દિલ્હીમાં 52.9 સે. વિક્રમી ગરમીથી લોકો ત્રાહીમામ

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 3 Min Read

નવી દિલ્હી, તા. 29 : આભમાંથી આફતની માફક અગનવર્ષાથી અકળામણ વચ્ચે બુધવારે બરાબર જેવાં દાઝેલાં દિલ્હીએ 52.3 ડિગ્રી સેલ્સિયસના તાપમાન સાથે દેશભરમાં સૌથી વધુ ગરમીનો વિક્રમ તોડી નાખ્યો હતો. જો કે, બળબળતા બપોરના અસહ્ય ઊકળાટ બાદ આબોહવામાં અચાનક જ પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે દિલ્હી અને એનસીઆરમાં વિવિધ ભાગોમાં વરસાદ થયો હતો. દિલ્હીએ ગરમીના તમામ વિક્રમ તોડી નાખ્યા હતા. રાજધાનીના મંગેશપુર વિસ્તારમાં બુધવારની બપોરે 52.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિલ્હી બાદ રાજસ્થાનનું ચૂરુ 50.5 ડિગ્રી સેલ્સિયસ સાથે આજે દેશનું બીજું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ખાસ ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં તીવ્ર ગરમીના કારણે 23થી 29 મે સુધીમાં 55 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

Hot Facts Abo

- Advertisement -

દેશના મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આજે દિલ્હી અને રાજસ્થાન ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદિગઢ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં હીટવેવનું રેડ એલર્ટ જારી કરાયું હતું. બીજી તરફ બિહારના અનેક જિલ્લામાં બુધવારે પારો 48 ડિગ્રી સેલ્સિયસને પાર ચાલ્યો ગયો હતો. ભીષણ ગરમીની પરાકાષ્ટારૂપે આઠ જિલ્લામાં 80 બાળક બેભાન થઈ ગયાં હતાં. બિહારમાં બે દિવસ માટે હીટવેવનું એલર્ટ જારી કરાયું હતું. `વિક્રમતોડ’ ગરમી વચ્ચે પીવાના પાણીની અછતને ગંભીરતાથી ધ્યાને લેતાં દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે પાઈપથી કાર જેવાં વાહનો ધોનારાને બે હજાર રૂપિયાનો દંડ કરવાનો આદેશ આપ્યો હતો. દિલ્હીમાં સરકારના 200 સભ્યની ટીમ પાણીની બરબાદીની પ્રવૃત્તિ પર સતત નજર રાખશે.

ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા બુધવારે લોકોને લૂથી બચવા માટે સતત સાવચેતીપૂર્વક વર્તવાની સલાહ આપી હતી. બીજી તરફ 26મી મેના બંગાળમાં આવેલા `રેમલ’ તોફાનની અસર આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં થઈ હતી, જ્યાં પહેલી જૂન સુધી વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું હતું. – દિલ્હીમાં 52 ડિગ્રી સેન્સરની ખામી ? હવામાન વિભાગ તપાસ કરશે : નવી દિલ્હી, તા. 29 : રાજધાની દિલ્હીના મંગેશપુર વિસ્તારમાં બુધવારની બપોરે બાવન ડિગ્રીથી વધુ તાપમાનના આંકડાએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે, ત્યારે દેશનો મોસમ વિજ્ઞાન વિભાગ તેની સત્યતાની ચકાસણી કરશે. સેન્સરમાં ખામીનાં કારણે આટલું ઊંચું તાપમાન નોંધાયું હોઇ શકે, હવે તેની તપાસ થશે. દરમ્યાન ભૂવિજ્ઞાન મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે, તાપમાનનો આ આંકડો સત્તાવાર નથી. આવું થવાની સંભાવના ઘણી ઓછી છે. મોસમ વિજ્ઞાન વિભાગના જણાવ્યાનુસાર વર્ષ 2022થી દિલ્હી-એનસીઆરમાં 15 સ્થળ પર મશીન દ્વારા તાપમાન મપાય છે.

- Advertisement -
Share This Article