USA Iran War Cost 2026: ઈરાન યુદ્ધની અમેરિકાને ચૂકવવી પડી રહી છે ભારે કિંમત, 6 દિવસમાં 11.3 અબજ ડોલર સ્વાહા, રિપોર્ટમાં ખુલાસો

Arati Parmar
3 Min Read

USA Iran War Cost 2026: ઈરાન સાથેની જંગ અમેરિકાને ઘણી મોંઘી પડી રહી છે. ઈરાન પર હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધના પ્રથમ છ દિવસમાં અમેરિકાને ઓછામાં ઓછું 11.3 અબજ ડોલર (1.04 લાખ કરોડ રૂપિયા) નું નુકસાન થયું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકી કોંગ્રેસના એક બ્રીફિંગમાં સાંસદોને આ જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર, મંગળવારે બંધ બારણે યોજાયેલી બેઠક દરમિયાન સેનેટરો સમક્ષ આ આંકડો રાખવામાં આવ્યો હતો. જોકે, આમાં યુદ્ધનો સંપૂર્ણ ખર્ચ હજુ સામેલ નથી.

કોંગ્રેસમાં ફંડ માંગવાની તૈયારી

જો યુદ્ધ લાંબુ ચાલશે તો આ આંકડો અનેકગણો વધી શકે છે, કારણ કે કોંગ્રેસના ઘણા સભ્યોને અપેક્ષા છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર યુદ્ધ માટે કોંગ્રેસ પાસેથી વધુ ફંડિંગની વિનંતી કરી શકે છે. કેટલાકનું માનવું છે કે આ વિનંતી 50 અબજ ડોલરની હોઈ શકે છે, જ્યારે બીજા કેટલાક લોકોએ ઓછો અંદાજ લગાવ્યો છે.

- Advertisement -

ટ્રમ્પ વહીવટીતંત્રે હજુ સુધી લડાઈના ખર્ચનું કોઈ જાહેર આકલન આપ્યું નથી. આ સાથે જ લડાઈ ક્યારે પૂરી થશે, તે અંગે પણ કોઈ સ્પષ્ટ ખ્યાલ આપ્યો નથી. ટ્રમ્પે બુધવારે દાવો કર્યો હતો કે અમેરિકાએ ઈરાનની જંગ જીતી લીધી છે, પરંતુ કામ પૂરું કરવા માટે લડાઈમાં ટકી રહેશે. ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓએ સાંસદોને જણાવ્યું હતું કે પહેલા બે દિવસમાં જ 5.6 અબજ ડોલરના હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઈરાન સામે જંગ

  • અમેરિકા અને ઈઝરાયેલે 28 ફેબ્રુઆરીએ ઈરાન સામે એકસાથે હુમલો કરી દીધો હતો, જેના પછી ભીષણ જંગ શરૂ થઈ ગઈ છે. આ જંગે ઓમાનથી લઈને લેબનોન સુધીના સમગ્ર મધ્ય પૂર્વને પોતાની લપેટમાં લઈ લીધું છે.

  • અત્યાર સુધીમાં આમાં 2000 થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગના ઈરાન અને લેબનોનના લોકો છે.

  • ઈરાને યુદ્ધ પછી એનર્જી સપ્લાય માટે વિશ્વના મુખ્ય ‘ચોકપોઈન્ટ’ હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દીધું છે, જેનાથી વૈશ્વિક એનર્જી બજાર અને ટ્રાન્સપોર્ટમાં અફરાતફરી મચી ગઈ છે.

ટ્રમ્પે કર્યો જીતનો દાવો

આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં જંગ જીતવાનો દાવો કર્યો છે. બુધવારે તેમણે કહ્યું કે શરૂઆતના થોડા કલાકોમાં જ નિર્ણય થઈ ગયો હતો. જોકે, તેમણે કહ્યું કે અમેરિકી સેના કામ પૂરું કરવા માટે હજુ રોકાશે. કેન્ટુકીમાં એક રેલી દરમિયાન ટ્રમ્પે સમર્થકોને કહ્યું કે, ‘તમે ક્યારેય પણ બહુ જલ્દી એવું કહેવા માંગતા નથી કે તમે જીતી ગયા. પણ આપણે જીતી ગયા છીએ. પહેલા કલાકે જ બધું પૂરું થઈ ગયું હતું.’

- Advertisement -
Share This Article