Gujarat Contract Job Reservation: ગુજરાતમાં જો બધું અનુકૂળ રહ્યું તો કોન્ટ્રાક્ટ આધારિત નોકરીઓમાં અનામત લાગુ થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના સ્તરે મોટી હલચલ જોવા મળી છે. તેમાં જણાવાયું છે કે ગુજરાત સરકાર કોન્ટ્રાક્ટ પર થતી ભરતીમાં અન્ય પછાત વર્ગ (OBC), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના ઉમેદવારોને અનામતનો લાભ આપવાની સંભાવના પર વિચાર કરી રહી છે. આ પગલાથી સરકારી વિભાગોમાં ભરતીની પદ્ધતિમાં મોટો બદલાવ આવી શકે છે.
સરકારે અરજીઓ પર લીધું પગલું
અહેવાલ મુજબ આ પ્રસ્તાવ ત્યારે સામે આવ્યો છે જ્યારે રાજ્યને અલગ-અલગ સ્થળોથી કોન્ટ્રાક્ટ આધારિત ભરતીમાં અનામત લાગુ કરવાની માંગ કરતી અરજીઓ મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સરકાર આવી નીતિની સંભાવનાનું મૂલ્યાંકન કરી રહી છે, ખાસ કરીને એટલા માટે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી સતત વધી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદ્યુમનસિંહ જાડેજા પાસે શિક્ષણ વિભાગનો પણ કાર્યભાર છે. તેમણે ગુરુવારે સામાજિક ન્યાય અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે આ મુદ્દાની સમીક્ષા કરવા બેઠક યોજી હતી.
માહિતી એકત્ર કરવાની આપી સૂચના
બેઠક દરમિયાન અધિકારીઓને સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની સંખ્યાની માહિતી એકત્ર કરવાની સૂચના આપવામાં આવી હતી. ચર્ચા સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે કોન્ટ્રાક્ટ આધારિત નિયુક્ત કર્મચારીઓની કુલ સંખ્યા અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધ નથી, તેથી મંત્રીએ માહિતી એકત્ર કરવાનો નિર્દેશ આપ્યો છે. ગુજરાતમાં અંદાજ મુજબ ત્રણ લાખથી વધુ લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. આ સંખ્યા તેનાથી પણ વધુ હોઈ શકે છે. રાજ્ય સરકારમાં ખાસ કરીને વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યાઓ માટે કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂકો સામાન્ય બની ગઈ છે.
હાલમાં કોન્ટ્રાક્ટ નોકરીમાં અનામત નથી
આટલું જ નહીં, હવે ડૉક્ટર અને નર્સ જેવા વિશેષ પદો પર પણ કોન્ટ્રાક્ટ આધારિત ભરતી દ્વારા નિમણૂકો કરવામાં આવી રહી છે. રાજ્ય સચિવાલયમાં પણ અનેક જગ્યાઓ પર કોન્ટ્રાક્ટની શરતો હેઠળ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી બે રીતે થાય છે. કેટલાક કિસ્સાઓમાં વિભાગો સીધી ભરતી કરે છે, જ્યારે અન્ય કિસ્સાઓમાં ભરતી પ્રક્રિયા પ્રાઇવેટ એજન્સીઓને સોંપવામાં આવે છે. સામાન્ય સરકારી ભરતીથી વિપરીત હાલમાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતીમાં SC, ST અને OBC ઉમેદવારો માટે અનામતની કોઈ જોગવાઈ નથી.
એજન્સીઓને અનામતનો અમલ કરવો પડશે
અહેવાલમાં જણાવાયું છે કે આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે સરકાર કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને પગાર તો આપે જ છે. તેથી આવી ભરતીમાં પણ અનામત લાગુ કરી શકાય કે નહીં તે જોવું યોગ્ય રહેશે. જે વિકલ્પો પર વિચારણા થઈ રહી છે તેમાંનો એક વિકલ્પ એ છે કે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની ભરતી કરતી એજન્સીઓ માટે બહાર પાડવામાં આવતા ટેન્ડરમાં અનામત સંબંધિત શરતોનો સમાવેશ કરવામાં આવે. અધિકારીઓએ જણાવ્યું કે આવી શરત હેઠળ એજન્સીઓને ભરતી કરતી વખતે અનામતના નિયમોનું પાલન કરવું પડી શકે છે.
હાલ દેશભરમાં શું સ્થિતિ છે
સરકારી વિભાગો અને એજન્સીઓ મારફતે કરવામાં આવતી આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ આધારિત ભરતીમાં કર્ણાટક રાજ્યએ સૌથી પહેલાં સ્પષ્ટ નિયમો અને કાનૂની સુધારા અમલમાં મૂક્યા છે. ગુજરાતે હવે આગળ વધવાના સંકેત આપ્યા છે, જ્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશમાં હજુ આ મુદ્દે વિચારણા ચાલી રહી છે. અન્ય રાજ્યોની સ્થિતિ હજુ આ મુદ્દે સ્પષ્ટ નથી. ગુજરાતમાં આદિવાસી સમુદાયની નોંધપાત્ર વસ્તી છે. ઉપરાંત OBC વર્ગની વસ્તી 50 ટકાથી વધુ છે.

