CG Semi Sanand: સાણંદની CG સેમીમાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ, મહિલાઓને મળી મોટી રોજગાર તક
CG Semi Sanand: તમે હરક્યુલિસ સાયકલ વિશે તો સાંભળ્યું જ હશે. વર્ષ 1949માં ચેન્નાઈ સ્થિત મરુગુપ્પા ગ્રુપે યુકેની ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સ કંપની સાથે ભાગીદારીમાં ટીઆઈ સાયકલ્સ ઓફ ઇન્ડિયાની શરૂઆત કરી હતી. તત્કાલીન ભાવનગર રિયાસતના અંતિમ અને અત્યંત લોકપ્રિય પ્રજાવત્સલ (પ્રજાના સુખ-દુઃખના સાથી) શાસક કૃષ્ણકુમારસિંહજી ગોહિલે મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે 1951માં આ કંપનીની ટીઆઈ સાયકલ્સ ‘એ’ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ જ ફેક્ટરીમાંથી હરક્યુલિસ સાયકલનું ઉત્પાદન શરૂ થયું, જે આગળ જઈને દેશની એક જાણીતી બ્રાન્ડ બની.
પ્રધાનમંત્રી મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન
આ જ મરુગુપ્પા ગ્રુપની કંપની CG સેમી હવે ભારતના સેમિકોન મિશનને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. 4 જુલાઈ, 2026ના રોજ સાણંદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કંપનીના વ્યાવસાયિક ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો હતો. CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન લિમિટેડની સબસિડિયરી કંપની CG સેમી પ્રા. લિમિટેડએ ₹7,600 કરોડના ખર્ચે સાણંદમાં આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર અસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધાની શરૂઆત કરી છે. CG સેમી, ભારતની CG પાવર, જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ તથા થાઈલેન્ડની સ્ટાર માઇક્રોઇલેક્ટ્રોનિક્સનું સંયુક્ત સાહસ છે, જેમાં CG સેમીની સૌથી વધુ શેરહોલ્ડિંગ છે. જાપાનની કંપની સાણંદમાં ઉત્પાદિત ચિપ્સ ખરીદવાની સાથે ટેક્નોલોજીકલ સહયોગ પણ આપી રહી છે. કંપની હવે મોટા પાયે વ્યાવસાયિક ઉત્પાદન કરીને દેશ અને દુનિયામાં ચિપ્સનો પુરવઠો કરશે.
મહિલાઓને આપી વધુ રોજગારી
મહિલા સશક્તિકરણ માટે કંપનીએ વિશેષ પ્રયાસો કર્યા છે. CG સેમિકોનના અધિકારીઓના જણાવ્યા મુજબ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ફેક્ટરી ફ્લોર પર પ્લાન્ટ ઓપરેશનનું મોટાભાગનું કામ મહિલાઓ દ્વારા કરવામાં આવે. હાલમાં અહીં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલી મહિલા કર્મચારીઓ કાર્યરત છે. ફ્લોર પર મશીન ઓપરેશનનું મોટાભાગનું કામ મહિલાઓ દ્વારા કરવામાં આવશે. કંપનીએ ગુજરાત સહિત દેશભરમાંથી સાણંદમાં કામ કરવા આવેલી મહિલા કર્મચારીઓને સેમિકન્ડક્ટર પ્લાન્ટના કામગીરીની પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે ત્રણ મહિના માટે મલેશિયા મોકલી હતી. આ મહિલા કર્મચારીઓ હવે પ્લાન્ટમાં મશીનોનું સ્વતંત્ર રીતે સંચાલન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે. દેશભરની યુવતીઓ CG સેમિકોનમાં કાર્ય કરી રહી છે.

