Harsh Sanghvi public meeting Kutch: મિસ્ટર હોમ મિનિસ્ટર, લોકોના દુઃખ સાંભળશો કે માત્ર ઢોંગ કરશો?

Arati Parmar
3 Min Read

Harsh Sanghvi public meeting Kutch: ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરુવારે કચ્છ અને મોરબી જિલ્લાની સરકારી મુલાકાતે આવી રહ્યા છે. ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને જણાવ્યું હતું કે તેઓ કચ્છ અને મોરબીના નાગરિકો અને અરજદારોની ફરિયાદો સાંભળશે અને તેમને યોગ્ય ન્યાય અપાવશે. જોકે તેમની મુલાકાત પહેલા જ ચર્ચા ગરમાઈ છે — કારણકે 13 દિવસ પહેલાં આવી જ જાહેરાત કરીને આવેલા રાજ્યના DGP વિકાસ સહાય પણ વિવાદમાં ઘેરાયા હતા.

“DGPએ પણ લોકોને નહીં મળ્યા, તો હવે તમે શું કરશો?”

- Advertisement -

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરીએ ગૃહમંત્રી સંઘવીના પ્રવાસને લઈ સવાલો ઉઠાવ્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “DGP સહાય જ્યારે કચ્છ આવ્યા ત્યારે માત્ર ઔપચારિકતાને પૂરી કરીને ચાલ્યા ગયા, લોકોના દુખદર્દ સાંભળવાનો તો માત્ર ઢોંગ હતો. હવે જ્યારે ગૃહમંત્રી આવી રહ્યા છે ત્યારે પણ શું એ જ પુનરાવર્તન થશે?”

SMCની રેડ, દારૂના કેસ અને કાયદો વ્યવસ્થા મુદ્દે ઉગ્ર ટિપ્પણી

- Advertisement -

હિતેશ મહેશ્વરીએ કચ્છમાં ચાલી રહેલી દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, SMCની રેડ અને કાયદો વ્યવસ્થાની સમસ્યાઓને લઈને પણ ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે. તેમણે યાદ અપાવ્યું કે, જ્યારે DGP વિકાસ સહાય કચ્છની મુલાકાતે આવ્યા ત્યારે દારૂના કેસમાં આરોપી રહેલા હેમેન્દ્ર જણસારીએ તેમને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જે હેમેન્દ્ર જણસારી પહેલાં ભુજ તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે અને તેમની સામે પ્રોહીબીશનના કેસ નોંધાયેલ છે.

“દૂરથી આવેલા લોકો મળી શક્યા નહોતા!”

- Advertisement -

DGP સહાય ભુજમાં ફેમિલી સાથે ખાનગી હોટલમાં રોકાયા અને માત્ર એક કલાકમાં 22 અરજદારોને મળ્યા. પરંતુ કચ્છના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા ઘણા લોકોને મળવાનો અવસર મળ્યો નહોતો.

“આ ચુસ્ત વ્યવસ્થાની જવાબદારી કોની?”

આ પ્રકારની મુલાકાતો દરમ્યાન મહત્ત્વના લોકો કોને મળવાનું છે, કોને પ્રવેશ આપવામાં આવશે, એ નક્કી કરવાની જવાબદારી જિલ્લાની પોલિસ, લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો (LIB), ક્રાઇમ બ્રાન્ચ અને SOG જેવી એજન્સીઓની હોય છે. તેથી DGPને મળવા કોણ આવે તે ચોકસાઈથી નક્કી કરવું એ સ્થાનિક તંત્રનું કામ છે. IPS અધિકારી તરીકે વિકાસ સહાયનો સીધો દોષ ન હોય છતાં, લોકોમાં ભારે નારાજગી રહી હતી.

હર્ષ સંઘવીના પ્રવાસનો કાર્યક્રમ

ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરુવારે સવારે કચ્છ અને સાંજે મોરબી જિલ્લાના પ્રવાસે રહેશે. તેમના સાથે રાજ્યના DGP વિકાસ સહાય તેમજ હોમ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. સંઘવીએ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ તેઓ લોકોની રજૂઆત સાંભળશે અને તેમને યોગ્ય ન્યાય અપાવશે.

પરંતુ લોકોની આશા એક જ છે — કે આ વખતે પ્રવાસ ઔપચારિકતા પૂરતો ન રહે. ખરેખર લોકોની વેદનાને સાંભળવામાં આવે.

Share This Article