Surat Nasirnagar Demolition: સુરતના નાસીરનગરમાં ‘ભૂતિયા’ ડિમોલિશનનું કૌભાંડ, ખાનગી જમીન પર પાલિકાનું બુલડોઝર કેમ ફરી વળ્યું?

Arati Parmar
2 Min Read

Surat Nasirnagar Demolition: સુરત મહાનગરપાલિકા દ્વારા નાસીરનગર વસાહતમાં કરવામાં આવેલું ડિમોલિશન હાલમાં ભારે વિવાદના વંટોળમાં ફસાયું છે. તંત્ર આ કાર્યવાહીને સત્તાવાર ‘રોડ ડિમાર્કેશન’ ગણાવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ રજૂ કરેલા દસ્તાવેજોએ આ દાવા પર પાણી ફેરવી દીધું છે. સાયકલવાલાનો આરોપ છે કે જે જમીન પર ગરીબોના ઘર તોડી પાડવામાં આવ્યા, તે જમીન સરકારી નહીં પરંતુ પારસી સમાજની માલિકીની ખાનગી મિલકત છે. તેમણે નકશા અને સરકારી રેકોર્ડ રજૂ કરી સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે સર્વે નંબર 1372, 1267 અને 1268 અ-બ હેઠળ આવતી આ જમીન ખાનગી પ્રોપર્ટી હોવા છતાં મનપાએ ગેરકાયદેસર રીતે બુલડોઝર ફેરવ્યા છે.

અધિકારીઓ વિરુદ્ધ ખુલ્લો પડકાર

પૂર્વ કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનર અને સાત સભ્યોની ટાઉન પ્લાનિંગ (TP) ટીમ સામે સીધો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, જો આ વિસ્તાર ખરેખર રોડ માટેનું ડિમાર્કેશન હતું, તો પાલિકાએ તે જગ્યાએ 40 ફૂટનો રસ્તો તાત્કાલિક બનાવીને બતાવવો જોઈએ. સાયકલવાલાએ આક્ષેપ કર્યો છે કે જે રોડ પર ડિમોલિશન થવું જોઈતું હતું ત્યાં આજે પણ અનેક કાચા-પાકા મકાનો અને ટી સ્ટોલ અકબંધ છે. તેમણે આરોપ લગાવ્યો કે બિલ્ડરો સાથેની સાંઠગાંઠના કારણે અમુક ગેરકાયદેસર બાંધકામોને જાણીજોઈને છોડી દેવામાં આવ્યા છે, જે તંત્રની દાનત પર મોટા સવાલો ઊભા કરે છે.

- Advertisement -

તપાસ સમિતિની પારદર્શિતા સામે શંકા

આ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે રચાયેલી SIT પણ હાલ શંકાના દાયરામાં છે. સેન્ટ્રલ ઝોનના વડા દ્વારા 16 જેટલા કર્મચારીઓની ભૂમિકા અંગેનો 40 પાનાનો વિગતવાર રિપોર્ટ સોંપાયો હોવા છતાં, 26 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે મીડિયાએ તપાસની પ્રગતિ વિશે SITના વડા મીના ગજ્જરને પૂછ્યું, ત્યારે તેઓ જવાબ આપવાનું ટાળીને ત્યાંથી નીકળી ગયા હતા. શું મનપા તંત્ર પોતાના જ ભ્રષ્ટ અધિકારીઓને બચાવવા માટે પ્રયત્નશીલ છે? ગરીબોના ઘર તોડી નાખનાર જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં ક્યારે લેવાશે? તે એક મોટો પ્રશ્ન બની ગયો છે.

Share This Article