PV Sindhu: 17 વર્ષ બાદ ભારતમાં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ, પીવી સિંધુ પાસે ઇતિહાસ રચવાની મોટી તક

Arati Parmar
2 Min Read

PV Sindhu: ભારતની યજમાનીમાં 17 વર્ષ બાદ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે. વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. ટૂર્નામેન્ટની યજમાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ પાસે છે. આજથી ટૂર્નામેન્ટની શરૂઆત થઈ ગઈ છે. 23 ઓગસ્ટે તમામ 5 કેટેગરીની ફાઇનલ રમાશે. તેમાં પુરુષ સિંગલ્સ, પુરુષ ડબલ્સ, મહિલા સિંગલ્સ, મહિલા ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સનો સમાવેશ થાય છે.

પીવી સિંધુ પાસે ઇતિહાસ રચવાની તક

મહિલા સિંગલ્સમાં ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુ પણ ઉતરશે. બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ સિંધુ પ્રથમ રાઉન્ડમાં આજે આયર્લેન્ડની સોફિયા નોબલનો સામનો કરશે. 2019ની ચેમ્પિયન સિંધુ પાસે આ ટૂર્નામેન્ટમાં 5 મેડલ છે. 2019માં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત 2017 અને 2018માં સિલ્વર જ્યારે 2013 અને 2014માં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. સિંધુ પાસે વર્લ્ડ ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરવાનો મોકો છે.

- Advertisement -

ચીનની સ્ટાર ખેલાડી ઝાંગ નિંગે 2001થી 2007 દરમિયાન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 5 મેડલ જીત્યા હતા. તેમના નામે પણ એક ગોલ્ડ ઉપરાંત બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ હતા. પીવી સિંધુ પાસે ઘરેલું દર્શકોની સામે નિંગને પાછળ છોડવાની તક હશે.

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન

ભારતે 1983માં પોતાનો પ્રથમ મેડલ જીત્યો હતો, જ્યારે પ્રકાશ પાદુકોણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 2011થી ભારતે બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશિપની દરેક એડિશનમાં ઓછામાં ઓછો એક મેડલ જીત્યો છે. સતત 11 એડિશનમાં કુલ 14 મેડલ જીત્યા છે, જે સતત સારા પ્રદર્શનનો એવો રેકોર્ડ છે જેની બરાબરી માત્ર ચીને કરી છે. જોકે પીવી સિંધુ સિવાય કોઈપણ ભારતીય ખેલાડી પાસે ગોલ્ડ મેડલ નથી.

- Advertisement -
Share This Article