નવી દિલ્હી, તા.2 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ર1 દિવસના વચગાળાના જામીન પૂર્ણ થતાં અને જામીન લંબાવવા કરેલી અરજીમાં કોઈ રાહત ન મળતાં રવિવારે તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યુ હતુ. જે પહેલા તેમણે સોશિયલ મીડિયા એક્સ પર એક સંદેશો પોસ્ટ કર્યો અને ર1 દિવસના જામીન મંજૂર કરવા બદલ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. આત્મ સમર્પણ પહેલાં પક્ષના કાર્યાલય ખાતે નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધતાં કેજરીવાલે પોતાને ભગતસિંહના શિષ્ય ગણાવી કહ્યું હતું કે હું ભ્રષ્ટાચારના કારણે જેલમાં નથી જઈ રહ્યો, પણ મેં સમુખ્યત્યારશાહી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. એટલે જઈ રહ્યો છું, પણ મને ચિંતા નથી, દેશ માટે હું ફાંસી પર ચડવા પણ તૈયાર છું તેમ જણાવ્યું હતું. કેજરીવાલ રવિવારે બપોરે 3 કલાકે ઘરેથી નીકળ્યા અને પહેલા રાજઘાટ ખાતે જઈ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી નમન કર્યું હતું. ત્યાંથી કનોટ પ્લેસ સ્થિત હનુમાનજીનાં મંદિરે પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા.

ત્યાર બાદ આમ આદમી પાર્ટીનાં મુખ્યાલયે જઈ કાર્યકરો અને નેતાઓને મળી પછી તિહાડ જેલ જવા નીકળ્યા હતા. કેજરીવાલે સંદેશામાં કહ્યંy કે તમે સૌ તમારું ધ્યાન રાખજો, જેલમાં મને તમારા સૌની ચિંતા રહેશે. તમે ખુશ રહેશો તો જેલમાં તમારો કેજરીવાલ પણ ખુશ રહેશે. જય હિન્દ. તિહાડ જેલનાં સૂત્રો અનુસાર કેજરીવાલે જેલ નંબર રમાં જ આત્મસમર્પણ કર્યું છે. પહેલાં તેઓ અહીં જ બંધ હતા. નિયમાનુસાર જ્યારે કોઈ કેદીને સરેન્ડર કરવાનું હોય તો સાંજ પહેલા કરી દેવું પડે છે. કેજરીવાલનાં આગમનને પગલે તિહાડ જેલમાં જરૂરી તૈયારીઓ કરવામાં આવી હતી.

