Personal Loan Rejection: પૈસાની જરૂરિયાત ક્યારે પણ કોઈને પણ પડી શકે છે. આવી સ્થિતિમાં જે લોકો પાસે સેવિંગ્સ હોતી નથી, તેઓ બેન્કમાંથી પર્સનલ લોન લે છે અને પોતાની જરૂરિયાત પૂરી કરે છે. જોકે, કોઈપણ વ્યક્તિને બેન્ક સરળતાથી પર્સનલ લોન આપતી નથી. બેન્ક પૂરતી તપાસ કર્યા બાદ જ કોઈ વ્યક્તિને પર્સનલ લોન ઑફર કરે છે. આવી સ્થિતિમાં જો તમે પણ બેન્કમાંથી પર્સનલ લોન લેવાનું આયોજન કરી રહ્યા છો અને તમારી લોન વારંવાર રિજેક્ટ થઈ રહી છે તો તેની પાછળના મુખ્ય કારણો શું હોઈ શકે છે. આજે અમે તમને આ જ વિશે જણાવવાના છીએ. આવો જાણીએ ડિટેલ્સ.
ક્રેડિટ હિસ્ટ્રી અથવા ક્રેડિટ સ્કોર ખરાબ હોવો
તમારી પર્સનલ લોન રિજેક્ટ થવાનું સૌથી મોટું કારણ તમારો ખરાબ ક્રેડિટ રેકોર્ડ હોઈ શકે છે. જો તમે અગાઉ કોઈ લોનની EMI મોડેથી ભરી છે, ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ચૂકવ્યું નથી અથવા કોઈ ખાતામાં લાંબા સમય સુધી બાકી રકમ રહી છે, તો બેન્ક તેને જોખમ તરીકે જોઈ શકે છે અને તમારી લોન રિજેક્ટ કરી શકે છે. આવી સ્થિતિમાં લોન માટે અરજી કરતા પહેલાં તમારી ક્રેડિટ રિપોર્ટ ચોક્કસ જોઈ લો. જો તેમાં કોઈ જૂની બાકી રકમ અથવા ખોટી માહિતી દેખાઈ રહી હોય તો પહેલાં તેને સુધારવી વધુ યોગ્ય રહેશે.
કમાણીની સરખામણીએ વધુ લોન
ઘણી વખત તમારી લોનની રકમ તમારી ઇન્કમની સરખામણીએ વધારે હોય છે. આવી સ્થિતિમાં બેન્ક માને છે કે તમે લોન ચૂકવી શકશો નહીં. જો તમારી સેલેરીનો મોટો હિસ્સો પહેલેથી જ હોમ લોન, કાર લોન અથવા અન્ય EMIમાં જઈ રહ્યો છે તો બેન્કને લાગી શકે છે કે વધુ એક EMI તમારા બજેટ પર વધારે દબાણ ઊભું કરશે અને તમે EMI ચૂકવવામાં સક્ષમ નહીં રહો.
નોકરીમાં સ્થિરતા
પર્સનલ લોનમાં બેન્ક પાસે તમારી સંપત્તિ જેવી કોઈ ગેરંટી હોતી નથી. આવી સ્થિતિમાં બેન્ક એ જોવા માંગે છે કે તમારી કમાણી આગળ પણ નિયમિત રહેશે કે નહીં. જો તમે તાજેતરમાં ઘણી વખત નોકરી બદલી છે, વર્તમાન નોકરીનો અનુભવ ખૂબ ઓછો છે અથવા તમારી આવક નિયમિત નથી તો કેટલીક બેન્કો અરજીને જોખમી માની શકે છે. જ્યારે, self-employed લોકો પાસેથી આવકની સ્થિરતા સાબિત કરવા માટે વધારાના દસ્તાવેજો માંગવામાં આવી શકે છે. બેન્કનો સીધો સવાલ હોય છે કે શું આ વ્યક્તિ આગળ પણ સમયસર EMI ચૂકવી શકશે?
ડૉક્યુમેન્ટમાં ખામી
ઘણી વખત લોન રિજેક્ટ થવાનું કારણ ખરાબ ક્રેડિટ સ્કોર નહીં, પરંતુ દસ્તાવેજોની સમસ્યા હોય છે. અરજીમાં જણાવેલી સેલેરી અને બેન્ક રેકોર્ડમાં તફાવત, જૂની નોકરીની માહિતી, ખોટું સરનામું, અધૂરા ડૉક્યુમેન્ટ લોન રિજેક્ટ થવાનું મુખ્ય કારણ બની શકે છે.
વધુ લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી
ઓછા સમયમાં ઘણી જગ્યાએ લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવી પણ તમારા માટે નુકસાનકારક બની શકે છે. દરેક વખતે જ્યારે કોઈ બેન્ક તમારી ક્રેડિટ રિપોર્ટ તપાસે છે ત્યારે credit enquiry નોંધાઈ શકે છે. આવી સ્થિતિમાં જો થોડા સમયમાં આવી ઘણી enquiries થઈ જાય તો બેન્કને લાગી શકે છે કે તમને પૈસાની વધુ જરૂરિયાત છે અથવા તમે સતત નવું દેવું લેવાનો પ્રયાસ કરી રહ્યા છો. આવી સ્થિતિમાં એકસાથે ઘણી બેન્કોમાં અરજી કરવાથી બચવું જોઈએ.

