Trump Officials Data Leaked Online: જર્મન ન્યૂઝના રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પના ઘણા ટોચના સુરક્ષા સલાહકારોનો ખાનગી ડેટા ઓનલાઈન લીક થયા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટ્ઝ, ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ અને નેશનલ ઈન્ટેલિજન્સ વિભાગના ડિરેક્ટર તુલસી ગબાર્ડના મોબાઇલ ફોન નંબર, ઈમેલ એડ્રેસ અને અમુક પાસવર્ડ પણ કોમર્શિયલ ડેટા-સર્ચ સર્વિસ અને હેક કરેલા ડેટા દ્વારા શોધી શકાય છે, જે સુરક્ષા ચૂકનો ગંભીર મામલો છે.
ડિવાઈસ પર સ્પાયવેર ઇન્સ્ટોલ થવાનું જોખમ
તુલસી ગબાર્ડ અને માઈક વોલ્ટ્ઝના નંબર કથિત રીતે મેસેજિંગ સર્વિસ વોટ્સએપ અને સિગ્નલ પરના એકાઉન્ટ્સ સાથે જોડાયેલા હતા. ડેર સ્પીગેલે કહ્યું કે આનાથી તેમના ડિવાઈસ પર સ્પાયવેર ઇન્સ્ટોલ થવાનું જોખમ રહેલું છે.
ટ્રમ્પની યુદ્ધ યોજના લીક!
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની યમનના હુથી બળવાખોરો સામેની યુદ્ધ યોજના લીક થઈ ગઈ છે. આ સમગ્ર મામલો ટ્રમ્પ પ્રશાસનની ભૂલ હોવાનું કહેવાય છે. અમેરિકી અધિકારીઓએ યમન સ્થિત હુથી વિદ્રોહીઓના અડ્ડા પર હુમલો કરવા માટે મેસેજિંગ એપ સિગ્નલ પર એક ગ્રૂપ બનાવ્યું હતું. આ ગ્રૂપ બનાવ્યા પછી, વોલ્ટ્ઝે ટ્રમ્પ વહીવટીતંત્રના 18 ઉચ્ચ અધિકારીઓને તેમાં એડ કર્યા હતા.
આ ગ્રૂપમાં વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો, નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર જોન રેટક્લિફનો સમાવેશ થાય છે. કોઈને ખ્યાલ નહોતો કે આ ગ્રૂપમાં કોઈ બહારનો વ્યક્તિ પણ સામેલ છે. ધ એટલાન્ટિક મેગેઝિનના એડિટર-ઇન-ચીફ જેફરી ગોલ્ડબર્ગ પણ ગ્રૂપમાં સામેલ હતા. જયારે તેમણે પૂછ્યું કે શું આ જૂથ સત્તાવાર છે ત્યારે હંગામો થયો.
ગોલ્ડબર્ગે આ બાબતને એક લેખ દ્વારા જાહેર કરી
સોમવારે ઓનલાઇન મેગેઝિન ધ એટલાન્ટિકમાં એક લેખ પ્રકાશિત થયા બાદ હુમલા અંગેની માહિતી જાહેર થઈ હતી. જેમાં ગોલ્ડબર્ગે લખ્યું છે કે, 15 માર્ચે હુથીઓ પર હુમલાના બે કલાક પહેલા આ ખબર વાયરલ થઈ ગઈ હતી. ગોલ્ડબર્ગે લખ્યું કે મને ભૂલથી ચેટ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યો હતો. 11.44am મિનિસ્ટર પીટ હેગસેથ યમન પર હુમલાની માહિતી શેર કરે છે. જેમાં ટાર્ગેટ, હુમલામાં ઉપયોગમાં લેવાતા હથિયારો અને સમયની સાથે અન્ય માહિતી સામેલ હતી.

