US Army F-16 Fighter Jet Crashes: મિશિગનમાં અમેરિકાનું F-16 ફાઇટર જેટ ક્રેશ, પાઇલટ સુરક્ષિત બહાર નીકળ્યો પરંતુ કેમિકલ ફેલાતાં વિસ્તાર ખાલી કરાયો

Arati Parmar
3 Min Read

US Army F-16 Fighter Jet Crashes: અમેરિકાનું F-16 ફાઇટર જેટ ક્રેશ થયું છે. ગુરુવારે મિશિગનના ગ્રામીણ વિસ્તારમાં F-16 અકસ્માતનો ભોગ બન્યું હતું. જોકે પાઇલટ સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો, પરંતુ જેટના કાટમાળમાંથી જોખમી કેમિકલ ફેલાયા બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. આસપાસના લોકો માટે ઊભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને થોડા સમય માટે વિસ્તાર ખાલી કરાવવો પડ્યો હતો.

ટેક્સાસના જૉઇન્ટ બેઝ સાન એન્ટોનિયો-લેકલેન્ડ ખાતે ફાઇટર વિંગના પબ્લિક અફેર્સ સ્પેશિયાલિસ્ટ સાર્જેંટ ડેરેક ગુટિએરેઝે જણાવ્યું કે પાઇલટની સારવાર સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહી છે. ગુટિએરેઝે મિલિટરી પૉલિસીનો હવાલો આપીને પાઇલટની ઓળખ અથવા ઈજાઓ અંગે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં પાઇલટ ભાનમાં હતો અને અધિકારીઓ સાથે વાત કરી રહ્યો હતો.

- Advertisement -

ટ્રેનિંગ દરમિયાન અકસ્માત

આ વિમાન ડેટ્રોઇટથી 190 માઇલ (305 કિલોમીટર) ઉત્તર તરફ આવેલા અલ્પેનાના નેશનલ ગાર્ડ બેઝ ખાતે ટ્રેનિંગ એક્સરસાઇઝમાં ભાગ લઈ રહ્યું હતું. આ દરમિયાન તે અકસ્માતનો ભોગ બનીને જમીન પર તૂટી પડ્યું અને તેમાં આગ લાગી હતી. એક અન્ય પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલર્સને જણાવ્યું કે તેને લાગે છે કે તેના વિંગમેન એટલે કે સાથી પાઇલટનું વિમાન કોઈ પક્ષી સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું.

પાઇલટે રિપોર્ટ કર્યું, કદાચ મેયડે (કટોકટીની સ્થિતિ) છે. મને લાગે છે કે મારા વિંગમેનનું વિમાન કોઈ પક્ષી સાથે અથડાયું છે. કંટ્રોલરે તેને ફ્રેન્કફર્ટ અથવા ટ્રાવર્સ સિટી નજીકના એરપોર્ટ પર જવાની સલાહ આપી, પરંતુ પાઇલટે જણાવ્યું કે તેનો વિંગમેન પહેલેથી જ ક્રેશ થઈ ચૂક્યો હતો. ગુટિએરેઝે કહ્યું કે તેમણે પક્ષી સાથે અથડાવાની કોઈ શક્યતા અંગે કંઈ સાંભળ્યું નથી અને ક્રેશની તપાસ ચાલી રહી છે.

- Advertisement -

પ્રત્યક્ષદર્શીએ શું જોયું

નાથન સ્મિથ ક્રેશ સ્થળથી એક માઇલ દૂર એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમણે ત્યાંથી પસાર થઈ રહેલા ફાઇટર જેટનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું, કારણ કે તેમને તેની ઉડાન ભરવાની રીત વિચિત્ર લાગી હતી. આટલી ઓછી ઊંચાઈ અને ધીમી ગતિએ જેટને ઉડતું જોવું વિચિત્ર હતું. વીડિયો બંધ કર્યાની થોડી જ સેકન્ડ બાદ એક જોરદાર ધડાકો સંભળાયો.

વેન્ડી સોબેકે જણાવ્યું કે તેમણે અને તેમના પતિએ પોતાના ગ્રામીણ ઘરથી માત્ર થોડા જ મિનિટના અંતરે આવેલા રસ્તા પર ખૂબ જ જોરદાર ક્રેશનો અવાજ સાંભળ્યો હતો. સોબેકે કહ્યું કે અમને લાગ્યું કે અમારા ઘરની બહાર કારનો અકસ્માત થયો છે. અમે કાળા ધુમાડાના મોટા ગોટેગોટા જોયા. અમને સમજાતું નહોતું કે શું થયું છે, તેથી મારા પતિ પોતાની પિકઅપ ટ્રકમાં બેસીને શું થયું છે તે જોવા ગયા.

- Advertisement -

અમેરિકન સેનાએ 1979માં પ્રથમ વખત F-16 ઉડાવવાનું શરૂ કર્યું હતું. એર ફોર્સ સેફ્ટી સેન્ટર અનુસાર, 2000 બાદથી F-16 સાથે જોડાયેલા ઓછામાં ઓછા 14 ક્લાસ A અકસ્માત થયા છે. ક્લાસ A અકસ્માતનો દરજ્જો સામાન્ય રીતે ત્યારે આપવામાં આવે છે જ્યારે નુકસાન 2 મિલિયન ડૉલરથી વધુ હોય, કોઈ વિમાન સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય અથવા કોઈ સર્વિસ મેમ્બરના મૃત્યુ થાય.

Share This Article