નવી દિલ્હી, તા.1 : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને આવતીકાલે જેલ જવું જ પડશે. રાઉઝ એવન્યૂ?કોર્ટે આજે તબીબી આધાર પર જામીન માગતી તેમની અરજી પર સુનાવણી કરી હતી. વિશેષ જજ કાવેરી બાવેજાએ અરજી અંગેનો નિર્ણય પાંચમી જૂન સુધી સુરક્ષિત રાખ્યો હતો. કેજરીવાલે સાત દિવસના જામીન માગ્યા હતા જેથી તેઓ તેમના તબીબી પરીક્ષણ કરાવી શકે. જોકે ઈડીએ કોર્ટમાં તેનો વિરોધ કર્યો હતો. કેજરીવાલની 21મી માર્ચના ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે 10મી મેના તેમને વચગાળાના જામીન આપ્યા હતા જેની અવધિ આજે, પહેલી જૂને સમાપ્ત થઈ હતી. તેમને આવતીકાલે બીજી જૂને આત્મસમર્પણ કરવું પડશે. ઈડીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે કેજરીવાલે તથ્યોને છુપાવ્યાં છે અને પોતાના સ્વાસ્થ્ય અંગે ખોટાં નિવેદન આપ્યાં છે.
તેમનું વજન એક કિલો વધ્યું છે જ્યારે તેઓ એવો ખોટો દાવો કરે છે કે તેમનું વજન સાત કિલો ઘટયું છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે કેજરીવાલે 31મી મેના પત્રકાર પરિષદમાં એવો ભ્રામક દાવો પણ કર્યો હતો કે તેઓ બીજી જૂનના શરણે થવા જઈ રહ્યા છે. જોકે કોર્ટમાં કેજરીવાલના વકીલે જણાવ્યું હતું કે તેઓ બીમાર છે અને તેમને સારવારની જરૂરત છે. જોકે કોર્ટે જામીન અરજી પરનો નિર્ણય પાંચમી જૂન સુધી સુરક્ષિત રાખ્યો હતો.

