Central Motor Vehicle Rules Update: વાહનચાલકો સાવધાન! વર્ષમાં ૫ થી વધુ વખત ટ્રાફિક નિયમ તોડ્યો તો ડ્રાઇવિંગ લાઇસન્સ થઈ જશે તાત્કાલિક સસ્પેન્ડ

Arati Parmar
3 Min Read

Central Motor Vehicle Rules Update: ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં ખૂબ જ મોટા અને ઐતિહાસિક સુધારા કરવામાં આવ્યા છે. વાહનચાલકો સુધરે અને માર્ગ અકસ્માતો ઘટે તેવા આશય સાથે ટ્રાફિક ઈ-ચલણની વસૂલાત તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્શન અંગેની જોગવાઈઓ હવે પાણી પહેલાં પાળ બાંધવા જેવી કડક કરી દેવાઈ છે. આ નવા નિયમો અંતર્ગત ટ્રાફિકના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારા બેદરકાર વાહનચાલકો સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરાયો છે.

એક વર્ષમાં ૫ કે વધુ ચલણ ફાટશે તો લાયસન્સ થશે તાત્કાલિક જપ્ત

નવા સુધારાની સૌથી કડક અને સંવેદનશીલ જોગવાઈ મુજબ, જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઇવર સામે એક જ વર્ષની અંદર ૫ કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવશે, તો તે વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License) તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વારંવાર ભૂલો કરનારા ચાલકો રસ્તા પર ફરતા અન્ય નિર્દોષ નાગરિકો માટે જોખમી છે, જેથી આ કડક સજા અનિવાર્ય બની છે.

- Advertisement -

ચલણ સામે વાંધો ઉઠાવવા માટે હવે માત્ર ૪૫ દિવસની મુદત મળશે

જો કોઈ વાહનચાલકને ઈશ્યુ થયેલા ઈ-ચલણ (E-Challan) સામે કોઈ વાંધો, ટેકનિકલ ભૂલ કે રજૂઆત હોય, તો તેણે ચલણ આવ્યાની તારીખથી ૪૫ દિવસની અંદર ‘ઈ-ચલણ પોર્ટલ’ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની રહેશે. ૪૫ દિવસ પૂરા થયા બાદ જો કોઈ ફરિયાદ નહીં મળે તો એવું માની લેવાશે કે ચાલકે ભૂલ સ્વીકારી લીધી છે. ત્યાર બાદ આગામી ૩૦ દિવસની અંદર વાહનચાલકે દંડની પૂરી રકમ ઓનલાઈન ભરપાઈ કરી દેવાની રહેશે.

સમયસર દંડ ન ભર્યો તો ‘વાહન પોર્ટલ’ પર ગાડી થઈ જશે સેન્ટ્રલ બ્લોક

નિયત સમયમાં ચલણ ન ભરનાર વાહનોને ‘વાહન પોર્ટલ’ (Vahan Portal) પર સેન્ટ્રલ બ્લોકિંગ સિસ્ટમ હેઠળ “Not to be transacted” ની કેટેગરીમાં મૂકી દેવાશે. આ સ્થિતિમાં મોટર વાહનના સરકારી ટેક્સ સિવાયની તમામ વહીવટી સેવાઓ જેવી કે આર.સી. બુક, લાયસન્સ રિન્યુઅલ કે વાહન ટ્રાન્સફર સંબંધિત તમામ પ્રક્રિયાઓ અટકાવી દેવાશે. જો ફરિયાદ નકારવામાં આવે તો ચાલકે ૩૦ દિવસમાં દંડ ભરવો પડશે અથવા ૫૦% રકમ ડિપોઝિટ જમા કરાવી કોર્ટમાં અપીલ કરવાની રહેશે.

- Advertisement -

આ પણ વાંચો: Morbi Jetpar Farmers Hunger Strike: મોરબીના જેતપરમાં ખેડૂતોના આંદોલનનો પાર્ટ-૨, યોગ્ય વળતર મુદ્દે ગુરુવારથી શરૂ થશે આમરણાંત ઉપવાસ – Newz Cafe

Share This Article