Total Lunar Eclipse 2026: ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવનારાઓ માટે આકાશમાં એક ખાસ નજારો જોવાની તક નજીક આવી રહી છે. આ તક આવતા મહિનાની શરૂઆતમાં આવશે, જ્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. આ દરમિયાન આકાશમાં ચંદ્રનો રંગ લાલ દેખાશે, જે માત્ર વૈજ્ઞાનિક અભિગમ ધરાવનારાઓ માટે જ નહીં પરંતુ સામાન્ય લોકો માટે પણ એક શાનદાર અનુભવ હશે. આ ચંદ્રગ્રહણને વિશ્વના મોટા ભાગની સાથે ભારતમાં પણ જોઈ શકાશે.
આવતા મહિને, ૩ માર્ચના રોજ વિશ્વને પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. આ દરમિયાન ચંદ્ર ૫૬ મિનિટ એટલે કે અંદાજે એક કલાક સુધી ઘેરા લાલ રંગનો નજર આવશે. ચંદ્ર લાલ થવાની આ ઘટનાને ‘બ્લડ મૂન’ કહેવામાં આવે છે. બ્લડ મૂન ત્યારે થાય છે, જ્યારે પૃથ્વી ચંદ્ર સુધી સીધો સૂર્યપ્રકાશ પહોંચતો અટકાવે છે. પૃથ્વી સીધી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે, જેનાથી ચંદ્રની સપાટી પર તેનો પડછાયો પડે છે.
એશિયાના લોકો જોઈ શકશે ગ્રહણ
આ ચંદ્રગ્રહણ ભારત-પાકિસ્તાન સહિત લગભગ આખા એશિયામાં જોઈ શકાશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં પણ આ ગ્રહણ દેખાશે. એવામાં વિશ્વભરના સ્કાયવોચર્સ ૩ માર્ચ, ૨૦૨૬ના રોજ એક શાનદાર પૂર્ણ ચંદ્રગ્રહણની તૈયારી કરી રહ્યા છે. જોકે તેના સમયમાં થોડો તફાવત રહેશે.
ગ્રહણ દરમિયાન દેખાતો ચંદ્રનો લાલ રંગ સૂર્યના પ્રકાશના પૃથ્વીના એટમોસ્ફિયર (વાતાવરણ) માંથી પસાર થવાને કારણે આવે છે. વાદળી પ્રકાશ વધુ સરળતાથી ફેલાય છે, જ્યારે લાલ વેવલેન્થ ચંદ્ર તરફ વળે છે. આનાથી તેને કોપર કે ક્રિમસન રંગની ચમક મળે છે. આ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે દેખાતા રંગો જેવી જ હોય છે.
નરી આંખે જોઈ શકાય છે ચંદ્રગ્રહણ
સૂર્યગ્રહણને સીધું જોવા માટે મનાઈ કરવામાં આવે છે. તેનાથી ઉલટું, ચંદ્રગ્રહણ નરી આંખે જોવા માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ચંદ્રગ્રહણ જોવા માટે કોઈ વિશેષ ચશ્માની જરૂર નથી. જોકે આ ક્ષેત્રમાં અભ્યાસ કરતા નિષ્ણાતો ચોક્કસપણે દૂરબીન કે ટેલિસ્કોપ જેવા સાધનોનો ઉપયોગ કરે છે.

