નવી દિલ્હી, તા.1 : રેલવે મંત્રાલય માટે આર્થિક જોગવાઇની લોકસભામાં ચર્ચા દરમિયાન રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરના રેલવે અકસ્માતો સંબંધે વિપક્ષે કરેલી ટીકાઓનો જવાબ આપ્યો હતો. વૈષ્ણવે કહ્યું હતું કે અમે રીલ બનાવનારા નહીં મહેનત કરનારા છીએ. સાતમી જુલાઇએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી દિલ્હીમાં લોકો પાયલટ્સને મળ્યા હતા એનો પરોક્ષ ઉલ્લેખ કરતા વૈષ્ણવે કહ્યું હતું કે લોકોમોટિવ ડ્રાઇવર્સ સાથે વિડિયો ક્લિપ ઉતારવામાં પાવરધા લોકોએ સત્તામાં હતા ત્યારે રેલવે માટે કોઇ જ કામ નથી કર્યું. સોશ્યલ મીડિયામાં રેલવેની બદનામી કરતી કૉંગ્રેસને પ્રશ્ન કરતા વૈષ્ણવે કહ્યું હતું કે રોજના બે કરોડ દેશવાસીઓ રેલવેમાં પ્રવાસ કરે છે, શું આ નેતાઓ રેલવેના પ્રવાસીઓમાં ભય ફેલાવવા માગે છે?

કૉંગ્રેસની ઝાટકણી કાઢતા વૈષ્ણવે કહ્યું હતું કે અત્યારે ગૃહમાં દેકારો કરનારા એ બતાવે કે તેઓ 58 વર્ષ સુધી સત્તામાં હતા ત્યારે એક કિલોમિટર સુધી અૉટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ કેમ બેસાડી શક્યા નહોતા, હવે અમને સવાલ કરે છે? મમતા બેનરજી રેલવે પ્રધાન હતા ત્યારે વિપક્ષોએ રેલવેમાં સેફ્ટી એડવાન્સમેન્ટ સિસ્ટમની અપીલો કરી હતી, હવે અમને રેલવે અકસ્માતોની સંખ્યામાં વધારો થયાનું કહીને વગોવી રહ્યા છે. રેલવે પ્રધાને દાવો કર્યો હતો કે યુપીએ સરકારના સમયની સરખામણીએ એનડીએ સરકારના સમયમાં રેલવે અકસ્માતોની સંખ્યામાં 68 ટકાનો ઘટાડો થયો છે. રેલવેના વિકાસ સંદર્ભે વૈષ્ણવે કહ્યું હતું કે દસ હજાર નવા જનરલ કોચ તૈયાર થઇ રહ્યા છે, સરકાર વધુ 50 અમૃત ભારત ટ્રેન તૈયાર કરશે, નજીકના બે મેગા સિટી વચ્ચે લોકોની મુસાફરીની સગવડ માટે વંદે મેટ્રો યોજના પર કામ થઇ રહ્યું છે. વંદે ભારત, વંદે મેટ્રો, વંદે સ્લીપર ટ્રેન અને અમૃત ભારત ટ્રેનો દોડવા લાગશે એથી લોકોને એકથી બીજા સ્થળ સુધીની મુસાફરી સરળ અને ઝડપી થઇ જશે.

