Trump 25% tariff on smartphones: એપલ જ નહીં, બધી સ્માર્ટફોન કંપનીઓને ટ્રમ્પની ટેરિફ ચેતવણી

Arati Parmar
3 Min Read

Trump 25% tariff on smartphones: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર એપલ જ નહીં અમેરિકામાં સ્માર્ટફોનનું વેચાણ કરતી સેમસંગ સહિત બધી જ સ્માર્ટફોન કંપનીઓને ૨૫ ટકા ટેરિફની ધમકી આપી છે. એપલને ટેરિફની ધમકી આપ્યા પછી માત્ર એક જ કંપની પર દબાણ શા માટે તેવો સવાલ ઊભો થતાં ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે, ૨૫ ટકા ટેરિફની તેમની ધમકી માત્ર એપલ પુરતી મર્યાદિત નથી. સેમસંગ અને અમેરિકામાં જે પણ કંપની સ્માર્ટફોનનું વેચાણ કરે છે તે બધી કંપનીઓએ અમેરિકામાં સ્માર્ટફોનની ફેક્ટરી નાંખવી પડશે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં એપલ પર ૨૫ ટકા ટેરિફ અને યુરોપીયન યુનિયન સાથે વેપાર સોદામાં વાત આગળ નહીં વધતા ૧ જૂનથી ૫૦ ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી હતી. જોકે, ઓવલ ઓફિસમાં ટ્રમ્પે કહ્યું કે, માત્ર એપલ જ નહીં, સેમસંગ અને બાકી બધી જ કંપનીઓ પર તેમની ૨૫ ટકા ટેરિફની નીતિ લાગુ પડશે, નહીં તો તે ન્યાયસંગત નહીં હોય. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, નવો ટેરિફ જૂનના અંત સુધીમાં લાગુ થઈ શકે છે.

- Advertisement -

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકામાં સ્માર્ટફોનનું વેચાણ કરવું હોય તો ઉત્પાદન પણ અમેરિકામાં કરવું પડશે. સ્માર્ટફોન કંપનીઓ અમેરિકામાં જ ફેક્ટરી લગાવશે તો તેમણે ૨૫ ટકા ટેક્સ નહીં આપવો પડે. ટ્રમ્પે ઉમેર્યું કે, એપલ ભારતમાં આઈફોનનું ઉત્પાદન એકમ બનાવવા માગતી હોય તો ઠીક છે. પરંતુ કંપની ટેરિફ વિના અમેરિકામાં તેના ઉત્પાદનોનું વેચાણ નહીં કરી શકે.

અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરની પૃષ્ઠભૂમિમાં એપલ આઈફોન માટેના તેના ઉત્પાદન એકમ ચીનમાંથી ભારતમાં ખસેડી રહી છે. જોકે, હાલ એપલ આઈફોનના ઉત્પાદન માટે ચીન પર નિર્ભર છે, પરંતુ કંપની આગામી વર્ષ સુધીમાં તેના આઈફોનનું મોટાભાગનું ઉત્પાદન ભારતમાંથી કરે તેવી સંભાવના છે. એપલના સીઈઓ ટીમ કૂકે આ મહિનાની શરૂઆતમાં જ જણાવ્યું હતું કે, એપલ પર લાગુ વર્તમાન ટેરિફ ઉત્પાદનના મૂળ દેશ પર આધારિત છે. તેમને આશા છે કે જૂન ત્રિમાસિક સુધીમાં ભારતમાં બનનારા મોટાભાગના આઈફોન અમેરિકામાં વેચાશે. અમેરિકામાં વેચાતા મોટાભાગના આઈપેડ, મેક, એપલ વોચ અને એરપોડ્સનું ઉત્પાદન વિયેતનામમાં થાય છે.

- Advertisement -

છેલ્લા કેટલાક વર્ષોમાં એપલ ભારતમાં તેની ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યું છે. કંપની ફોક્સકોન અને વિસ્ટ્રોન જેવી કોન્ટ્રાક્ટ કંપનીઓ મારફત ભારતમાં આઈફોન બનાવે છે. એક રિપોર્ટ મુજબ એપલ અમેરિકામાં વેચાતા ૬ કરોડથી વધુ આઈફોનનું ઉત્પાદન આગામી વર્ષથી ભારતમાં કરવાની યોજના બનાવી રહી છે. જોકે, ટ્રમ્પના તાજેતરના નિવેદને કંપનીને મુશ્કેલ સ્થિતિમાં મુકી દીધી છે. આમ છતાં વૈશ્વિક નિષ્ણાતોનું માનવું છે કે હાલના તબક્કે અમેરિકામાં આઈફોનનું ઉત્પાદન લગભગ અશક્ય છે. સેમસંગની સ્થિતિ થોડી અલગ છે. સેમસંગે ૨૦૧૯માં જ તેનો અંતિમ આઈફોન ઉત્પાદન એકમ બંધ કરી દીધો હતો. હાલમાં સેમસંગના સ્માર્ટફોન ભારત, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને બ્રાઝિલમાં બને છે.

Share This Article