Una Kaand 10 Years: આજથી બરાબર 10 વર્ષ પહેલા, 11 જુલાઈ 2016ના રોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સમઢીયાળા ગામમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. પરંપરાગત રીતે મૃત પશુઓનું ચામડું ઉતારી જીવન ગુજરાન ચલાવતા ચાર દલિત યુવાનો પર કથિત ગૌરક્ષકો દ્વારા કરવામાં આવેલા અમાનવીય હુમલાએ સમાજની કમનસીબ વાસ્તવિકતા સામે લાવી દીધી હતી. જ્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે દેશભરમાં દલિત અત્યાચાર વિરુદ્ધ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઘટના માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય રાજનીતિમાં એક મોટો મુદ્દો બની ગઈ હતી, જ્યાં અનેક રાજકીય અને સામાજિક નેતાઓએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.
ન્યાયની લડાઈ અને અધૂરા રહેલા સરકારી વાયદા
ઘટના બાદ સરકાર દ્વારા પીડિતોને આર્થિક સહાય, રહેણાંક માટે પ્લોટ, ખેતીલાયક જમીન અને પરિવારના સભ્યોને સરકારી નોકરી આપવાના મોટા વાયદા કરવામાં આવ્યા હતા. જોકે, એક દાયકો વીતવા છતાં પીડિત પરિવારનો આક્ષેપ છે કે આમાંની અનેક મહત્વપૂર્ણ માંગણીઓ આજે પણ કાગળ પર જ છે. પીડિત યુવકોની માતા કુંવરબેન સરવૈયા જણાવે છે કે વર્ષો સુધી સંઘર્ષ કરવા છતાં તેમને સંપૂર્ણ ન્યાય મળ્યો નથી અને આજે પણ તેઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. બીજી તરફ, માર્ચ 2026માં વિશેષ અદાલતે પાંચ આરોપીઓને સજા સંભળાવી હતી, પરંતુ પીડિત પક્ષ આ સજાને અપૂરતી ગણાવી હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યો છે. 38 આરોપીઓના નિર્દોષ છૂટવા સામે પણ સમાજમાં ભારે રોષ છે.
અસ્તિત્વની લડાઈ અને ધર્મ પરિવર્તનનો નિર્ણય
આ અન્યાય અને સામાજિક અપમાનના અનુભવ પછી, પીડિત સરવૈયા પરિવારે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો હિંમતભર્યો નિર્ણય લીધો હતો. આ નિર્ણય સમાનતા અને માનવ અધિકારો માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતો હતો. આજે, 10 વર્ષ બાદ પણ જ્યારે પરિવારો ન્યાય માટે અમદાવાદમાં એકત્રિત થયા છે, ત્યારે તેમની વેદના સ્પષ્ટ દેખાય છે. પીડિત ફરિયાદી વશરામભાઈ સરવૈયાએ સરકારને સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે કે જો તેમના વાયદાઓનો અમલ કરવામાં નહીં આવે, તો તેઓ ગાંધીનગર સુધી અર્ધનગ્ન યાત્રા કરવા મજબૂર બનશે. આ 10 વર્ષનો સફર એ વાતનો સાક્ષી છે કે કાયદો અને ન્યાયની પ્રક્રિયા લાંબી હોઈ શકે છે, પરંતુ પીડિતોના આંસુ અને તેમના હક્ક માટેનો સંઘર્ષ ક્યારેય થંભતો નથી.

