કાર હૅકિંગનું જોખમ ઘટાડવા ભારતમાં જ થશે વાહનોની સાયબર સુરક્ષાની તપાસ, ARAIએ શરૂ કરી નવી ટેસ્ટિંગ સુવિધા
ARAI Vehicle Cybersecurity Testing: આજકાલ બજારમાં આવતાં વાહનોમાં ઇન્ટરનેટ, સૉફ્ટવેર અને કનેક્ટેડ કાર ટેક્નૉલૉજી સાથે જોડાયેલી ઘણી સ્માર્ટ સુવિધાઓ આવી ગઈ છે. હવે જેમ જેમ વાહનો આધુનિક બની રહ્યાં છે, તેમ તેમ તેમના પર હૅકિંગ અને સાયબર હુમલાનું જોખમ પણ વધી રહ્યું છે. આ પડકારનો સામનો કરવા માટે ઑટોમોટિવ રિસર્ચ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (ARAI)એ દેશની પ્રથમ વ્હીકલ સાયબર-સિક્યોરિટી ટેસ્ટિંગ સર્વિસ શરૂ કરી છે. આ સાથે તે દેશની પ્રથમ ટેસ્ટિંગ એજન્સી બની ગઈ છે, જે વાહનોનું પરીક્ષણ, વેરિફિકેશન એન્ડ વેલિડેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા હોમોલોગેશન સર્વિસ પૂરી પાડે છે.
વિદેશી એજન્સીઓ પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે
આ પહેલાં ભારતીય કાર ઉત્પાદક કંપનીઓએ પોતાનાં વાહનોની સાયબર સુરક્ષાની તપાસ માટે વિદેશી ટેસ્ટિંગ સેન્ટર્સ પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે વિદેશી એજન્સીઓ પરની નિર્ભરતા ઘટશે અને દેશમાં જ વાહનોની સંપૂર્ણ તપાસ થઈ શકશે. ARAIની આ નવી પહેલથી પરીક્ષણનો ખર્ચ અને સમય બંનેમાં મોટી બચત થશે.
AIS-189 અને AIS-190 ધોરણોની તપાસ થશે
ભારત સરકારે વાહનોની સુરક્ષા માટે બે મુખ્ય ઑટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ્સ તૈયાર કર્યા છે.
- AIS-189 – આ ધોરણ વાહનોની સાયબર સિક્યોરિટી મેનેજમેન્ટ સિસ્ટમ માટેના નિયમો નક્કી કરે છે.
- AIS-190 – આ ધોરણ વાહનોમાં ઉપલબ્ધ સૉફ્ટવેર અપડેટ મેનેજમેન્ટ સિસ્ટમ, જેમ કે OTA અપડેટ્સની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
- ટેસ્ટિંગ સર્વિસ – ARAIની નવી ટેસ્ટિંગ સર્વિસ કાર કંપનીઓ અને સ્પેરપાર્ટ્સનો પુરવઠો પૂરો પાડતા વેન્ડર્સને આ બંને સરકારી ધોરણો અનુસાર પોતાનાં વાહનોનું પરીક્ષણ કરાવવા અને સર્ટિફિકેશન મેળવવામાં મદદ કરશે.
ARAIની લૅબમાં કઈ કઈ સુવિધાઓ મળશે?
ARAIની આ સર્વિસ માત્ર સરકારી નિયમોનું પાલન કરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વાહનના ઉત્પાદનથી લઈને વેચાણ પછીના તબક્કા સુધી સુરક્ષા પૂરી પાડે છે. તેમાં અનેક પ્રકારનાં પરીક્ષણોનો સમાવેશ થાય છે, જેમ કે.
- VAPT (વલ્નરેબિલિટી અસેસમેન્ટ એન્ડ પેનિટ્રેશન ટેસ્ટિંગ) – કારના સૉફ્ટવેર અને ઇલેક્ટ્રૉનિક ભાગોમાં રહેલી ખામીઓ શોધીને હૅકિંગની શક્યતાઓ દૂર કરવી.
- TARA રિપોર્ટ વેરિફિકેશન – થ્રેટ એનાલિસિસ એન્ડ રિસ્ક અસેસમેન્ટ (TARA) રિપોર્ટ્સની તપાસ કરવી.
- હાર્ડવેર અને સૉફ્ટવેર સિક્યોરિટી – કારના હાર્ડવેર સિક્યોરિટી મૉડ્યુલ્સ (HSM) અને સૉફ્ટવેર સિક્યોરિટી મૉડ્યુલ્સ (SSM)ની સુરક્ષા વિકસાવવી.
- V2X અને XiL ટેસ્ટિંગ – વ્હીકલ-ટુ-એવરીથિંગ (V2X), એટલે કે કાર, ઇન્ટરનેટ અને અન્ય ડિવાઇસ વચ્ચે થતા ડેટા ટ્રાન્સફરની સુરક્ષાની તપાસ કરવી.
ARAI વિશે
ARAIની સ્થાપના વર્ષ 1966માં થઈ હતી અને તે ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવે છે. આ સંસ્થા NABL દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને ISO પ્રમાણિત છે. તે છેલ્લાં છ દાયકાથી ઑટોમોટિવ ટેસ્ટિંગ, સર્ટિફિકેશન તથા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં કાર્યરત છે.

