Bangladesh Hindu Priest Death: બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાયના એક વ્યક્તિના શંકાસ્પદ સંજોગોમાં મોતના મામલો સામે આવ્યો છે. આ વ્યક્તિ કોક્સ બજારમાં એક મંદિરના પુજારી હતા, જેની લાશ ઝાડ પર લટકતી મળી આવી છે. શંકા છે કે હત્યા કર્યા બાદ તેમને ઝાડ પર લટકાવવામાં આવ્યા છે. આ ઘટનાથી હિંદુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશી લઘુમતીઓના જૂથે જણાવ્યું કે દક્ષિણ-પૂર્વી બાંગ્લાદેશમાં પોતાના ઘરેથી ગુમ થયાના ત્રણ દિવસ બાદ હિંદુ મંદિરના રખેવાળની લાશ ઝાડ પર લટકતી મળી આવી હતી. જૂથે આ ઘટનાના દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ (BHBCUC) એ શનિવારે મોડી રાત્રે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ચટ્ટોગ્રામ જિલ્લાના સ્થાનિક ઉપજિલ્લાના દોહજારી વિસ્તારના રહેવાસી 40 વર્ષીય નયન સાધુ કોક્સ બજાર સદર ઉપજિલ્લાના ખુરુશકુલ યુનિયનમાં સ્થિત એક શિવકાલી મંદિરમાં રખેવાળ અને પુજારી તરીકે સેવા આપી રહ્યા હતા. નયનનું મૃત્યુ આ અઠવાડિયે શંકાસ્પદ સંજોગોમાં થયું છે.
નયનને લઈ ગયા હતા કેટલાક લોકો
કોક્સ બજાર વિસ્તારની પોલીસ અને રહેવાસીઓના જણાવ્યા અનુસાર, 19 એપ્રિલની સાંજે કેટલાક લોકો નયનને લઈ ગયા હતા. આના ત્રણ દિવસ પછી ગામની બહાર પહાડી વિસ્તારમાં તેની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસ અત્યારે આ મામલે કંઈ કહેવાની સ્થિતિમાં નથી. પોલીસે તપાસ બાદ સ્થિતિ સ્પષ્ટ થવાની વાત કહી છે. બીજી તરફ લઘુમતીઓમાં આ ઘટના પર ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ સાથે ખરાબ વર્તન અને હિંસા સાથે જોડાયેલા અહેવાલો સતત સામે આવતા રહે છે. દેશમાં વિતેલા બે વર્ષોમાં, ખાસ કરીને મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારના સમયે હિંદુઓ અને અન્ય લઘુમતી જૂથો વિરુદ્ધ હિંસાની ઘટનાઓ વધી ગઈ હતી. કોક્સ બજારમાં ફરી એકવાર હિંદુની હત્યાનો આરોપ લાગ્યો છે પરંતુ હજુ તેમાં કોઈ કોમી એંગલની પુષ્ટિ થઈ શકી નથી.
વિતેલા વર્ષે ભડકી હતી હિંસા
બાંગ્લાદેશમાં વિતેલા વર્ષે ડિસેમ્બરમાં યુવા નેતા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ લઘુમતીઓ પર હુમલાઓનો એક સિલસિલો જોવા મળ્યો હતો. આ જ દરમિયાન હિંદુ યુવક દીપુ દાસની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ભીડના હાથે દીપુ દાસની મોબ લિંચિંગનો મામલો ન માત્ર બાંગ્લાદેશ પરંતુ ભારત અને દુનિયાભરમાં ચર્ચામાં રહ્યો હતો. આ મામલે ઢાકાને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

