Canada PGWP Protest: “ઘરે પાછા જાઓ” : કેનેડામાં વિરોધ કરનાર ભારતીય વિદ્યાર્થીઓને સરકારની કડક સલાહ

Arati Parmar
5 Min Read

Canada PGWP Protest: કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ, PGWP ન મળતા ભવિષ્ય પર સંકટ

Canada PGWP Protest: કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેઠા છે. તેમની માત્ર એક જ માંગ છે—અમે અહીં અભ્યાસ કર્યો છે, તેથી અમને પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) મળવો જોઈએ. ભારતીય વિદ્યાર્થીઓ તે લગભગ 1,000 વિદેશી વિદ્યાર્થીઓમાં સામેલ છે, જેમને IRCC દ્વારા PGWP આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડાના અલ્બર્ટા રાજ્યના કેલગરી શહેરમાં આવેલા પોર્ટેજ કોલેજમાંથી ડિગ્રી મેળવી હતી અને હવે તેઓ એ જ કોલેજની બહાર ભૂખ હડતાળ કરી રહ્યા છે.

પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ ન મળતા વિદ્યાર્થીઓમાં રોષ

- Advertisement -

પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) ન મળતા ભારતીય વિદ્યાર્થીઓ નારાજ છે, કારણ કે હવે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમને આશા હતી કે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા તેમના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લેવામાં આવશે, પરંતુ હવે અધિકારીઓનું ધ્યાન ખેંચવા માટે તેમને ચોવીસે કલાક વિરોધ પ્રદર્શન શરૂ કરવું પડ્યું છે. પોર્ટેજ કોલેજની બહાર લગભગ 1,000 વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે, જ્યારે લગભગ 5થી 6 વિદ્યાર્થીઓએ ભૂખ હડતાળ શરૂ કરી છે.

- Advertisement -

‘વિદ્યાર્થીઓએ પોતાના દેશમાં પાછા જવું જોઈએ’

અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યારે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીને પૂછવામાં આવ્યું કે શું તેમને વિદેશી વિદ્યાર્થીઓના વિરોધ વિશે જાણ છે, ત્યારે તેમણે તેનો જવાબ “ના”માં આપ્યો. એટલું જ નહીં, તેમણે વિદ્યાર્થીઓને સલાહ પણ આપી. જૂનો ન્યૂઝના અહેવાલ મુજબ, વડાપ્રધાન કાર્નીએ જણાવ્યું કે જેમની પાસે દેશમાં રહેવાનો અધિકાર નથી, તેમણે નક્કી કરેલી પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.

- Advertisement -

બીજી તરફ, જ્યારે અલ્બર્ટાના પ્રીમિયર ડેનિયલ સ્મિથને એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું કે જેમના વિઝાની મુદત પૂર્ણ થઈ ગઈ છે અથવા જેમને પરમનેન્ટ રેસિડન્સી મળી નથી એવા વિદેશી વિદ્યાર્થીઓએ તરત જ પોતાના દેશમાં પાછા જવું જોઈએ. તેમનું સ્પષ્ટ કહેવું હતું કે જો કેનેડામાં રહેવા માટે માન્ય દરજ્જો હોય તો રહો, નહીં તો ઘરે પાછા જાઓ. હાલ એટલું સ્પષ્ટ થયું છે કે વિદ્યાર્થીઓનો અવાજ અલ્બર્ટાના પ્રીમિયર સુધી તો પહોંચ્યો છે. હવે જોવાનું રહેશે કે આગળ શું કાર્યવાહી થાય છે.

PGWP સાથે જોડાયેલો સમગ્ર વિવાદ શું છે?

PGWP સાથે જોડાયેલો સમગ્ર વિવાદ પોર્ટેજ કોલેજ અને કેનેડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑસ્ટિયોપેથીક થેરાપી દ્વારા ચલાવવામાં આવતા ડિપ્લોમા કાર્યક્રમોમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ સાથે સંબંધિત છે.

હજારો વિદ્યાર્થીઓની PGWP એપ્લિકેશન નામંજૂર કરવામાં આવી, કારણ કે IRCCનું કહેવું હતું કે તેમણે જે અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે, તેના માટે પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ આપવામાં આવી શકતો નથી.

કેનેડામાં PGWP મળવો એ વિદ્યાર્થીએ કયો અભ્યાસક્રમ કર્યો છે અને કઈ કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે તેના પર આધાર રાખે છે. IRCCની વેબસાઇટ પર PGWP માટે પાત્ર અભ્યાસક્રમો અને કોલેજોની યાદી ઉપલબ્ધ છે.

વિદ્યાર્થીઓનો દાવો છે કે તેમણે જે અભ્યાસક્રમ અને કોલેજ પસંદ કરી હતી, તેના આધારે તેમને PGWP મળવો જોઈએ, કારણ કે બંને IRCCની યાદીમાં સામેલ હતા.

વિદ્યાર્થીઓએ બે વર્ષના અભ્યાસક્રમ માટે 32,000 કેનેડિયન ડૉલર (લગભગ 22 લાખ રૂપિયા) જેટલી મોટી ફી પણ ચૂકવી હતી. અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમને જણાવવામાં આવ્યું કે હવે તેમનો અભ્યાસક્રમ અને કોલેજ PGWP માટે પાત્ર નથી.

પોર્ટેજ કોલેજના અધિકારીઓએ જણાવ્યું કે તેમને ઇમિગ્રેશન સંબંધિત મુદ્દાની જાણ છે, પરંતુ PGWP આપવાનો નિર્ણય IRCC દ્વારા લેવામાં આવે છે અને તેમાં તેમનો કોઈ હસ્તક્ષેપ નથી. જોકે, તેમણે ઇમિગ્રેશન વિભાગ પાસે આ મુદ્દે સ્પષ્ટતા પણ માંગી છે. આ દરમિયાન પોર્ટેજ કોલેજના કેટલાક સહયોગી કેમ્પસોએ પોતાના કેમ્પસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. પોર્ટેજ કોલેજનું કહેવું છે કે તેનો PGWP મુદ્દા સાથે કોઈ સંબંધ નથી અને આ આયોજન તો 2024થી જ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ શું કહ્યું?

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ પોતાના વર્ક પરમિટ નામંજૂર થયેલા નિર્ણયની સમીક્ષા ઈચ્છે છે અને તેમણે કેનેડામાં અભ્યાસ કર્યો હોવાથી ત્યાં કામ કરવાનો અધિકાર મળવો જોઈએ.

વિદ્યાર્થીઓનો દાવો છે કે બે વર્ષ પછી તેમને જણાવવામાં આવ્યું કે તેમનો ડિપ્લોમા નોન-ક્રેડિટ પ્રોગ્રામ છે. નોન-ક્રેડિટ પ્રોગ્રામ માટે વર્ક પરમિટ મળતો નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ નવો નિયમ માત્ર જૂન 2026માં વેબસાઇટ પર ઉમેરવામાં આવ્યો હતો. જ્યારે બે વર્ષ પહેલાં તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમનો અભ્યાસક્રમ વર્ક પરમિટ માટે પાત્ર હતો.

Share This Article