Electric Car Fire Risk: ઈલેક્ટ્રિક ગાડીઓની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. લોકો હવે પેટ્રોલ-ડીઝલ કે સીએનજી ગાડીના બદલે ઈલેક્ટ્રિક કાર ખરીદવામાં વધુ રસ દાખવી રહ્યા છે. પરંતુ, તેની સાથે જ ઘણા લોકોમાં એ વાતનો પણ ડર હોય છે કે ઈવીમાં આગ લાગવાનું જોખમ વધારે હોય છે. ઘણા લોકોને લાગે છે કે ઈલેક્ટ્રિક કારમાં વધારે સરળતાથી આગ લાગી જાય છે. પરંતુ, શું ખરેખર આવું હોય છે? શું ખરેખર ઈલેક્ટ્રિક કારમાં આગ લાગવાની શક્યતા વધારે હોય છે? આ વાતનો પત્તો લગાવવા માટે ચાર અલગ-અલગ સંસ્થાઓએ રિસર્ચ કર્યું. આવો તમને જણાવીએ કે રિસર્ચમાં શું બહાર આવ્યું. સાથે જ તમને જણાવીએ કે ઈલેક્ટ્રિક ગાડીઓમાં આગ લાગવાનું કારણ શું હોય છે.
ઈલેક્ટ્રિક કારમાં આગ કેમ લાગે છે?
પેટ્રોલ કારમાં આગ લગાડવા માટે એક નાનકડી તણખલી જ પૂરતી હોય છે. પરંતુ ઈલેક્ટ્રિક કારની લિથિયમ-આયન બેટરીમાં આગ લાગવાનું કારણ થોડું અલગ હોય છે.
થર્મલ રનવે – ઇનસાઇડ ઈવીના રિપોર્ટ મુજબ ઈલેક્ટ્રિક કારની લિથિયમ-આયન બેટરીમાં આગ લાગવાની ઘટનાઓ સામાન્ય રીતે થર્મલ રનવેને કારણે હોય છે. તેમાં બેટરી સેલનું તાપમાન તેના સામાન્ય તાપમાન કરતા વધારે ઝડપથી વધવા લાગે છે.
આગ લાગવાનું કારણ – આ બેટરી બનાવવામાં થયેલી કોઈ ગડબડી, ચાર્જિંગ દરમિયાન આવેલી ખામી કે કોઈ મોટા એક્સિડન્ટમાં બેટરી તૂટવાને કારણે હોઈ શકે છે. જ્યારે બેટરીનો કોઈ ભાગ ડેમેજ થાય છે, તો શોર્ટ-સર્કિટને કારણે અંદરના ભાગો અને કેમિકલ (ઈલેક્ટ્રોલાઈટ) સળગવા લાગે છે અને એક ચેઈન રિએક્શન શરૂ થઈ જાય છે, જે આખી બેટરીને પોતાની ચપેટમાં લઈ લે છે. આ આગ કલાકો સુધી સળગી શકે છે અને બુઝાયા પછી ફરીથી પણ ભડકી શકે છે.
બચાવની ટેકનિક
આજકાલની આધુનિક ઈલેક્ટ્રિક કારોમાં આનાથી બચવા માટે સુરક્ષાના કડક ઈન્તેઝામ હોય છે. ઉદાહરણ તરીકે મર્સિડીઝ-બેન્ઝની ઈલેક્ટ્રિક જી-ક્લાસ (G-Class) માં નીચે કાર્બન-ફાઈબરની સુરક્ષા પરત હોય છે અને ઓડી પોતાની Q8 ઈ-ટ્રોન (Audi Q8 E-Tron) માં બેટરીની ચારે બાજુ મજબૂત એલ્યુમિનિયમનું સ્ટ્રક્ચર આપે છે જેથી એક્સિડન્ટમાં બેટરી બચી રહે.
ખારા પાણીથી આગ લાગવાનું જોખમ
ઈલેક્ટ્રિક કારની બેટરીમાં ખારા પાણીથી પણ આગ લાગવાનું જોખમ હોય છે. ટેસ્લાની કેટલીક ગાડીઓમાં ખારા પાણીને કારણે આગ લાગવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.
જો મીઠાનું પાણી બેટરીની સીલ તોડીને અંદર જતું રહે, તો આગ લાગવાની શક્યતા હોય છે.
મીઠાનું પાણી વીજળીનું ખૂબ સારું સુવાહક હોય છે, જેનાથી બેટરીની અંદર શોર્ટ-સર્કિટ થઈ જાય છે અને ‘થર્મલ રનવે’ ની સ્થિતિ સર્જાય છે.
શું કહે છે દુનિયાભરના આંકડા?
ઈલેક્ટ્રિક ગાડીઓમાં આગ લાગવાની શક્યતા કેટલી હોય છે, તે જાણવા માટે અલગ-અલગ દેશોની સરકારી અને સ્વતંત્ર સંસ્થાઓએ આના પર રિસર્ચ કર્યું છે અને બધાનું પરિણામ એક જ છે – પેટ્રોલ-ડીઝલ કારોની સરખામણીમાં ઈલેક્ટ્રિક કારોમાં આગ લાગવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે.
MSB (સ્વીડન સિવિલ કન્ટિન્જન્સીસ એજન્સી) મુજબ EV માં માત્ર ૦.૦૦૪% આગ લાગવાની શક્યતા હોય છે. જ્યારે પેટ્રોલ-ડીઝલ કાર: ૦.૦૮% શક્યતા હોય છે. આના રિસર્ચમાં ૬,૧૧,૦૦૦ ઈવીમાંથી માત્ર ૨૩ માં આગ લાગી હતી.
EV ફાયર સેફ (ઓસ્ટ્રેલિયન સંસ્થા) મુજબ EV માં વૈશ્વિક સ્તર પર આગ લાગવાનો ૦.૦૦૧૨% ચાન્સ હોય છે. જ્યારે, પેટ્રોલ-ડીઝલ કારમાં ૦.૧% ચાન્સ હોય છે.
FFI (નોર્વેજિયન ડિફેન્સ રિસર્ચ) ઈન્સ્યોરન્સ દાવાઓ મુજબ કુલ ગાડીઓની આગમાં ઈવીનો હિસ્સો માત્ર ૨.૩% થી ૪.૮% હતો.
NHTSA (અમેરિકી સંસ્થા) મુજબ ખારા પાણીમાં ડૂબેલી લગભગ ૩,૦૦૦ થી ૫,૦૦૦ ઈલેક્ટ્રિક કારોમાંથી માત્ર ૩૬ કારો (૦.૦૧% થી પણ ઓછી) માં જ આગ લાગી હતી.

