Operation Sindoor Martyrs: ઓપરેશન સિંદૂર દરમિયાન શહીદ થયેલા છ સૈનિકોના નામ એક વર્ષથી વધુ સમય બાદ બહાર લાવવા અને તેમને રાષ્ટ્રીય સમર સ્મારકમાં સ્થાન આપવા બાબતે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતૃત્વવાળી મોદી સરકાર પર આક્રમક વલણ અપનાવ્યું છે.
અહેવાલ મુજબ, કોંગ્રેસે સોમવાર (૨૯ જૂન) ના રોજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના રાજીનામાની માંગ કરતા તેમના પર સંસદમાં ‘જૂઠું બોલવાનો’ આરોપ લગાવ્યો હતો.
નોંધનીય છે કે ૨૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ સંસદ સત્ર દરમિયાન લોકસભામાં ઓપરેશન સિંદૂર પર થયેલી વિશેષ ચર્ચા દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિરોધ પક્ષને કહ્યું હતું, ‘તમારે સવાલ પૂછવો હોય તો એ પૂછો કે આ ઓપરેશનમાં શું આપણા બહાદુર સૈનિકોને કોઈ નુકસાન પહોંચ્યું છે, તો તેનો ઉત્તર છે ના.’
ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરને ગયા વર્ષે ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા, જેમાં ૨૬ સામાન્ય નાગરિકો (જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા) ના મોત થયા હતા, તેની વળતી કાર્યવાહી તરીકે અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદ સાથે જોડાયેલા નવ સ્થળો પર હુમલા કર્યા હતા; આ સ્થળો કથિત રીતે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા.
જોકે, ત્યારે આ ઓપરેશન દરમિયાન જીવ ગુમાવનારા જવાનો વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. પરંતુ હવે ભારત સરકારે આ ઓપરેશન દરમિયાન જીવ ગુમાવનારા છ ભારતીય સૈનિકોના નામ સત્તાવાર રીતે જાહેર કર્યા છે.
કોંગ્રેસે રાજનાથ સિંહ પર સંસદને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો
એક પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના ‘પૂર્વ સૈનિક વિભાગ’ ના પ્રમુખ કર્નલ (નિવૃત્ત) રોહિત ચૌધરીએ કહ્યું કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ ના વિષયમાં સંસદમાં ‘જૂઠું બોલીને’ શહીદોનું અપમાન કર્યું છે. તેમને યોગ્ય જાહેર ઓળખ અને સન્માનથી વંચિત રાખ્યા છે.
તેમણે એમ પણ કહ્યું કે સંરક્ષણ મંત્રી વિરુદ્ધ સંસદમાં વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવો જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપે જનતાની માફી માંગવી જોઈએ.
બીજી તરફ, વિંગ કમાન્ડર અનુમા આચાર્યએ દાવો કર્યો કે અગાઉની સરકારોએ સર્વોચ્ચ બલિદાન આપનાર દરેક સૈનિકને જાહેર રીતે સન્માનિત કર્યા હતા. તેમણે વર્તમાન સરકાર પર ‘સશસ્ત્ર દળોનું રાજકીયકરણ’ કરવાનો આરોપ લગાવ્યો.
‘ઓપરેશન સિંદૂરના શહીદોના નામ સમર સ્મારક સુધી પહોંચવામાં એક વર્ષ કેમ લાગ્યું?’
તેમણે આગળ કહ્યું, ‘મોદી સરકાર, જે સેના અને સૈનિકોનું રાજકીયકરણ કરે છે, તેણે વારંવાર દેશ અને સૈનિકો સાથે દગો કર્યો છે.’
કર્નલ ચૌધરીએ ભાજપ પર સશસ્ત્ર દળોના નામે વોટ માંગતી વખતે ‘સૈનિકોને પ્રોપ્સ (દેખાડાની વસ્તુ)’ તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું, ‘જ્યારે રાજનાથ સિંહ સંસદમાં જૂઠું બોલી રહ્યા હતા કે કોઈ પણ સૈનિકને નુકસાન થયું નથી, ત્યારે ભાજપના સાંસદો તાળીઓ વગાડી રહ્યા હતા. આમાંથી કોઈને પણ ગૃહમાં બેસવાનો હક નથી.’
ચૌધરીએ પત્રકારોને કહ્યું, ‘મોદી સરકારનો પાયો જૂઠ પર ટકેલો છે, તેમને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. દેશ પૂછી રહ્યો છે કે આપણા શહીદ જવાનોના નામ સામે આવવામાં ૧૩ મહિના કેમ લાગ્યા? આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા છે.’
તેમણે પાર્ટીની માંગણીઓ સામે રાખતા કહ્યું કે કોંગ્રેસ પીએમ મોદી અને ભાજપના સાંસદો પાસે રાજનાથ સિંહના ‘જૂઠ’ નું સમર્થન કરવા બદલ જાહેરમાં માફીની માંગ કરે છે. આ સાથે અગ્નિવીર ભરતી યોજનાને રદ કરવાની માંગ દોહરાવી છે.
કર્નલ ચૌધરીએ કહ્યું કે તેઓ કોંગ્રેસના ટોચના નેતૃત્વ પાસે સંરક્ષણ મંત્રી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવવાનો આગ્રહ કરશે.
કેન્દ્રએ રાજનાથ સિંહના ભાષણ અંગે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવાઓને ખોટા ગણાવ્યા
નોંધપાત્ર છે કે કેન્દ્ર સરકારે વિરોધ પક્ષના આરોપોને ફગાવી દેતા કહ્યું છે કે દેશે શહીદ થયેલા જવાનોને ‘સૌથી પહેલા તક મળતા જ’ શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની યાદનું સન્માન પૂરી ગરિમા અને શ્રદ્ધા સાથે કરવામાં આવ્યું હતું.
Certain posts circulating on social media platforms have sought to misrepresent the Raksha Mantri’s address delivered on the floor of Parliament on July 28, 2025. These posts have selectively quoted an isolated portion of the speech to falsely imply that the Raksha Mantri claimed…
— Ministry of Defence, Government of India (@SpokespersonMoD) June 27, 2026
આ સંદર્ભમાં સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે, ‘કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં ૨૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ સંસદમાં સંરક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવેલા ભાષણને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પોસ્ટમાં ભાષણના એક નાના ભાગને પસંદ કરીને એવો ખોટો દાવો કરવામાં આવ્યો છે કે સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન કોઈ પણ ભારતીય સૈનિકનું મોત થયું નથી. આ દાવો જાણીજોઈને ભ્રામક રીતે રજૂ કરવામાં આવ્યો છે અને તે સંપૂર્ણપણે તથ્યાત્મક રીતે ખોટો છે.’
બીજી તરફ, સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રીની વાતોને સંદર્ભથી અલગ કરીને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી.

