Morbi Jetpar Farmers Hunger Strike: મોરબીના જેતપરમાં ખેડૂતોના આંદોલનનો પાર્ટ-૨, યોગ્ય વળતર મુદ્દે ગુરુવારથી શરૂ થશે આમરણાંત ઉપવાસ

Arati Parmar
3 Min Read

Morbi Jetpar Farmers Hunger Strike: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની અને સ્થાનિક ખેડૂતો વચ્ચે વળતર મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે વધુ વકર્યો છે. કચ્છથી પસાર થતી ૭૨૦ KVની હાઈટેન્શન વીજ લાઈન નાખવાની કામગીરી હવે ધાંગધ્રા તાલુકાના કોંઢ, કલ્યાણપુર અને મોરબીના ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. ખેડૂતોનો ગંભીર આરોપ છે કે કંપની દ્વારા નિર્ધારિત કોરીડોરની બહાર જઈને અને પોલીસ બળનો દુરુપયોગ કરીને જબરદસ્તીથી ખેતરોમાં થાંભલા રોપવામાં આવી રહ્યા છે. આ મામલે કલેક્ટર અને કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે ખેડૂતોએ આરપારની લડાઈ લડવા માટે ‘આંદોલન પાર્ટ-૨’ ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

હક્ક અને ન્યાયી વળતર માટે ગુરુવારથી ખેડૂતોના આમરણાંત ઉપવાસ

ખેડૂતોના હક્કની આ લડત હવે આક્રમક વળાંક લેવા જઈ રહી છે. જેતપર ગામે યોજાયેલી ખેડૂતોની એક મહત્વપૂર્ણ મહાબેઠકમાં નિર્ણય લેવાયો છે કે આગામી ગુરુવારે સવારે ૯ વાગ્યે પૂજ્ય સાધુ-સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આમરણાંત ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવશે. ખેડૂત અગ્રણી મયુર જાકાસણીયાએ જણાવ્યું હતું કે, આંદોલનનો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે અને હવે વહીવટી તંત્રને જગાડવા માટે ખેડૂતો અન્ન-જળનો ત્યાગ કરશે. જ્યાં સુધી સરકાર યોગ્ય વળતર અને જમીન સુરક્ષા અંગે લેખિત નિર્ણય નહીં લે, ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આ પ્રતિકાર ચાલુ રહેશે.

- Advertisement -

નેતાઓ દૂર રહે, કોઈપણ પક્ષના બેનર વિના આંદોલન સંપૂર્ણ બિનરાજકીય રહેશે

આ વખતે ખેડૂતોએ એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. જેતપરના ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે આ ઉપવાસ આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય રહેશે. કોઈ પણ રાજકીય પક્ષ કે તેના નેતાઓને સ્ટેજ પર સ્થાન કે આંદોલનનો માઇલેજ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ લડતમાં જેતપર ઉપરાંત મોરબી જિલ્લો અને રાજ્યના અન્ય પંથકોમાંથી પણ પીડિત ખેડૂતો મોટી સંખ્યામાં જોડાવાના છે. ખેડૂતોનું કહેવું છે કે આ તેમની રોજીરોટી અને અસ્તિત્વની લડાઈ છે, જેને કોઈ પણ રાજકીય રંગ આપવા દેવાશે નહીં.

૯ જૂને થયેલા પોલીસ દમન અને મહિલાઓ સાથેના ઘર્ષણથી રોષ બમણો થયો

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૯ જૂનના રોજ જેતપર ગામે જ્યારે કંપની બળજબરીથી ખેતરોમાં પ્રવેશી ત્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર હિંસક ઘર્ષણ સર્જાયું હતું. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાયેલી મહિલા ખેડૂતો સાથે પોલીસે અમાનવીય વર્તન અને ઝપાઝપી કરી હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. એ સમયે પોલીસે અનેક ખેડૂતોની અટકાયત પણ કરી હતી. આ ઘટના બાદ આક્રોશિત ખેડૂતોએ એક વિશાળ રેલી સ્વરૂપે મોરબી કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાના કારણે હવે ગુરુવારથી જેતપર આંદોલનનું એપીસેન્ટર બનવા જઈ રહ્યું છે.

- Advertisement -

આ પણ વાંચો: Dwarka Temple Adhik Maas: કૃષ્ણનગરી દ્વારકામાં ભક્તિનો મહાસાગર, અધિક માસમાં ૧૭ લાખથી વધુ ભક્તોએ કર્યા ભગવાન દ્વારકાધીશના દર્શન – Newz Cafe

Share This Article