Pakistan new Trade Corridor: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો અત્યંત તણાવપૂર્ણ બની ગયા છે. આ જ કારણ છે કે પાકિસ્તાન હવે અફઘાનિસ્તાન પરની નિર્ભરતા ઘટાડીને વૈકલ્પિક માર્ગો શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચાર-પાંચ વર્ષ પહેલા જ્યારે તાલીબાન સત્તામાં આવ્યું ત્યારે પાકિસ્તાનને આશા હતી કે તેઓ ભારત વિરુદ્ધ કામ કરશે, પરંતુ સ્થિતિ તેનાથી ઉલટી સાબિત થઈ છે. અફઘાનિસ્તાન થઈને થતા વેપારથી પાકિસ્તાન હવે મુશ્કેલી અનુભવી રહ્યું છે, જેના કારણે તે હવે અફઘાનિસ્તાનને બાયપાસ કરીને ઈરાન અને ચીન દ્વારા સેન્ટ્રલ એશિયા સાથે જોડાવવાની નવી રણનીતિ અપનાવી રહ્યું છે.
પાકિસ્તાને ઔપચારિક રીતે પોતાની વેપાર અને ટ્રાન્ઝિટ વ્યૂહરચના બદલવાનું શરૂ કર્યું છે. આ વ્યૂહરચના હેઠળ બે મુખ્ય કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યા છે. સેન્ટ્રલ એશિયન દેશો—કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન અને કિર્ગિસ્તાન—લેન્ડ લોક્ડ હોવાથી તેમને વૈશ્વિક બજાર સુધી પહોંચવા માટે બંદરોની જરૂર છે. અત્યાર સુધી, આ વેપાર પાકિસ્તાનના તોરખમ અને ચમન બોર્ડર ક્રોસિંગ દ્વારા થતો હતો, જે હવે સુરક્ષા કારણો અને સતત ચાલતા સંઘર્ષોને કારણે ખોરવાઈ ગયા છે. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનમાં રહેતા ઉગ્રવાદી જૂથોને ત્યાં આશરો મળે છે, જે પાકિસ્તાનની સુરક્ષા માટે મોટો ખતરો છે.
આ સમસ્યાના ઉકેલ તરીકે, પાકિસ્તાન બે નવા આંતરરાષ્ટ્રીય કોરિડોર સ્થાપી રહ્યું છે. પ્રથમ કોરિડોર ઈરાન થઈને જાય છે, જેમાં ‘ગબદ-રિમ્દાન’ ક્રોસિંગ દ્વારા વેપાર ગ્વાદર બંદર સુધી પહોંચશે. બીજો કોરિડોર ચીન સાથેનો છે, જેમાં ‘સોસ્ત ડ્રાય પોર્ટ’ દ્વારા કારાકોરમ હાઈવેનો ઉપયોગ કરીને વેપાર કરવામાં આવશે. આ નવા માર્ગોથી ઈરાનને કસ્ટમ ડ્યુટી અને લોજિસ્ટિક્સ દ્વારા મોટો આર્થિક લાભ થશે, જ્યારે ચીનનું સીપેક (CPEC) પ્રોજેક્ટ વધુ મજબૂત બનશે. ભારત માટે આ ઘટનાક્રમ એક પડકાર સમાન છે, કારણ કે પાકિસ્તાન એક ટ્રાન્ઝિટ હબ તરીકે ઉભરી રહ્યું છે, જોકે ભારત ચાબહાર બંદર અને અન્ય માર્ગો દ્વારા સેન્ટ્રલ એશિયા સાથે પોતાના જોડાણને મજબૂત કરવાના પ્રયાસો ચાલુ રાખશે.

