Pharma Industry Reforms: ભારતને વૈશ્વિક ફાર્મા અને હેલ્થકેર હબ બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. હોસ્પિટલો અને ક્લિનિકો માટે પાલન નિયમોમાં રાહત આપ્યા બાદ હવે દવા અને ખાદ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા ચાર મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
તેમાં નાની ટેકનિકલ ભૂલોને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવી, આયાતી દવાઓના નિયમો સરળ બનાવવા, સંશોધન અને પરીક્ષણ માટે વિદેશથી દવા મંગાવવાની પ્રક્રિયા સરળ કરવી અને ખાદ્ય વેપારીઓ પર પાલનનો બોજ ઓછો કરવાનો સમાવેશ થાય છે. સરકારનું કહેવું છે કે આ સુધારાઓનો ઉદ્દેશ્ય ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ વધારવા, મેડિકલ અને ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં રોકાણ આકર્ષવા, સંશોધન અને ઈનોવેશનને ગતિ આપવા અને બિનજરૂરી કાયદાકીય તથા નિયમનકારી બોજ ઓછો કરવાનો છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે દર્દીઓની સુરક્ષા, દવાઓની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલા નિયમોમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી.
નાની ભૂલ પર હવે જેલ નહીં, વહીવટી દંડ
જન વિશ્વાસ અધિનિયમ, ૨૦૨૬ હેઠળ દવા, કોસ્મેટિક અને ખાદ્ય વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે. રેકોર્ડ રાખવામાં કમી, લેબલિંગની નજીવી ક્ષતિ અને અન્ય ટેકનિકલ તથા પ્રક્રિયાગત ઉલ્લંઘનો પર હવે ફોજદારી કેસ ચાલશે નહીં. આવા કેસોનો નિકાલ વહીવટી દંડ દ્વારા થશે. જોકે, નકલી, ભેળસેળવાળા અને સ્વાસ્થ્ય માટે જોખમી ઉત્પાદનો પર પહેલાની જેમ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
આયાતી દવાઓ માટે બદલાશે શેલ્ફ લાઈફનો નિયમ
સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે આયાત સમયે દવાની કુલ શેલ્ફ લાઈફના ૬૦% બાકી હોવા જરૂરી નહીં હોય. તેના બદલે જો દવામાં ઓછામાં ઓછી ૧૨ મહિનાની શેષ શેલ્ફ લાઈફ હશે તો તેની આયાત કરી શકાશે. આનાથી દવાઓની બરબાદી ઓછી થશે, સપ્લાય ચેન મજબૂત થશે અને ઈન્વેન્ટ્રી મેનેજમેન્ટ સરળ બનશે.
રિસર્ચ માટે વિદેશથી દવા મંગાવવી થશે સરળ
રિસર્ચ, પરીક્ષણ અને વિશ્લેષણ માટે વિદેશથી નાની માત્રામાં દવા મંગાવવાની લાઇસન્સ પ્રક્રિયા પણ સરળ કરવામાં આવી રહી છે. હવે માત્ર ઓનલાઈન પૂર્વ સૂચના આપવી પડશે અને સિસ્ટમમાંથી મળતી સૂચનાના આધારે દવા આયાત કરી શકાશે. આનાથી સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ સંસ્થાઓ અને ફાર્મા કંપનીઓને સંશોધન શરૂ કરવામાં ગતિ મળશે.

