સુરત, શનિવાર
FakeNursingInstitute : લાલ દરવાજા પાસે આવેલ મા કામલ ફાઉન્ડેશન દ્વારા ગેરકાયદે નર્સિંગ કોર્સ ચલાવવાનું પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે. આ સંસ્થાએ વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ વર્ષ માટે 1.74 લાખ ફી વસૂલવા છતાં ન તો પરીક્ષા યોજી, ન તો કોર્સ પૂર્ણ કરાવ્યો, અને ન કોઈ સર્ટિફિકેટ કે માર્કશીટ આપી. આ અંગે રાજપીપળાની એક વિદ્યાર્થીનીએ સંચાલક ડૉ. અનિલ કેસર ગોહિલ વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.
આ નકલી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટે સુરત ઉપરાંત રાજપીપળા અને વ્યારા જેવી જગ્યાઓ પર બ્રાંચ શરૂ કરી હતી. આદિવાસી તેમજ અન્ય વિદ્યાર્થીઓને લાલચ આપી નર્સિંગના અભ્યાસક્રમ માટે સ્કોલરશીપ મળી શકે તેવું કહ્યું હતું. આ કોર્સ માટે પ્રવેશ લીધેલા 13 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી 3 વર્ષની ફી તરીકે 1.74 લાખ વસૂલવામાં આવ્યા હતા.
આ વખતે વિદ્યાર્થીઓને છ મહિના સુધી થિયરી ભણાવવામાં આવી, ત્યારબાદ અલગ અલગ હોસ્પિટલમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી. બાદમાં તેમને પરીક્ષા માટે બેંગલુરુ મોકલવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં કોઈપણ પરીક્ષા લેવામાં નહોતી આવી.ત્યાં કોઇપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી ન હોવાથી તમામ વિદ્યાર્થીઓ પાછા આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સંચાલકો અને શિક્ષકોને વારંવાર પ્રશ્ન પૂછવામાં આવ્યા કે પરીક્ષા ક્યારે લેવાશે અને કોર્સ ક્યારે પૂર્ણ થશે.
વિદ્યાર્થીઓએ આપેલા ધોરણ 10 અને 12ના અસલ માર્કશિટ પરત માગ્યા હતા, પરંતુ સંચાલકોએ તે પાછા ન આપતા વિદ્યાર્થીઓએ અંતે પોલીસ ફરિયાદનો આશરો લીધો. નર્સિંગ એસોસિયેશનના પ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું કે આ ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કાઉન્સિલના રજીસ્ટ્રેશન વગર અને સરકારની મંજૂરી વિના ચલાવવામાં આવી રહ્યું છે.

