Singapore PM Salary: સિંગાપુરમાં વડાપ્રધાન લૉરેન્સ વોંગના પગારમાં 60 ટકાનો વધારો, વાર્ષિક પેકેજ વધીને 27 કરોડ રૂપિયા થશે

Arati Parmar
3 Min Read

વડાપ્રધાન અને મંત્રીઓના પગારમાં જંગી વધારો, લૉરેન્સ વોંગને ટ્રમ્પ કરતાં 8 ગણો અને મોદી કરતાં 135 ગણો વધુ પગાર મળશે

Singapore PM Salary: પૂર્વ એશિયાઈ દેશ સિંગાપુરમાં વડાપ્રધાન, મંત્રીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિંગાપુરના વડાપ્રધાન લૉરેન્સ વોંગે મંગળવારે દેશની સંસદમાં આ અંગે માહિતી આપી હતી. આ વધારા બાદ વડાપ્રધાન લૉરેન્સ વોંગનો પગાર 60 ટકા વધી જશે. વોંગ હાલમાં વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવનારા નેતા છે.

વોંગનો પગાર 11 કરોડ રૂપિયા વધ્યો

લૉરેન્સ વોંગ હાલમાં લગભગ 22 લાખ સિંગાપુર ડૉલર એટલે કે આશરે 16 કરોડ રૂપિયા વાર્ષિક પગાર મેળવે છે. આ વધારા બાદ તેમનું વાર્ષિક પેકેજ વધીને 36 લાખ સિંગાપુર ડૉલર થઈ જશે. ભારતીય ચલણમાં આ પગાર વાર્ષિક 27 કરોડ રૂપિયા થશે. એટલે કે વોંગના વાર્ષિક પગારમાં 11 કરોડ રૂપિયાનો વધારો થશે. સિંગાપુર સરકારે આ વધારા પાછળ દલીલ કરી છે કે સક્ષમ લોકોને સરકારી પદો પર લાવવા અને સારું શાસન જાળવી રાખવા માટે વધુ પગાર જરૂરી છે.

- Advertisement -

મંત્રીઓના પગારમાં પણ વધારો

વોંગની સાથે જ દેશના નાયબ વડાપ્રધાનના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નાયબ વડાપ્રધાનનો પગાર 18.7 લાખ સિંગાપુર ડૉલરથી વધીને 30.6 લાખ સિંગાપુર ડૉલર એટલે કે 22.94 કરોડ રૂપિયા થઈ જશે. સરકારના કેબિનેટ મંત્રીઓને તેમની વરિષ્ઠતા અને પોર્ટફોલિયોના આધારે 18 લાખ ડૉલર એટલે કે 13.5 કરોડ રૂપિયાથી લઈને 28.8 લાખ સિંગાપુર ડૉલર એટલે કે 21.59 કરોડ રૂપિયા સુધીનો પગાર મળશે.

ટ્રમ્પ અને મોદી કરતાં પણ અનેક ગણો વધુ

સિંગાપુર પોતાના રાજકારણીઓને સૌથી વધુ પગાર આપનારા દેશોમાં સામેલ છે. સિંગાપુરના વડાપ્રધાનનો પગાર વધ્યા બાદ તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પગાર કરતાં લગભગ 8 ગણો વધુ હશે. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણીએ વોંગને 135 ગણો વધુ પગાર મળશે. ટ્રમ્પ હાલમાં વાર્ષિક 3.77 કરોડ પગાર મેળવે છે. ભારતીય વડાપ્રધાનને વાર્ષિક માત્ર 20 લાખ રૂપિયા જ પગાર મળે છે.

- Advertisement -

સિંગાપુરમાં વડાપ્રધાન અને મંત્રીઓના પગાર લાંબા સમયથી વિવાદનો વિષય રહ્યા છે. વડાપ્રધાન અને મંત્રીઓ જ્યાં કરોડો રૂપિયાનો પગાર મેળવી રહ્યા છે, ત્યાં દેશની સરેરાશ વાર્ષિક આવક લગભગ 4.30 લાખ રૂપિયા એટલે કે 5775 સિંગાપુર ડૉલર છે. પગાર વધારવાના નિર્ણયની ટીકા થઈ રહી છે. જોકે, સરકારની દલીલ છે કે મંત્રીઓને સારો પગાર મળવો જોઈએ, જેથી સારા લોકોને રાજકારણમાં આવવા માટે પ્રોત્સાહન મળે.

વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવનારા નેતાઓનો વાર્ષિક પગાર

  • લૉરેન્સ વોંગ – સિંગાપુરના વડાપ્રધાન – 27 કરોડ રૂપિયા.
  • જૉન લી – હૉંગકૉંગના ચીફ એક્ઝિક્યુટિવ – 6.79 કરોડ રૂપિયા.
  • ગાય પરમેલિન – સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ – 5.72 કરોડ રૂપિયા.
  • ડોનાલ્ડ ટ્રમ્પ – અમેરિકાના રાષ્ટ્રપતિ – 3.77 કરોડ રૂપિયા.
  • એન્ડી બર્નહામ – બ્રિટિશ વડાપ્રધાન – 2.17 કરોડ રૂપિયા.
  • નરેન્દ્ર મોદી – ભારતના વડાપ્રધાન – 20 લાખ રૂપિયા.
Share This Article