Ambaji Mandir donation theft case: અંબાજી મંદિરમાં દાનની ચોરીનો મામલો, ગણતરી સમયે જ કેમેરા બંધ હોવા પાછળનું શું છે રહસ્ય?

Arati Parmar
3 Min Read

Ambaji Mandir donation theft case: અયોધ્યા રામ મંદિરના દાન ચોરીના કથિત વિવાદ વચ્ચે હવે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ ચોંકાવનારા ફૂટેજમાં મંદિરના ભંડાર કક્ષમાં દાનની રકમની ગણતરી દરમિયાન જ કર્મચારીઓ દ્વારા રૂપિયાની ચોરી થતી સ્પષ્ટ દેખાય છે. ઘટના ગત 5 મેના રોજ બની હતી, જેમાં આઉટસોર્સિંગ પર કામ કરતા કર્મચારી ચિરાગ ઠાકોરને નોટોના બંડલ ચોરી કરીને લઈ જતાં પકડવામાં આવ્યો હતો. આ બંડલ જ્યારે તે હાથરૂમ તરફ લઈ જઈ રહ્યો હતો ત્યારે નીચે પડતા ત્યાં હાજર રહેલા પટાવાળાઓની નજરમાં આવી ગયું અને આખું કૌભાંડ ખુલ્લું પડી ગયું હતું. આ મામલે મંદિરના એકાઉન્ટન્ટ કૌશલકુમાર જોષીએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આયોજનબદ્ધ રીતે થતી હતી લાખોની ઉચાપત

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ચોરી કોઈ એક વ્યક્તિનું કામ નહોતું, પરંતુ એક આખું નેટવર્ક હતું. મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર સાથે વિવેક શર્મા અને નિકુંજ પટેલ પણ આ ગુનામાં સામેલ હતા. પૂછપરછમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે, ચિરાગ ઠાકોર આ બંનેના ઇશારે દાનની રકમમાંથી બંડલ ચોરતો હતો અને મંદિરની બહાર નીકળ્યા બાદ ગબ્બર પાસે ત્રણેય ભેગા થઈને તે રકમના ભાગ પાડી લેતા હતા. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી, જેમાં ત્રણેયે અગાઉ પણ મંદિરમાંથી અનેકવાર ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસ તપાસમાં મંદિરના ભંડાર કક્ષમાં રહેલા 1.04 લાખ રૂપિયા (500ના દરની 104 નોટો) કબજે કરવામાં આવ્યા હતા, જે આ ચોરીનું કદ દર્શાવે છે.

- Advertisement -

સુરક્ષા વ્યવસ્થા પર ઉઠતા ગંભીર સવાલો

આ સમગ્ર પ્રકરણમાં સૌથી ચિંતાજનક બાબત મંદિરની સુરક્ષા વ્યવસ્થાને લઈને છે. એવો ગંભીર આક્ષેપ છે કે, જે દિવસે આ ચોરી થઈ તે દિવસે મંદિરના ભંડાર કક્ષમાં લાગેલા સીસીટીવી કેમેરા જાણીજોઈને બંધ રાખવામાં આવ્યા હતા. મંદિરમાં કુલ 20 સીસીટીવી કેમેરા હોવા છતાં, તેનું મોનિટરિંગ કરવા માટે માત્ર 36 ઈંચનું એક નાનું ટીવી હોવાની વાત સામે આવતા વહીવટીતંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. ભંડાર કક્ષમાં ગણતરી કોણ કરશે તેનો નિર્ણય વહીવટકર્તાઓ લેતા હોય છે, ત્યારે કેમેરા વારંવાર બંધ રહેવા અને સુરક્ષામાં આટલી મોટી ચૂક કેવી રીતે રહી જાય છે, તે એક મોટી તપાસનો વિષય છે. ભાવિકોના શ્રદ્ધાના પ્રતીક સમાન આ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બને તેવી માંગ ઉઠી છે.

Share This Article