Ahmedabad Congress Protest: અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ વધતી જતી અસહ્ય મોંઘવારી, બેરોજગારી અને તાજેતરમાં જ સામે આવેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં આજે રસ્તા પર ઉતરીને જોરદાર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. અમદાવાદના વ્યસ્ત એવા કાલુપુર ચોખા બજાર ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો એકઠા થયા હતા અને સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ આંદોલન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ દર્શાવવા માટે રસ્તા પર જ પાણીમાં પકોડા તળીને જનતાની કફોડી સ્થિતિનો ચિતાર આપ્યો હતો, જે બાદ પોલીસે દોડી આવીને અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
ગેસ, તેલ અને અનાજના ભાવ આકાશે આંબતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
વિરોધ પ્રદર્શનમાં હાજર અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ સોનલબેન પટેલે (Sonalben Patel) મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, મોંઘવારી આજે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને જીવતેજીવ મારી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ખાદ્ય ચીજવસ્તુઓથી લઈને દરેક વસ્તુના ભાવ સીધા ડબલ થઈ ગયા છે, જેના કારણે ગૃહિણીઓનું ઘરનું આખું બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂર્વ મ્યુનિસિપલ કોર કાઉન્સિલર જ્યોર્જ ડાયસે (George Dias) ઉમેર્યું હતું કે આજે ગેસનો બાટલો, તેલ, કઠોળ, ચોખા, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો એટલી મોંઘી થઈ ગઈ છે કે વૈશ્વિક મંદી વચ્ચે સામાન્ય માણસ ત્રાહિમામ પુકારી રહ્યો છે અને સરકાર કોઈ નક્કર પગલાં લેવા તૈયાર નથી.
પાણીમાં પકોડા તળીને વિરોધ, વડાપ્રધાન મોંઘવારી મુદ્દે મૌન હોવાનો આક્ષેપ
અમદાવાદ યુથ કોંગ્રેસના પ્રમુખ ઇમરાન સંધિ (Imran Sandhi) અને કોંગ્રેસ અગ્રણી શેહઝાદ સૈયદ (Shehzad Saiyed) એ સરકારની આર્થિક નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન હવે મોંઘવારીનો ‘મ’ બોલવા પણ તૈયાર નથી. જ્યારે પણ પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસના (LPG Gas) ભાવ વધે છે ત્યારે તેની સીધી માર ગરીબો પર પડે છે. સામાન્ય જનતાની સ્થિતિ એટલી દયનીય થઈ ગઈ છે કે મોંઘા તેલના અભાવે હવે પ્રતીકાત્મક રીતે ‘પાણીમાં પકોડા’ તળવાનો વારો આવ્યો છે. અમારી માંગ છે કે સરકારે આ કમરતોડ ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ.
શિક્ષણ બજાર બન્યું અને નીટ પેપર લીકથી યુવાનોના ભવિષ્ય સાથે ખેલ થયો
મોંઘવારીની સાથે સાથે કોંગ્રેસે દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા નીટ પરીક્ષા (NEET Exam) ના પેપર લીક મુદ્દે પણ સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે એક તરફ મોંઘા શિક્ષણના કારણે વાલીઓ પાયમાલ થઈ રહ્યા છે અને બીજી તરફ તંત્રની મિલીભગતથી કરોડો રૂપિયામાં પેપરો વેચાઈ રહ્યા છે, જેના કારણે લાખો તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું છે. આ ડબલ કૌભાંડો સામે જ્યાં સુધી પ્રજાને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ જ રીતે રસ્તા પર ઉતરીને જનતાનો અવાજ બુલંદ કરતી રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

