કમાન્ડર-ઇન-ચીફ, અસીમ મુનીરને મોટો ઝટકો

Arati Parmar
3 Min Read
Rehman Gul BLA

Rehman Gul BLA: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સક્રિય બળવાખોર જૂથ BLAએ પોતાના નવા કમાન્ડર-ઇન-ચીફની નિમણૂક કરી છે. બલૂચ લિબરેશન આર્મી (BLA)એ શનિવારે રહેમાન ગુલને આ પદ માટે પસંદ કર્યા છે. ખાસ વાત એ છે કે રહેમાન પાકિસ્તાની સેનાના ભૂતપૂર્વ કેપ્ટન છે. આવી સ્થિતિમાં હવે રહેમાન પોતાની જૂની સંસ્થા સામે BLAનું નેતૃત્વ કરશે. આ પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકાર અને આર્મી ચીફ અસીમ મુનીર માટે મોટો ઝટકો છે. તેનાથી બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા જેવા પ્રાંતોમાં બળવાને વેગ મળી શકે છે, જ્યાં ઇસ્લામાબાદ પહેલેથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.

રહેમાન ગુલ ઉર્ફે ઉસ્તાદ મુરી પાકિસ્તાની સેનામાં કેપ્ટન તરીકે વઝીરિસ્તાનમાં TTP સામેના અભિયાનમાં સામેલ રહી ચૂક્યા છે. બાદમાં તેમણે સેના છોડી દીધી અને BLA સાથે જોડાઈ ગયા. સેના છોડ્યાના 16 વર્ષ પછી તેઓ વિવિધ હોદ્દાઓ પર કામ કરતાં BLAના ટોચના સ્થાને પહોંચ્યા છે. હવે તેઓ એ જ દેશ સામે બળવાનું નેતૃત્વ કરી રહ્યા છે, જેની સેનામાં તેઓ રહી ચૂક્યા હતા. બલૂચ લિબરેશન આર્મીના કમાન્ડર-ઇન-ચીફ બનતાં પહેલાં રહેમાન જૂથની આત્મઘાતી પાંખ મજીદ બ્રિગેડનું નેતૃત્વ કરી ચૂક્યા છે.

- Advertisement -

સર્વસંમતિથી ગુલના નામ પર મહોર

BLAના પ્રવક્તા જિયાનદ બલૂચે જણાવ્યું કે વરિષ્ઠ કમાન્ડ કાઉન્સિલે પોતાના નેતાઓ અને કમાન્ડરો સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી સર્વસંમતિથી ગુલની પસંદગી કરી છે. ગુલે બશીર જેબનું સ્થાન લીધું છે. BLAએ 3 નવેમ્બરે બશીરને હટાવવાની જાહેરાત કરી હતી. ગુલે એવા સમયે કમાન સંભાળી છે, જ્યારે બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને BLA વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ છે. બંને તરફથી સતત હુમલા કરવામાં આવી રહ્યા છે.

અમેરિકાસ્થિત થિંક ટેન્ક જેમ્સટાઉન ફાઉન્ડેશનની વર્ષ 2025ની એક પ્રોફાઇલ અનુસાર, રહેમાન ગુલ 2002માં પાકિસ્તાની સેનામાં જોડાયા હતા અને તેમણે ‘ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટ’માં લગભગ આઠ વર્ષ સુધી સેવા આપી હતી. તેઓ પાકિસ્તાન મિલિટરી એકેડેમીના 109મા લોંગ કોર્સનો ભાગ હતા. પાકિસ્તાનના વર્તમાન આર્મી ચીફ અસીમ મુનીરે પણ આ જ રેજિમેન્ટની એક અલગ બટાલિયનમાં કામ કર્યું છે.

- Advertisement -

કાશ્મીર અને વઝીરિસ્તાનમાં રહ્યા તહેનાત

રહેમાન ગુલે પાકિસ્તાની સેનામાં રહીને વઝીરિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સામેના અભિયાનોમાં ભાગ લીધો હતો. વર્ષ 2010માં સેના છોડતાં પહેલાં તેમની છેલ્લી પોસ્ટિંગ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના કોટલીમાં લાઇન ઑફ કંટ્રોલ (LoC) પર હતી. સેના છોડ્યા પછી ગુલ એ જ વર્ષ 2010માં BLAમાં જોડાઈ ગયા હતા.

- Advertisement -

રહેમાન ગુલ બલૂચિસ્તાનના નુશ્કી જિલ્લાના એક જાણીતા મેંગલ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ગુલનો પરિવાર સ્થાનિક રાજકારણ અને કબીલાઈ નેતૃત્વ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)નું કહેવું છે કે ગુલનો ભાઈ સરબ ખાન બલોચ સેનામાં અધિકારી રહી ચૂક્યો છે.

Share This Article