municipal elections : રાજ્યમાં પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ વખતની નપાની ચૂંટણીમાં રાજકીય માહોલ અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. ચોરવાડમાં વિમલ ચૂડાસમાની હાર સાથે જ કોંગ્રેસના શાસનનો અંત આવ્યો તો પુત્રની હાર બાદ 6 વાર ડે. મેયર રહેલા ભાજપના ગિરીશ કોટેચાના રાજકીય અસ્તિત્વ સામે જ સવાલ ઊભા થયા છે. આ તો જાણીએ આજની ચૂંટણીના 6 અપસેટ વિશે..
વિમલભાઈની હારથી કોંગ્રેસ નિરાશ
છેલ્લાં દસ વર્ષથી ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું, જ્યાં આ વર્ષે ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે. આ વર્ષની નગરપાલિકાની ચૂંટણીમાં ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચૂડાસમાએ ચોરવાડ નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવી હતી અને રાજેશ ચૂડાસમાને ચેલેન્જ ફેંકતાં કહ્યું હતું કે રાજેશભાઈમાં હિંમત હોય તો મારી સામે પોતે અને મારી પત્ની સામે તેની પત્નીને ઉમેદવારી નોંધાવવી જોઈતી હતી. ત્યારે ચોરવાડ નગરપાલિકાનું પરિણામ આવતાંની સાથે જ વિમલ ચૂડાસમાના કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી છે, તો બીજી તરફ છેલ્લાં દસ વર્ષના કોંગ્રેસી શાસનનો અંત આવતાં ચોરવાડ નગરપાલિકામાં કમળ ખીલ્યું છે.
જૂનાગઢના 6 વાર ડે. મેયર રહેલા ગિરીશ કોટેચાના દબદબાનો અંત
જૂનાગઢ શહેરમાં 30 વર્ષથી ગિરીશ કોટેચાનું રાજકીય વર્ચસ્વ હતું, જોકે ભાજપે આ વખતે તેમની ટિકિટ કાપીને તેમના પુત્ર પાર્થને ટિકિટ આપી હતી, પરંતુ તેમનો પરાજય થતાં કોટેચાના રાજકીય અસ્તિત્વ સામે જ સવાલ ઊભા થયા છે. ગિરીશ કોટેચા 1 કોંગ્રેસમાંથી, 5 વાર ભાજપમાંથી ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે, જોકે આમ હવે તેમના માટે આ સૌથી મોટો સેટબેક છે. બીજી તરફ કોટેચાની હાર પાછળ મહેશગિરિ વિવાદ તેમજ આંતરિક વિખવાદ પણ કારણ હોઈ શકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
સલાયાના ત્રણ વોર્ડમાં આપની લહેર
સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 1, 2 અને 3માં આપના ચારેય ઉમેદવારોની જીત થઈ છે. જ્યારે વોર્ડ નં 4માં કોંગ્રેસના 3 ઉમેદવારની જીત થઈ છે તેમજ એકમાં આપના ઉમેદવારની જીત થઈ છે. સલાયામાં 28 બેઠકમાં AAPના 13 ઉમેદવારની ભવ્ય જીત થઈ છે. વોર્ડ નંબર 5માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. સલાયામાં 28 બેઠકમાંથી 15માં કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે 13માં આપનો વિજય થયો છે. ભાજપને અહીં એકપણ બેઠક મળી નથી. ત્યારે ભાજપની હાર પાછળ બેટ દ્વારકામાં થયેલું ડિમોલિશન પણ કારણ હોઈ શકે છે. ત્યારે સતત કોંગ્રેસની સત્તા ધરાવતા સલાયામાં હવે આપની એન્ટ્રી થતાં રાજકીય માહોલ બદલાયો છે.
કાલોલમાં 10 બેઠક પર અપક્ષનો દબદબો
પંચમહાલની કાલોલ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકનાં પરિણામ જાહેર થયાં છે, જેમાં ભાજપે 18 બેઠક પર જીત મેળવી છે, જ્યારે 10 બેઠક પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. ગત વખતે પણ ભાજપ સત્તા પર હતો.
રાણાવાવ-કુતિયાણા નપામાં સમાજવાદી પાર્ટીનો વિજય
રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. રાણાવાવમાં 28માંથી 20 બેઠક પર સમાજવાદી પાર્ટી વિજય બની છે. જ્યારે ભાજપને માત્ર 8 બેઠક મળી હતી. કુતિયાણામાં 24 બેઠકમાંથી સમાજવાદી પાર્ટીને 14 અને ભાજપને 10 બેઠક મળી હતી કુતિયાણામાં પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાની જીત થઈ છે, પરંતુ તેમની ટીમની હાર થઈ હતી. અહીં કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાની જીત થઈ હતી. કુતિયાણામાં પરિવર્તન જોવા મળ્યું છે.

