સેન્સેક્સમાં 2303નો ઉછાળો

Reena Brahmbhatt
2 Min Read

મુંબઈ, તા. 5 : લોકસભા ચૂંટણીના પરિણામોથી આંચકા ખાઈ ઐતિહાસિક ધબડકા ખાનારા શેરબજારો ફરી એનડીએ સરકાર રચાઈ રહ્યાનું સ્પષ્ટ થતાં આંચકા પચાવી ઉછળ્યાં હતાં. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 2303.19 અંક વધી 74382.24 અને નિફ્ટી 735.85 અંક વધી 22620.35 બંધ આવ્યા હતા. આજની તેજીથી રોકાણકારોની મૂડીમાં 13.23 લાખ કરોડનો વધારો થયો હતો. 30 શેરનો સેન્સેક્સ બેન્કિંગ, ઓટો અને ઓઈલ શેરોમાં લેવાલીથી 2303.19 અંધ અથવા 3.20 ટકા વધીને 74382.24 બંધ આવ્યો તે પહેલાં કારોબાર દરમ્યાન 2455.77 અંક ઊંચે ચડીને 74534.82 સુધી ગયો હતો. બેન્ક નિફ્ટી 2126 પોઈન્ટ (4.53 ટકા) વધીને 49,054.60 પોઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો.

sharemarket

- Advertisement -

આજે બીએસઈમાં 2348 શેર વધ્યા, 1008 શેર ઘટયા હતા અને 74 શેર સ્થિર રહ્યા હતા. બીપીસીએલ અને એલ. એન્ડ ટી.ને બાદ કરતાં સેન્સેક્સ અને નિફટીના તમામ શેરના ભાવ સકારાત્મક બંધ રહ્યા હતા. દરેક ક્ષેત્રના સૂચકાંકો વધ્યા હતા. ખાસ કરીને ઓટો, બેન્ક, મેટલ, એફએમસીજી, ટેલિકોમ અને મીડિયા ક્ષેત્ર 4થી 6 ટકા જેટલા વધ્યા હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 4 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3 ટકા વધ્યા હતા. ઈન્ડિયા વીઆઈએક્સ ઈન્ટ્રાડેમાં 29.4 ટકા ઘટીને 18.885 ઉપર સેટલ થયો હતો. નિફ્ટીની 22,800ની સ્ટ્રાઈક પ્રાઈસ ઉપર કોલ સાઈડમાં સૌથી વધુ ઓપન ઈન્ટરેસ્ટ હતું અને ત્યારબાદ 23000ની સ્ટ્રાઈક પ્રાઈસ ઉપર સૌથી વધુ ઓપન ઈન્ટરેસ્ટ હતું. પુટ સાઈડ 22,200ની સ્ટ્રાઈક પ્રાઈસ પાસે સૌથી વધુ ઓપન ઈન્ટેરેસ્ટ હતું. બીએસઈમાં હેરીટેજ ફૂડ, ભગીરથ કેમિકલ્સ, આદિત્ય બિરલા ફેશન, કેએનઆર કન્સ્ટ્રક્શન, ટીસીએનએસ ક્લોથિંગ્ઝ, મિસિસ બેક્ટર ફૂડ સ્પેશિયાલિટીઝ, ઈમામી, વીમાર્ટ રિટેલ, બિકાજી ફુડઝ, ઝાયડસ વેલનેસ, સ્ટોલ હોલ્ડિંગ, એમપીએસ, વિજયા ડાયાગ્નોસ્ટિક, સન ટીવી, ટ્રેન્ટ, યુનાઈટેડ સ્પીરીટસ, ઈઆઈડી પેરી, ક્રોમ્પટન, ગ્રીવ્ઝ, એન્ડયુરન્સ ટેક્નોલોજી, હીરો મોટો કોર્પ, સુપ્રાજિત એન્જિ., મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીવીએસ મોટર, ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝયુમર, ગ્લેનમાર્ક ફાર્મા, કોરોમંડલ ઈન્ટરનેશનલ, કોલગેટ પામોલીવ, જીલેટ, મેરિકો, કાવેરી સીડઝ, એસ્કોર્ટ ડાબર, બ્રિટાનિયા, પીડીલાઈટ, બજાજ ઓટો વગેરે શેરના ભાવ બાવન સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા હતા.

Share This Article