Ethanol Scam Madhya Pradesh: દેશમાં પેટ્રોલ સાથે એથેનોલ બ્લન્ડિંગને પ્રોત્સાહન આપવાના સરકારના મહત્વકાંક્ષી પ્રોગ્રામની વચ્ચે મધ્ય પ્રદેશમાંથી એક મોટું એથેનોલ કૌભાંડ સામે આવ્યું છે. સરકાર દ્વારા એથેનોલ ઉત્પાદન માટે સબસિડીના દરે આપવામાં આવતા સરકારી ચોખાના ડાયવર્ઝનને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. તપાસમાં બહાર આવ્યું છે કે FCI ના ગોડાઉનમાંથી એથેનોલ પ્લાન્ટ માટે નીકળેલા ચોખા નિર્ધારિત સ્થળે પહોંચવાને બદલે પ્રાઈવેટ મીલોમાં પહોંચી ગયા હતા, જ્યાં તેની પ્રોસેસિંગ કરીને ફરીથી સરકારને જ ઊંચા ભાવે વેચી દેવામાં આવતા હતા.
આ કૌભાંડને કારણે સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે. નિષ્ણાતોના મતે, આ કૌભાંડ સપ્લાય ચેઈન મોનિટરિંગ અને એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગના અભાવનું પરિણામ છે. FCI ના ગોડાઉનથી લઈને ડિસ્ટિલરી સુધીના પરિવહન દરમિયાન યોગ્ય મોનિટરિંગ ન થવાથી વચેટિયાઓ, ટ્રાન્સપોર્ટર્સ અને મિલ ઓપરેટરોએ મળીને સરકારને ચૂનો લગાવ્યો છે. આ સમગ્ર ઘટનાને ‘ટીપ ઓફ ધ આઈસબર્ગ’ ગણાવવામાં આવી રહી છે, જે સૂચવે છે કે આ મામલો અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલો હોઈ શકે છે.
આ સમગ્ર મામલે સરકારે હવે કડક વલણ અપનાવ્યું છે. FCI એ ડિસ્ટિલરીઝ અને એથેનોલ પ્લાન્ટ્સને સીધા જવાબદાર ઠેરવીને તેમની જવાબદારી નક્કી કરી દીધી છે. હવે સરકારે તે ચકાસવું પડશે કે જેટલા જથ્થામાં ચોખા ઉપાડવામાં આવ્યા છે, તેટલા જ પ્રમાણમાં એથેનોલનું ઉત્પાદન થયું છે કે નહીં. દુરુપયોગ સાબિત થવાના કિસ્સામાં સંકળાયેલા લોકો સામે ફોજદારી કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યા છે. હાલમાં આ મામલે SIT દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી આ કૌભાંડમાં સામેલ તમામ સ્તરોના અધિકારીઓ અને ઓપરેટરોને પકડી શકાય.

