ભુજ, તા. 6 : અહીંની કચ્છ જિલ્લા પંચાયત તેમજ તેને સંલગ્ન કચેરીઓમાં ત્રીજા વર્ગની નિયમિત ભરતી ન થવાથી 64 ટકા જેટલી ઘટના કારણે ટેબલો ખાલી થઈ ગઈ છે, તો એક એક કર્મચારી પાસે બેથી-ત્રણ શાખા કે ટેબલનું ભારણ વધી જવાથી માનસિક તાણ અનુભવી રહ્યા હોવાની ફરિયાદો કચેરી સંકુલમાંથી સાંભળવા મળી રહી છે. જિલ્લા પંચાયતના કચેરી વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કચેરી સંકુલમાં આવેલી જુદી-જુદી 19 શાખા તેમજ તેને સંલગ્ન પેટા વિભાગ, તાલુકા પંચાયત સહિતની કચેરીમાં ત્રીજા વર્ગના કર્મચારીઓના મંજુર થયેલા મહેકમ સામે માત્ર 36 ટકા જેટલો સ્ટાફ કાર્યરત છે. આટલા ઓછા સ્ટાફ-ઘટના કારણે કામનું ભારણ વર્તમાન ક્લાર્કો પર આવી પડ્યું છે, જેના કારણે આ કર્મચારીઓ માનસિક તાણ અનુભવી રહ્યા છે, તો કેટલાક નિવૃત્તિની નજીક છે તેવા કર્મચારીઓ વહેલા સ્વૈચ્છિક નિવૃત્ત થઈ રહ્યા છે.

આ સંકુલમાં દબાણ, મહેકમ, વિકાસ, પંચાયત, સિંચાઈ, બાંધકામ, આંકડા, આયુર્વેદ, શિક્ષણ, સમાજ કલ્યાણ, સહકાર, ખેતી, પશુપાલન, મેલેરિયા, રસીકરણ, કુટુંબ કલ્યાણ, આરોગ્ય, આઈ.સી.ડી.એસ., જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા મધ્યાહ્ન ભોજન યોજના ઉપરાંત સિંચાઈ અને બાંધકામ શાખાના પેટા વિભાગની જુદીજુદી કચેરીઓમાં ત્રીજા વર્ગનું અંદાજે 65નું મહેકમ મંજૂર થયેલું છે જેમાંથી હાલ માત્ર 20થી 25 જગ્યા ભરેલી છે. તેમાંય હાલ થયેલી બદલીઓ થકી અમુક શાખામાં એકાદ કર્મચારી રહી ગયા છે, જેથી કામનું ભારણ આ એકલદોકલ કલાર્કો પર આવી પડયું છે, કેટલાક કિસ્સામાં તો કામના ભારણે કર્મચારીઓને કચેરી સમય બાદ પણ મોડે સુધી બેસવું પડતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. વળી, કામના ભારણ હેઠળ રજાઓ મળતી ન હોવાથી કર્મચારીઓ સામાજિક જવાબદારી કે પ્રસંગોપાત જઈ નથી શકતા, તો વધુ કામના ભારણ હેઠળ કર્મચારીઓ ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારીઓનો ભોગ બનતા હોવાનીયે ફરિયાદો સંભળાઈ રહી છે. સૌથી વધુ ઘટ વિકાસ, સિંચાઈ, બાંધકામ અને શિક્ષણ શાખાઓમાં છે, વળી આ શાખાઓમાં કામનું ભારણે વધુ રહેતું હોવાથી વહીવટી કામો અને સરકારી યોજનાઓના અમલીકરણ પર તેની સીધી અસર પડી રહી છે.
શિક્ષણની વાત કરીએ તો આ શાખામાં આઠ જૂનિયર અને છ સિનિયર કલાર્કનું મહેકમ મંજૂર થયેલું છે, જેમાં જૂનિયરની છ અને સિનિયરની એક જગ્યા ખાલી પડી છે. આ શાખામાં મહિને લગભગ 15 શિક્ષક નિવૃત્ત થતા હોય છે, જેમના પેન્શન કેસ, 60થી 70 હાયરગ્રેડની ફાઈલો આવતી હોય છે, હવે જગ્યા ખાલી હોય ત્યાં કામ કેવી રીતે થાય તેવો પ્રશ્ન શિક્ષણ વર્તુળો પૂછી રહ્યા છે. આવી સ્થિતિમાં બાળકોના અભ્યાસના ભોગે શિક્ષકોને બોલાવી કામગીરી પૂરી કરાવાય છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શાખા વાઈઝ ખાલી જગ્યામાં વિકાસ શાખામાં છમાંથી પાંચ ખાલી તેવી જ રીતે સિંચાઈમાં સાતમાંથી છ ખાલી, પેટા વિભાગમાં પાંચમાંથી પાંચેય ખાલી, બાંધકામમાં ચારમાંથી બે ખાલી, તેના જ પેટા વિભાગમાં સાતેય જગ્યા ખાલી, અંદાજે 10 હજાર જેટલા શિક્ષકના મહેકમ ધરાવતી શિક્ષણ શાખામાં છમાંથી પાંચ ખાલી, સહકારમાં ત્રણમાંથી બે ખાલી, રસીકરણના ડેટા જેવી કામગીરી કરતા એક કર્મચારીની જગ્યા ખાલી તો ગ્રામ વિકાસ એજન્સી તથા મધ્યાહ્ન ભોજન યોજનામાં એક-એક મંજૂર પણ તે પણ ખાલી પડી છે. ખરેખર તો રાજ્ય સરકારે એક રાજ્ય જેટલો વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં વધુમાં વધુ ઉમેદવારોની ભરતી કરી આ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ તેવી લાગણી કર્મચારી વર્તુળોમાંથી વ્યક્ત થઈ રહી છે.

