ગાંધીધામ, તા. 1 : રાજકોટના ટી.આર.પી. ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 30 માનવાજિંદગી હોમાઈ ગઈ. આ બનાવ બાદ સમગ્ર રાજ્યમાં ગેમઝોન સહિતના સ્થળે તપાસ આદરવામાં આવી છે. ગાંધીધામમાં તાજેતરમાં જ શરૂ થયેલા ગેમઝોનમાં આગ અકસ્માત ત્વરીત નિવારવા માટે અગ્નિશમનની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

એરપોર્ટ રોડ ઉપર સિનેપ્લેક્સ નજીક ફન બ્લાસ્ટ ગેમઝોન દોઢ મહિના પૂર્વે જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠાનને શરૂ કરતાં પહેલાં અગ્નિશમનની આધુનિક સુવિધા કે જે બીજા એક પણ ગેમઝોનમાં નથી, તેવી વિકસાવવામાં આવી છે. સમગ્ર પરિસરમાં પાંચ પાઇપલાઇન, 12થી વધુ ફાયર એકસ્ટિંગ્યુસર અને ખાસ સ્મોક ડિટેક્ટરની સુવિધા વિકસાવવામાં આવી છે, જેથી ધૂમાડો થતાંની સાથે જ આગની ઘટનાને તાત્કાલિક ડામી શકાય. ફન બ્લાસ્ટ પ્રથમ ગેમઝોન છે, જેમાં આ સુવિધા છે, તેવું સંચાલકોએ જણાવ્યું હતું. ગેમઝોનની શરૂઆત પૂર્વે તમામ સ્ટાફને અગ્નિશમનની પૂરતી તાલીમ આપવામાં આવી છે, જેથી શરૂઆતથી જ આગને આગળ વધતી ડામી શકાય. ગાંધીધામના આ ગેમઝોનમાં સ્નો પાર્ક સહિત 40 જેટલી વિવિધ ગેમ છે.
હાલ રાજકોટના બનાવ બાદ સરકારની સૂચના પ્રમાણે હાલ આ ગેમઝોન બંધ રાખવામાં આવ્યો છે. વહીવટી તંત્રની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, તેમાં બહાર નીકળવા માટેની વ્યવસ્થા ઓછી જણાઈ હતી. તંત્રની સૂચના મુજબ બહાર નીકળવા માટેના અલગ બે દ્વાર બનાવાયા હોવાનું સંચાલકોએ ઉમેર્યું હતું.

